એન્કાઉન્ટર / ‘નર્મદા’ અને ‘નરમ-અદા’ વચ્ચે કેટલો ફર્ક?

What is the difference between 'Narmada' and 'Narmada'?

Divyabhaskar.com

Nov 24, 2019, 07:19 AM IST

* બાઇક પર ડબલ-સવારી ઉપરાંત નાનું બાળક હોય તો ટ્રિપલ સવારીનો દંડ લાગશે...- ઇલિયાસ આઇ. પઠાણ, કંડલા
- જુઓ હજી... અનેક વધારા જ નહીં, સુધારાઓ પણ આવી રહ્યા છે.
* ખૂબ મેહનત કરવા છતાં કોઇ કામ પૂરું થતું નથી ને લોકો હસે છે. મને કોઇ સમજતું નથી. શું કરવું?- મૌલિક મહેતા, જોરાવરનગર
- કોણ કહે છે, કોઇ તમને સમજતું નથી? તમે એક સંસ્કારી પરિવારના નિખાલસ અને લાગણીશીલ વ્યક્તિ છો. હાલના તબક્કે, કોઇ તમને સમજે, એના કરતાં તમે એ બધાને સમજવાનું રાખો. ઈશ્વર તમારી સાથે છે.
* યુદ્ધ થશે?- કરુણા જી. પટેલ, મહેમદાવાદ
- ના.
* હમણાં હમણાંથી રાહુલ ગાંધી ચૂપ કેમ થઇ ગયા છે?- વિશ્વનાથ રામરાય પાઠક, જામનગર
- એ તો ચૂપ રહીને ય હસાવી શકે છે... આંખ મારીને!
* પાકિસ્તાનના દહાડા-પાણી ભરાઇ ગયા છે? - મનોજ રામકૃષ્ણ જાની, વડોદરા
- નીચે માટલું ઠેકઠેકાણેથી કાણું છે. ઇમરાન ખાનના સાથીઓ પણ હવે તો એની ફિલ્મ ઉતારવા માંડ્યા છે.
* ‘એન્કાઉન્ટર’માં મારો સવાલ છપાય, એ માટે કેવો સવાલ પૂછવો જોઇએ?- નરેશચંદ્ર વાડીલાલ શાહ, રાજકોટ
- આ પૂછ્યો એવો નહીં.
* પ્રિયંકા ગાંધી વિશે બે શબ્દો કહેશો? - કાવ્યા કે. શાહ, અમદાવાદ
- એ સ્ટુપિડિટીમાં એના ભાઇને મ્હાત કરે, પછી પેન બગાડાય?
* સિનેમામાં કોઇ પાકિસ્તાની ઘૂસી આવ્યો છે, એની સાબિતી કઇ રીતે મળે? - ફૈઝલ અલીબક્ષ કુરેશી, સુરત
- રાષ્ટ્રગીત વખતે ઊભો થતો ન હોય, એને પકડીને મેનેજમેન્ટ પાસે લઇ જવો.
* સ્માર્ટ અને પત્ની બનાવાય એવી છોકરી કેવી રીતે પસંદ કરવી? - નિર્મલકુમાર વૈ. ઠક્કર, જામનગર
- જે રસ્તે ચાલતા ચાલતા મોબાઇલ પર વોટ્સએપ તપાસતી ન હોય.
* કહે છે કે, શાંત પાણી ઊંડા હોય! - ધારા પરીખ, અમદાવાદ
- હા, પણ ફ્રીજમાં એવું ન હોય!
* હાસ્યલેખક બનવા પાછળ કોઇ કારણ?
- ચિરંજીવ દેસાઇ, રાજકોટ
- આગળે ય કોઇ કારણ નથી.
* શહેરના ચાર રસ્તાઓ ઉપર રોજ રાત્રે પોલીસવાળાઓ વાહનો ઊભા રાખીને ડ્રાઇવરોના મોંઢા સૂંઘે છે, એ અંગે શું કહેશો? - ગૌતમભાઇ અને રાજુભાઇ, વડોદરા
- બિચારા ચોથા વર્ગના પોલીસવાળાઓને તો એમ ને એમ ટીબી થઇ જાય. સરકારે breath analyser વસાવવા જોઇએ. કાંઇ ગમે તેવો રોગ લઇને નીકળ્યું હોય, ગરીબ પોલીસવાળાને કેમ સજા?
* શું હરએક નોકરિયાતને એવી ફરજ પાડી ન શકાય કે, પગારનો ચોક્કસ હિસ્સો મા-બાપ માટે રાખે?- બી. એમ. ભાલાળા, ગાંધીનગર
- એને માટે એ લોકોએ એક અલગ મા-બાપ રાખ્યા હોય છે... વાઇફના!
* આ તમામ વેબ-સીરિજો ઉપર આવતી સીરિયલોમાં નઠારી ગાળો અને જુગુપ્સાપ્રેરક દૃશ્યો આવે છે, છતાં એને સેન્સર કેમ કરાતા નથી?- રાજેશભાઇ કે. મલકાણી, કાલોલ
- તમે જોઇ લો પછી કરે ને?
* શ્રીકૃષ્ણે ટચલી આંગળી ઉપર મેરૂ પર્વત ઊંચક્યો હતો, એમ ઘણી વાઇફો એમના ગોરધનોને આંગળી ઉપર નચાવે છે, એનું શું કરવું?- પરેશ દામજીભાઇ કુંડાળા, રાજકોટ
- જ્યાં ને ત્યાં, એ આંગળીઓ કરે, એના કરતાં નચાવે એ આપણને સહેલું પડે.
* મોદીએ હ્યુસ્ટનમાં આપેલા ઐતિહાસિક પ્રવચન વિશે સુઉં કિયો છો? - મંગલ જે. કૃપાર્થી, અમદાવાદ
- ઐતિહાસિક.
* છૂટાછેડામાં બંને પક્ષે સહીઓ કોના ઘેર કરવાની? વરના કે વાઇફના? - જી. યુ. મુલતાની, વલસાડ
- પેપર્સની નીચે કરવાની.
* આ વખતે વરસાદ દૂમ દબાવીને પડ્યો છે, છતાં રોડ ઉપર છત્રી-રેઇનકોટો દેખાણા નહીં...! - મેઘના જે. શાહ, અમદાવાદ
- લોકોને અનુભવ નહીં ને!
* સર, મારું મગજ બહુ ભટકે છે... શું કરવું? - સાહેબસિંઘ કે. રાવ, લીમડી
- પાછું બોલાવી લો.
* હું બધાની સાથે ઝઘડી પડું છું. શું કારણ હશે? - લક્ષ્મણદાસ પરમાર, અમદાવાદ
- અત્યારે તમારો ઝઘડો તમારા મગજ સાથે ચાલે છે. હું વચ્ચે ના પડું.
* હું પાકિસ્તાની મીડિયા જોઉં છું. ત્યાં પેનલ-ચર્ચાઓમાં છૂટા હાથની મારામારીઓ તો આમ વાત છે. - મુકેશચંદ્ર કેલાભાઇ ખડાયતા, અમદાવાદ
- ત્યાં એ લોકો એને કોમેડી-શોમાં મૂકે છે.
* તમારા જન્મદિવસે કોઇ બીજા મહાપુરુષ જન્મ્યા હતા?- પૂજા રાહુલ પટેલ, વડોદરા
- ના. એ દિવસે પણ તાજાં તાજાં બાળકો જ જન્મ્યાં હતાં.
* ‘સ્માર્ટ’ બનવાનો કોઇ ઉપાય? - જીગર જે. જાની, રાજકોટ
- કોઇ સ્ટુપિડ વાત વિચારો... અને પછી એ બોલી ન નાંખો!
* એક સફરજન ડોક્ટરને દૂર રાખે તો બે સફરજન?- કિરીટ ઠક્કર, અડાજણ-સુરત
- બે ડોક્ટરો આવીને લઇ જાય.
* ટેસ્ટ મેચોમાં ખેલાડીઓનાં કપડાં સફેદ જ કેમ? - ખીમભાઇ પટાટ, ચોરવાડ
- તમારો વાંધો કપડાં સામે છે કે એ પહેરે છે, એની સામે છે?
* કાંદાના ભાવ શેરબજારની જેમ રોજ વધતા કેમ જાય છે?- જિગર જોશી, મુન્દ્રા-કચ્છ
- ઓહ! તમે કાંદામાં ય રોકાણ કરો છો?
* રાહુલ-સોનિયાને મોદી-વિરુદ્ધ સિવાયનું કાંઇ સૂઝતું જ નથી?- કલ્પના ગી. શાહ, અમદાવાદ
- એવું સૂઝ્યું હોત તો બેમાંથી એક આજે ભારતના વડાપ્રધાન ન હોત?
* ઇ.સ. 1979ની યુવા અને 2019ના યુવા વચ્ચે તમને શો ફર્ક લાગે છે? - હરેશ બી. લાલવાણી, અમદાવાદ
- 40 વર્ષનો.
* તમારા મતે જીવન એટલે શું? - રેવંત કોરિયા, જૂનાગઢ
- જીવી લઉં પછી બતાવું.

X
What is the difference between 'Narmada' and 'Narmada'?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી