એન્કાઉન્ટર / ગમે તે રેસિપી વાંચો, હોટલવાળા જેવો સ્વાદ ઘેર કેમ નથી આવતો?

Read any recipe, why not come home with a hotel-like taste

અશોક દવે

Jan 19, 2020, 07:21 AM IST

* મગતરું જ્યારે મગરની હેસિયત અને હિંમતનું આકલન કરે ત્યારે...?- રાજેન્દ્ર રાણા, અમદાવાદ
- એમાં માર તો મગરને જ ખાવાનો છે. એક તો આખેઆખું મગતરું ચવાય નહીં... અને ગળી જાય તો મગતરું મહીં ય તરતું રહેવાનું છે.
* ‘મન હોય તો માળવે જવાય... મન ન હોય તો ક્યાં જવાય?’- મોહિત મકવાણા, ભાવનગર
- ચૂલામાં.
* અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં તમે ય ઝુકાવવાના છો? - હર્ષદ મકવાણા, મેઘાવા-આણંદ
- હું તમને ક્યાંય ઝૂકું એવો લાગું છું?
* કોઇ તમારી ટીકા કરતો નજરે ચઢે તો એને માફ કરી શકો છો? - રવીન્દ્ર કૌશિકરાય હાથી, રાજકોટ
- મારી ટીકાથી કોઇ ફરક પડતો નથી. ભારતમાતાની ટીકા કરે, તો ચામડા ઉતરડી લેવા જોઇએ.
* પહેલાં ડુંગળીને લીધે રડવું આવતું હતું, હવે ડુંગળી વગર રડવું આવે છે. શું કરવું? - ફાલ્ગુન વૈદ્ય, યુ.એસ.એ.
- જૈન ધર્મ અપનાવી લો.
* ઇન્ડિયામાં કોઇ નિર્ણય લેવાય, એમાં ચૂંક પાકિસ્તાનને ઊપડે... એ અંગે શું માનો છો? - વસંત દોશી, અમદાવાદ
- ઘણા પાડોશીઓ તો આપણે ત્યાં ભાત વઘાર્યો હોય એમાં ય આખેઆખી વાઇફને વઘારી નાખે છે, બોલો!
* અંગ્રેજોએ બેહાલ કરેલ દેશને બેઠો કરનારે કોંગ્રેસે 60-વર્ષમાં શું કર્યું? - રવિકાંત જાદવ, વડોદરા
- બાબાભાઇને હજી સુધી કુંવારા રાખ્યા છે, એનાથી મોટી દેશની સેવા કઇ કહેવાય?
* ‘એન્કાઉન્ટર’ કરવા માટે કઇ ડિગ્રી જોઇએ? - ભાવિકા ગઢવી, માંડવી-કચ્છ
- ડિગ્રી પછી... પહેલાં ખિસ્સામાં લાઇસન્સવાળી રિવોલ્વર જોઇએ.
* મારી પ્રેમિકા સાથે લગ્ન કરવાની માત્ર જ્ઞાતિભેદને કારણે ઘરવાળા ના પાડે છે. શું કરવું?- જયમીન શાહ, અમદાવાદ
- તમારા ઘરમાં જે સંસ્કાર, પ્રભુભક્તિ, આહારવિહાર અને રસોઇપાણી જેવું બધું માત્ર તમારી જ્ઞાતિના પરિવારોમાં મળી શકે... બીજે બધે ચાન્સ લેવા પડે. જગતની તો નહીં, પણ ભારતની કરોડો જ્ઞાતિઓ સર્વશ્રેષ્ઠ તો પોતાની જ્ઞાતિ જ ગણે છે... ને એમાં ખોટું શું છે?
* સરકારી ભરતીની પરીક્ષાઓમાં આટઆટલી ગેરરીતિઓ થવા છતાં સરકાર ચૂપ કેમ છે? - વિમલ વાજા, પોરબંદર
- સરકારો ય કાંઇ શ્રી સત્યનારાયણની કથાઓ કહેવડાવીને નથી થતી.
* તમે જવાબો કેવી રીતે આપો છો?- તુષાર દવે, સિહોર
- સારી રીતે.
* શ્રેષ્ઠ સવાલ પૂછનારને ઇનામ કેમ નહીં? - કૌશલ નીતિનભાઇ પંડ્યા, અમદાવાદ
- કોઇ એવો પૂછે પછી નક્કી કરીએ.
* તમને એક દિવસના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો શું કરો?- સંજય ગોગરા, રાજકોટ
- કમ સે કમ, કોઇ લેખક-પત્રકારે લખેલા પત્રનો જવાબ તો આપું.
* નોકરી અને છોકરી, બંનેની ઓફર એકસાથે આવે તો પહેલી પસંદગી કોની કરવી? - જીતેન્દ્ર પ્રજાપતિ, વસાઇ-ચાણસ્મા, પાટણ
- નોકરીઓ તો બહુ બધી બદલાતી રહે!
* ‘એન્કાઉન્ટર’માં જવાબો આપવાને બદલે સવાલ પૂછવાનો હોય તો કયો પૂછો? - ધ્રુવિન મુંગરા, જામનગર
- એ જ કે, તમારો સવાલ ન છપાયો હોય, એ દિવસનું ‘એન્કાઉન્ટર’ કેમ વાંચતા નથી?
* ગધેડાને તાવ આવે એવી વાત શું હોઇ શકે?- જીતેન્દ્ર કેલા, મોરબી
- ઉપરના સવાલનો જવાબ તમારા માટે મારો સવાલ ગણી લેવો.
* ગુજરાતના શિક્ષણ વિશે તમારે શું કહેવું છે? - વિશ્વાસ પંકજકુમાર પંચાલ, કઠલાલ-ખેડા
- કાંઇ કહું, તો બા ખિજાય!
* તમે તમારો ચહેરો અરીસામાં જુઓ, ત્યારે મનમાં કયો વિચાર આવે છે? - ડો. રૂપાલી વિકાસ ગોયલ, વડોદરા
- ‘આ માણસ... સહેજ માટે પરફેક્ટ હેન્ડસમ થતાં થતાં રહી ગયો!’
* ગુસ્સાવાળા માણસ અને હાસ્યલેખક વચ્ચે શું ફરક?- નીલ આર. ભાવસાર, મોડાસા
- માણસ હોય એને ગુસ્સો આવે!
* તમે ગૂંચવણમાં ક્યારે આવો છો? - મોન્ટુ મકવાણા, હળવદ
- હું કોઇને ગૂંચવણમાં નાંખતો હોઉં, છતાં ય સાલો ગૂંચવણમાં આવે નહીં, ત્યારે!
* તમને નથી લાગતું, તમારે રાજકારણમાં જોડાવવું જોઇએ? - કુલદીપ ચૌધરી, રમોસ-ધનસરા, અરવલ્લી
- લાગે છે, પણ નરેન્દ્ર મોદીની જગ્યા ખાલી પડે, પછી વિચારાય!
* જો કુદરતે પાણી બનાવ્યું જ ન હોત તો? - જાવેદ દસાડિયા, વલ્લભીપુર-ભાવનગર
- એમ કાંઇ કુદરતના બાપાનો માલ છે?
* ચરિત્ર અને ગુણોની વાત કરનારાઓ ચામડીનો કલર જોઇને છોકરી કેમ પસંદ કરે છે? - ડો. શૈલજા ઠક્કર, અમદાવાદ
- એના ઘરની સડકનો કલર જોઇને તો છોકરી પસંદ ન કરાય ને?
* તમે બાળપણથી જ જિનિયસ છો કે શું? - નિલેશ પટેલ, મોરબી
- આવું બધું તો મારા દાદાજીના વખતથી ચાલ્યું આવે છે.
* કોઇ છોકરી મારા પ્રેમમાં પડતી નથી, તો શું કરવું?- નેવિલ પટેલ, મુંબઇ
- ખિજાય એવાં ન હોય તો એની બાને પૂછી જુઓ.
* આ કોલમનું નામ ‘એન્કાઉન્ટર’ શાથી રાખ્યું? - પ્રકાશ મથુરભાઇ કોરાટ, લસકાણા-કામરેજ
- તમે કહેતા હો તો ‘ધર્મમંગલ’ રાખીએ.
* ડુંગળીના ભાવ આટલા બધા કેમ વધી ગયા?- સાગરભાઇ અધરોજિયા, સામખિયાળી-કચ્છ
- હમણાં તાજેતાજી ડુંગળી ફોલી લાગે છે!
* તમે કોઇને પ્રેમ કર્યો છે? - ઇશાન સવાણી, જામનગર
- ભઇ... કોઇ પંખો ચાલુ કરો... લોકો મારી અને ડિમ્પલ કાપડિયાની પાછળ કેમ પડી ગયા છે?
* મારા સવાલમાં મારું નામ-સરનામું રહી ગયું હતું.- નચિકેત યાજ્ઞિક, અમદાવાદ
- હા. મારે જવાબ આપવાનો ય રહી ગયો હતો.

X
Read any recipe, why not come home with a hotel-like taste

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી