એન્કાઉન્ટર / ‘મનાઈ’ અને ‘સખત મનાઈ’ વચ્ચે શું ફરક?

latest article by ashok dave

અશોક દવે

Jan 12, 2020, 07:25 AM IST

* હું આપને એવો કયો પ્રશ્ન પૂછું, જેથી આપ બેહદ ગુસ્સે થાઓ!
- બલવંત મગનલાલ ગોટાવાળા, ડાકોર
- ગુસ્સો તો મેં પૂરી જિંદગી કોઇની ઉપર કર્યો નથી, સિવાય હકી ઉપર વર્ષે-બે વર્ષે એકવાર. એ ફફડાટ સાથે કે, સામો ગુસ્સો એ તો નહીં કરે ને?
* ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો તમારા લેખો વાંચે છે? - મોહન એલ. ચતુર્વેદી, ગાંધીનગર
- વાંચતા તો હશે... કારણ કે ઘણી વખત એમના ફોન આવે કે, ‘તમારા લેખોમાં હસવાનું ક્યાં ક્યાં છે’, એટલું લેખમાં લાઇન કરીને લખતા હો તો!
* વાઇફને સીધી કરવી હોય તો કોઇ ઉપાય છે? - એહસાન ખાન એમ. ધોન્ડી, સુરત
- ઉપાય હોત તો આવાં ‘એન્કાઉન્ટરો’ લખવામાં ટાઇમ બગાડત?
* ગુજરાતીઓ ફાઇવ-સ્ટારમાં બેઠા હોય કે ક્લબોમાં, વાતો મોટે મોટેથી કેમ કરતા હશે? બીજા ‘ડિસ્ટર્બ’ ન થાય?- બકુલ માટલિયા, સેવિલ-લોંગ આયલેન્ડ, અમેરિકા
- એમને તો બેસણાંઓમાંથી ય બહાર કાઢવા જેવા છે.
* તમે ઠંડીથી બચવા શું કરો છો? - દીપલ લવજીભાઇ મકવાણા, ડિસા
- બંને હાથ ઘસું છું... પોતાના!
* તમારા જૂના દોસ્તો જેન્તી જોખમ અને પરવીણ ચડ્ડી શું કરે છે?- ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ
- જેન્તીની ટીવી-સિરિયલ બની રહી છે ને પવલો પૂછે રાખે છે, ‘મારી ક્યારે?’
* હવે પેલા વાસ્તુશાસ્ત્રીઓ ક્યાં ગુમ થઇ ગયા? લોકોને ખરા ઉલ્લુ બનાવે રાખ્યા.- મનહરલાલ જીવાભાઇ ચૌધરી, કડી
- એમનો ય શું કસૂર? પેટ પૂરતા ડોબાઓ એમને ય મળી રહે છે ને?
* સોનિયા કે માયાવતી... સ્ટેજ પરથી માત્ર એક વાક્ય બોલવું હોય એ પણ વાંચીને? - લીલાધર પ્રભુજી સોલંકી, જામનગર
- એ કયું વાક્ય બોલે છે, એ સાંભળવાને બદલે શ્રોતાઓને વાંચવા આપવું જોઇએ.
* શું તમે ચુસ્ત ભાજપી છો? - વરુણ નાથાલાલ પટેલ, સિદ્ધપુર
- હું રાજકારણના કોઇ પક્ષમાં નથી. ભાજપમાં પણ નહીં. યસ, મને ‘મોદીભક્ત’ કહી શકાય.
* હેલમેટો પાછી ખેંચાઇ ગઇ! - લબ્ધિ મુકેશ ગોર, સુરત
- હવે સાચેસાચ હેલમેટ ‘માથે પડી’ કહેવાય!
* શું ચશ્માંવાળી છોકરીને ચશ્માંવાળો છોકરો જ મળે?- પંખુડી જે. પરીખ, સુરત
- બંનેનાં ચશ્માં એકસાથે ખોવાઇ જવાં ન જોઇએ!
* એકાદ શુક્રવારે કોઇ ગુજરાતી ફિલ્મ વિશે લખીને ગુજરાતી કલાકારોનું ગૌરવ વધારો તો કેવું?- રવીન્દ્ર હાથી, રાજકોટ
- મારો હાથ ’50 - ’60ના દાયકાઓની ભંગાર ફિલ્મો માટે લખવા ઉપર બડી મુશ્કેલીથી બેસી ગયો છે. શું કામ મને સુધારવા માગો છો?
* શિયાળામાં લગ્ન કરવાથી શૂરાતન બમણું કેમ થઇ જતું હશે?- મહાસુખ દરજી, અમદાવાદ
- એકાદવાર શિયાળામાં ય એકાદા લગ્ન કરી જુઓ, પછી ખબર પડે!
* ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ જોવા રવિવારે 15-હજાર લોકો આવ્યા. તેમાં તમે હતા?- રવિ સુવણ, વડોદરા
- હું તો ‘સ્ટેચ્યૂ ઓફ પ્યૂબર્ટી’ જોવા ય જઇ શક્યો નથી.
* ભારતના સ્ટાર ક્રિકેટરો ટપલાં પડ્યા પછી જ કેમ રમતા હશે?- મનન અંતાણી, રાજકોટ
- ભવ્ય વિજયોની પરંપરા સાથે ક્યારેક પરાજય પણ સ્વીકારતા શીખો.
* ‘એન્કાઉન્ટર’ ચાલુ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો?- કુલદીપ વાજા, ભાવનગર
- ‘ઝોમેટો’માંથી.
* સરકારી ભરતીઓમાં કૌભાંડો ક્યાં સુધી ચાલુ રહેશે?- વિકી રબારી, બાવરુ
- ઓટ આવે ત્યાં સુધી.
* તમને નથી લાગતું, પુરુષો કોમળ, નાજુક અને ઋજુ બનવા લાગ્યા છે?- કિશોર મહેતા, રાજકોટ
- મને અડી જુઓ તો ખબર પડે!
* મોદીસાહેબનો ઇન્ટરવ્યૂ અક્ષયકુમારે લીધો, તો હવે રાહુલનો ઇન્ટરવ્યૂ કયા અભિનેતાએ લેવો જોઇએ?- ફાલ્ગુન વૈદ્ય, ઇલીનોય-અમેરિકા
- અક્ષય કેસરવાળું દૂધ પીતો થયો છે. હવે એને ખાટી છાશ પીવા આપો, એ થોડું વધારે પડતું છે.
* તમે કાશ્મીરમાં એકાદો પ્લોટ-બ્લોટ લીધો?- માધવ જે. ધ્રુવ, જામનગર
- મારી પાસે વાર્તા કે લેખોના પ્લોટ હોય... જમીનના નહીં!
* અમારી જ્ઞાતિના બધા જ કાર્યક્રમોમાં આપણું રાષ્ટ્રગીત ફરજિયાત કરી નાખ્યું. બોલો હવે?- નૂતનકુમાર ભટ્ટ, સુરત
- હું એવા જ કાર્યક્રમોમાં જવાની હા પાડું છું, જ્યાં રાષ્ટ્રગીત ફરજિયાત ગવાતું હોય!
* ‘બુધવારની બપોરે’ના તમારા લેખો ઉપરથી ટીવી-સિરિયલ ન બની શકે?- સંજય આર. શાહ, અમદાવાદ
- હા, પણ બચ્ચન સા’બ રિટાયર થઇ ગયા, દિલીપ સા’બ બીમાર ને દાદામોની દેવ થઇ ગયા. હવે શું કરીશું?
* લગ્ન કરાય?- ગૌતમ ચાવડા, કપડવંજ
- હા.
* ફોર-વ્હીલરમાં સ્ટીયરિંગ જમણી બાજુ કેમ રાખવામાં આવે છે?- વિવેક ધામેચા, ભેસાણ-જૂનાગઢ
- પોલીસ જમણી બાજુ આવીને જ નામ લખે છે, માટે.
* ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા...’, તો અત્યાર સુધી શું સૂકાં પાંદડાં જોતા હતા?- ભાવના કરમૂર, ભાણવડ
- પેલા ભોળિયાને મામો બનાવવાનો બધો ખેલ છે. એને લીલા ખેતરમાં મોકલીએ તો કેટલા બધા યાદ આવે?
* દરેક વાતનો વિરોધ કરનારાઓને આપ શું કહેશો? (નાગરિકતા, વગેરેના મુદ્દે) - દીપક મહેતા, રાજકોટ અને વિનાયક શુક્લ, ગોધરા
- એવાને નામ જે આપવું હોય તે આપો... પાછળ અટક ‘ગાંધી’ આવવી જોઇએ!
* ગમે તે વિરોધમાં તોફાનીઓ પોલીસ ઉપર હુમલો કેમ કરે છે?- રામ સતીશ, સુત્રાપાડા, ગીર સોમનાથ
- એ તો તોફાનીઓ હુમલા કરે છે... આપણે બધાએ પોલીસોનો સાથ આપવો જોઇએ ને?

X
latest article by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી