તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લખોટી ને ગિલ્લી-ડંડા ક્યાં ખોવાઈ ગયાં?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ લેખ છપાયા પછીની બે આગાહીઓ છે. એક તો, આજની પેઢીના છોકરાઓ આ લેખને અડશે પણ નહીં અને બીજું, લેખ વાંચી લીધાની દસ જ મિનિટ પછી અમારી ઉપર ફોનો ને વોટ્સએપો આવવાના ચાલુ થઈ જશે કે, ‘આપણા જમાનાની તમે આટલી બધી ગેમો લખી, પણ ‘લંગડી’ કે ‘દેડકાદોડ’ તો લખી જ નહીં?’ જે લખી છે એ નહીં, જે રહી ગઈ છે, એ બધી ગોતી ગોતીને વાચકો અમને ફરિયાદ કરશે, ‘અમે ‘ગદ્ધાચોર’ બહુ રમતા. તમે એ લખી જ નથી!’
હશે, આવડે એવો બધાને જવાબ આપીશું, પણ આજના આપણા ગ્રાન્ડ-ચિલ્ડ્રન ઉપર દયા આવે છે કે, ઘરની બહાર નીકળીને રમી શકે એવી તો એકે ય ગેમ એમની પાસે રહી નથી. એ લોકો બધા મોબાઇલ, કમ્પ્યૂટર, ગેમ્સના માસ્ટરો (જેમાં આપણી પિચ ન પડે!) પબ્જી, બ્લૂ વ્હેલ કે પોકેમોન તો લગભગ બંધ થઈ ગઈ, પણ મોટાઓ મોબાઇલ પર હજી ‘કેન્ડી ક્રશ’ કે ‘તીન પત્તી’ જેવી ગેમો રમી રમીને દુ:ખના દહાડા પૂરા કરે છે. છોકરાઓ પાસે ઘરની બહાર જઈને રમવાની તો કોઈ ગેમ રહી નહીં અને એમનાં મમ્મી-પપ્પાઓ એમને નાસ્તામાં ય ચીઝ, બટર, બ્રેડ, મેયોનિઝ, ટોસ્ટ, વેફર્સ, કોર્નફ્લેક્સ કે ચોકલેટ-કૂકીઝ ખવડાવે રાખે, એમાં છોકરાઓ ઢમઢોલ થતા જાય છે. કેલરી બાળવાની તો જાણકારી ય નહીં અને યોગ કે એક્સરસાઇઝ તો મમ્મી-પપ્પા પોતે કરતાં હોય તો છોકરાઓને કમ્પલ્સરી કરાવે ને? જેમાં હાડકું હલાવવું ન પડે, એ બધી ગેમ્સ છોકરાઓને રમવા આપે અને ઉલાળા મારે, ‘મારો પન્નુ તો ત્રીસ જ સેકન્ડમાં રુબિક ક્યૂબ સોલ્વ કરી નાખે છે.’
ગોઇંગ ડાઉન ધી મેમરી લેન. આજે નાના હતા ત્યારની રમતો યાદ કરવી છે.
લખોટી : હું તો અમદાવાદની પોળમાં ઊછરેલું બાળક. (હવે, કાકો!) પોળમાં રમેલી બધી રમતો યાદ છે ને એમાં ય લખોટી ખાસ! લખોટીને એ લોકો ‘કંચા’ પણ કહે છે. આજે પણ મને એક્કા-દુગ્ગા કરવાનું ગમે. પોળની જમીન પર ઊભડક બેસી જવાનું. એક લખોટી જમણા હાથની બીજી આંગળી પાસે મૂકીને ડાબા હાથે પેલી આંગળી વચ્ચે લખોટી ભરાવીને તીર છોડતા હોઈએ એમ છોડીને ગબામાં નાંખવાની. ગબો એટલે નાનકડો ખાડો (આજની મ્યુનિસિપાલિટીઓ પાડે છે, એવા ખાડાને ગબા ન કહેવાય!) એમાં લક્ષ્ય, પકડ, ધ્યાન અને જોર એવું વાપરવાનું કે, લખોટી ફરતી ફરતી ગબામાં જાય. ફેલ જાઓ તો દુશ્મનનો વારો આવે અને એના ફેલ જવા સુધી રાહ જોવાની. જમીન પર ચોરસ ચીતરીને મહીં આઠ-દસ લખોટીઓ ગોઠવીને દસેક ફૂટ દૂરથી બીજી લખોટી વડે એ ઢગલાને તાકવાનો. જેટલી બહાર નીકળે એટલી તમારી. તાકવાની લખોટીને ‘લખોટો’ કહેવાય. અમે એને ‘ડેબો’ ય કહીએ. અમારી મરજી!
કાચની લખોટીઓ મનમોહક રંગોમાં મળતી. ‘દસ પૈસાની દસ.’ જોકે, પૈસા કોઈ ન ખર્ચે. જેટલી વધારે જીતો એ તમારી. મારા જામનગરમાં લખોટીને ‘ઠેરી’ કહે. પાંચ પૈસાની સોડા (ઉચ્ચાર ‘શોડા’, ‘ઠેરીવારી’ શોડા. હજી આજે ય, જામનગર બાજુ ‘ર’ અને ‘ળ’ વચ્ચે જ્ઞાતિ-જાતિના ભેદ જોવાતા નથી.)ની બોટલના ગળામાં 
લખોટી ગેસથી ખેંચીને ટાઇટ કરી હોય. અમને ‘શોડા’ કરતાં ઠેરીમાં વધુ રસ. અમે એને કાઢવા બહુ તૂટી જતા, પણ નીકળે નહીં.
ગિલ્લી-ડંડા : ગિલ્લી-ડંડા ‘બાળમર્દો’ની ગેમ કહેવાતી. બાળક જેવા મર્દો નહીં, મર્દો જેવાં બાળકો. એટલે કે અમે! લાકડાની ગિલ્લી લગભગ અડધી વેંત જેટલી લાંબી હોય. બંને બાજુથી છોલેલી, પણ અણીદાર નહીં. કોણીથી હાથ સુધી લાકડાનો નાનકડો ડંડો હોય, જેને ગિલ્લીના એક છેડા ઉપર પછાડો એટલે બહેન હવામાં ઉછળે અને જમીનદોસ્ત થાય એ પહેલાં એને ડંડાથી ફટકારવાની. એમાં પાછા રમતના નિયમો મુજબ વખત, રહેંટ, મૂઠ, નાળ, અંકી, બાંકો અને જગુ. હસવું આવી શકે છે, પણ ગિલ્લીને ઊંધી હથેળી પર મૂકીને થોડી અમથી ઉછાળીને તરત શોટ મારી દેવાનો. વચલી બંને આંગળીઓ અંગૂઠા નીચે દબાવી, પહેલી અને ટચલી આંગળી ઉપર ગિલ્લી મૂકીને હવામાં ઉછાળો અને ડંડા વડે ફટકારો, એને ‘નાળ’ કહેવાય. ક્રિકેટમાં ‘રન’ હોય એમ આમાં ‘જગુ’ થવો જોઈએ.
નાગોલચિયું : પહેલાં સડકો ક્યાં હતી? પોળોની જમીનો ઉપર ચોરસ પથ્થરો જડેલા. બહુ બહુ તો ટાઇલ્સના ટુકડા હોય. એના ઊતરતી સાઇઝમાં સાત ભાગ કરીને એકબીજા ઉપર ગોઠવવાના. દૂર ઊભા રહીને રબ્બરના બોલથી એ મહેલ પાડી બતાવવાનો. પાડીને ભાગી જવાનું. દુશ્મન ટીમના ખેલાડીઓ એ બોલ આપણને ફટકારીને આઉટ કરે, સિવાય કે તમે નિશાન ચૂકવી જાઓ. દરમિયાનમાં બોલ આઘોપાછો થયો હોય, તેના લાભ કે ગેરલાભ લઈને પેલા સાતેસાત પથરા ફરીથી એકબીજા ઉપર ગોઠવી દેવાના. એ ગોઠવણી દરમિયાન દુશ્મન તમને બોલ મારીને આઉટ કરી શકે, તો તમે હારી ગયા. દુશ્મનની બૂરી નજર અને કાતિલ ગોલંદાજી પહેલાં પથરા ગોઠવાઈ જાય તો ભવ્ય વિજય સાથે બૂમ પાડવાની, ‘ના ગો લ ચિ યું...’
માલદડી : સાચા અર્થમાં મર્દોની ગેમ ‘માલદડી’ હતી. ટેનિસ બોલ મોંઘા પડતા, (લગભગ દોઢ કે બે રૂપિયાનો એક આવતો!) એટલે લાલ રબ્બરના કઠણ બોલ માલદડી માટે વપરાતા. આમાં ચોક્કસ ભૂમિતિના કુંડાળામાં રહીને જોર હોય એટલી તાકાતથી દુશ્મનોને બોલ મારવાના. એ ખસી જાય તો એનું નસીબ, પણ બોલને આવતો જોઈને ફરી જાય તો બરડામાં આ મોટું ચકામું પડી જાય. એવાં ચકામાં આખા શરીરે પડી જાય, પણ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ના ન્યાયે એ માર ખાઈ લેવાનો, સહન કરી લેવાનું અને આપણો વારો આવે ત્યારે એ જ દુશ્મનોને પૂરી તાકાતથી બોલ વડે આપણે ય ઠોકવાના. ઘેર આવ્યા પછી બા તો પૂરાં ખિજાય. લાલ લાલ ચકામાં જોઈને, ‘કયા હરામજાદાએ મારા છોકરાને આટલો માર્યો છે?’ એવું બધાંની બાઓ પૂછતી.
ખોખાં-છાપો : સિગારેટનાં ફેંકી દીધેલાં ખોખાં અમારી મૂડી હતી. ગોલ્ડ ફ્લેક, ફોર સ્ક્વેર, ઇન્ડિયા કિંગ્સ, ક્લાસિક, કેવેન્ડર્સ, બર્કલી, બ્રિસ્ટલ, તાજછાપ (જગતની એકમાત્ર સિગારેટ, જેના ખોખા ઉપર ગુજરાતીમાં બ્રાન્ડનેમ અને બીજી વિગતો લખાતી.) હની ડ્યૂ (હાથી), ચાર મિનાર, 555, કેપ્સ્ટન, પનામા, ચાર્મ્સ, વિલ્સ (નેવી કટ) કે ઇમ્પોર્ટેડ માર્લબરોનાં ખાલી ખોખાં ભેગાં કરવાની ય એક રમત હતી. 

અન્ય સમાચારો પણ છે...