એન્કાઉન્ટર / મોદીસાહેબ હવે શેની લાઇનમાં ઊભા રાખશે?

encounter by ashok dave

  • કાશ્મીર માટે નવજવાનોની જરૂર છે.(પ્રશ્નકર્તા: જગદીશ દુધાત, જામનગર)

અશોક દવે

Dec 01, 2019, 08:07 AM IST
>>આપ ‘ચક્રમ’ને ઓળખો છો? - મુકેશ તેજાણી, સુરત
-થોડા ય ચક્રમ નહીં... ખૂબ તેજસ્વી માણસ છે.
>>તમને પિયરનાં સગાં વધુ ગમે કે સાસરાનાં? - જયેશ અંતાણી, ભાવનગર
-મારા પિયરનાં તો બધાં. બાકી સાસરું કોનું ગમાડવાનું છે, તે નક્કી કરવું પડે.
>>ભારતના કયા બેટ્સમેનથી દુનિયાના બોલરો થથરતા થયા? ગાવસકર, સચિન, વિરાટ કે રોહિતથી? - ચેતન જામુભાઇ શાહ, અમદાવાદ
-વીરેન્દ્ર સેહવાગથી.
>>તમને ગરબાનો શોખ કેવો? - મહાસુખ દરજી, અમદાવાદ
-દુ:ખ થાય છે કે, આટલાં વિરાટ આયોજનોમાં ય મા આદ્યશક્તિની આરતી ગવાતી નથી.
>>આજના વિદ્યાર્થીઓને સ્કૂલ-કોલેજની એક્ઝામ્સ કરતાં ગવર્નમેન્ટની એક્ઝામ્સ અંગે ઘણી જાગૃતિ છે! - દિવ્યેશ કટારિયા, ધોકડવા-ગીર ગઢડા
-એ તો જે મહેનત કરતું હોય એને ખબર!
>>કીડીને કણ, હાથીને મણ તો મચ્છરને? - ધ્રુવિન જોશી, વિસનગર
-પણ.
>>ટ્રાફિકના ભારેખમ દંડ બાબતે આપને શું કહેવું છે?- વસંત દોશી, જામનગર અને ધીમંત ભાવસાર, અમદાવાદ
-લોકો હેલ્મેટ પહેરતા, ગાડીનો બેલ્ટ બાંધતા કે ચાલુ ડ્રાઇવિંગે મોબાઇલ વાપરતા ફફડી તો ગયા.
>>હાલના સંજોગો પ્રમાણે પોલિટિક્સમાં ખતરોં કે ખિલાડી કોણ લાગે છે? - મનોજ શાહ, બોરસદ
-એકે ય નહીં.
>>દેસી અને ઇંગ્લિશ વચ્ચે શું ફેર? - મુકેશ નાયક, નવસારી
-ઇંગ્લિશના ભાવમાં દેસી ઢગલાબંધ મળે, પણ ઢગલાબંધ દેસી લઇને જાઓ તો ઇંગ્લિશ ટીપું ય ન મળે!
>>હું તમારાથી ખૂબ પ્રભાવિત છું. તમે કોઇનાથી પ્રભાવિત થયા છો ખરા? - મોહનલાલ એસ. કુમાવત, નવસારી
-મારા માટે મારા સ્વ. પિતાશ્રીથી વધુ પ્રભાવિત થવાનું બન્યું નથી.
>>કોલમનું નામ કોનું ‘એન્કાઉન્ટર’ કરીને રાખ્યું હતું?- જયરાજસિંહ ‘સાહેબ’, કોચાડા
-હવે બદલવું હશે તો નવું એન્કાઉન્ટર કરવું પડશે!
>>નવા આઇફોન લેવાનો ધસારો જોતાં મંદી ક્યાંય દેખાતી નથી!- ગિરીશ મોદી, મુંબઇ
-ગાડી, સ્માર્ટફોન, ટીવી, લેપટોપ, બંગલો... બધું ફક્કડ હોવા છતાં બધાને ‘વાઇફ’ સિવાય બીજા બધાનું લેટેસ્ટ મોડેલ દર બબ્બે વર્ષે જોઇએ છે. (આમાં જોકે, કાયદો વચમાં આવે છે.)
>>‘હાઉડી મોદી’... પત્યું હવે? - જીતેન્દ્ર કેલા, મોરબી
-ડોનાલ્ડ ‘ટપ્પુ’!
>>‘એન્કાઉન્ટર’ના એક સવાલનો જવાબ આપતા તમને કેટલો સમય લાગે છે? - ધ્રુવિન મુંગરા, જામનગર
-વિચારીને આપવાનો હોય તો મહિના જેટલું થાય!
>>2જી ઓક્ટોબરે ગાંધીજયંતીના દિવસે ફિલ્મ ‘વોર’ રિલીઝ થઇ... આશ્ચર્યમ્! - રૂપેશ દલાલ, કલોલ
-30મી જાન્યુઆરી પહેલાં ઊતરી જશે.
>>‘મને ખબર નથી’, એવી ખબર માત્ર રાહુલ ગાંધી અને તમને પડે છે. વાહ! શું પાર્ટનર શોધ્યા છે?- શિલ્પેશ રાવલ, જામખંભાળિયા
-રાહુલ ગાંધીને તમે બહુ ઊંચે ચઢાવ્યા કહેવાય!
>>હલકટ પાકિસ્તાન રોજ દસ વાર યુદ્ધવિરામ ભંગ કરીને આપણા નિર્દોષ નાગરિકોને મારી જાય છે. આપણે માત્ર સમાચારો વાંચીને જ દુ:ખી થવાનું? - મુખ્તારઅલી નાયાબઅલી શેખ, સુરત
-ઢીલા ન થાઓ. આપણા વીર જવાનો રોજ એમના કેટલાયનો સફાયો કરીને ચૂપચાપ પાછા આવી જાય છે, એના સમાચારો જાહેર ન થાય!
>>કેરોસીનના ધુમાડા ઓકતી રિક્ષાઓ માટે ટ્રાફિકમાં કોઇ દંડ નહીં? - સુનીલ મહેતા, પોરબંદર
-સાંભળ્યું છે કે, 75-80 ટકા રિક્ષાઓ કે ‘ઓલા-ઉબેરો’ ખાખી સાહેબોની માલિકીની હોય છે.
>>રસ્તે જતાં તમને રૂ. એક લાખ મળી જાય તો તમે શું કરો?- પ્રિયાંશુ રાઠોડ, સુરેન્દ્રનગર
-અરે કાકા! આમ અમસ્તી ફેંકવાની જ છે તો લાખ-બાખમાં ક્યાં મને પાડો છો! આવવા દો, બે-ચાર કરોડ!
>>જો બાળકો બગીચાનાં ફૂલો છે તો કાંટા ક્યાં? - નૂતનકુમાર ભટ્ટ, સુરત
-એ જ બાળકો...! પેલા બે માંડ ઝાડી પાછળની જગ્યા શોધીને બેઠાં હોય ને અચાનક, ‘આન્કલ... આ સુંઉ કરો છો?’ કહેતાં ખાબકે, ત્યારે કાંટા લાગે.
>>તમને ઇંગ્લિશ ફાવે? - જયેશ અંતાણી, ભાવનગર
-પરમિટ અપાવતા હો તો બધું ફાવે.
>>અમિતાભ બચ્ચન સરને ‘દાદાસાહેબ ફાળકે એવોર્ડ’ તો મળી ગયો. હવે ‘ભારતરત્ન’ ક્યારે? - મયૂરકુમાર મફતભાઇ વાળંદ, ભૂજ-કચ્છ
-સાલું... આ બધામાં તમને, મને ‘મયૂર વાળંદ એવોર્ડ’ ક્યારે મળશે, એ તો સૂઝતું જ નથી?
>>‘સવાલ સહેલો ને અઘરો જવાબ છું, સમયની રાહનો બેફામ જવાબ છું.’ - ક્રિષ્ણા જે. માછી, વડોદરા
-આમાં મારી કોઇ મદદની જરૂર પડે તો બોલતા નહીં... શેરો-શાયરીમાં બહુ પિચ નથી પડતી.
>>હવે ‘સ્વ. જ્યોતીન્દ્ર દવે’ સપનામાં આવે છે કે નહીં?- સૂર્ય પરેશ મચ્છર, મુંબઇ
-પહેલાં ય આવતા’તા એવું મેં ક્યાંય કીધું નથી. તમારે ય આવવું હોય તો કહીને આવજો.
>>મોદી સરકાર અને મનમોહન સરકાર... બેમાંથી કઇ સરકાર સારી છે? - મોહસિન શેખ, સાવરકુંડલા
-આ સવાલ છ વર્ષ પહેલાં પૂછવાનો હતો, મોહસિનભાઇ.
>>ફક્ત ‘મેમો’ ફાડવાથી ટ્રાફિકના પ્રશ્નો ઉકેલાઇ જવાના?- જીતેન્દ્ર કેલા, મોરબી
-બીજા શેના પ્રશ્નો તમારે ઉકેલાવવા છે?
>>તમારી કોલમ છેલ્લે જ કેમ આવે છે? - પાર્થ સુનીલકુમાર દવે, અમદાવાદ
-આવું પૂછશો તો ત્યાં ય નહીં આવે, ભઇ!
X
encounter by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી