બુધવારની બપોરે / ડિનર-ફિનર

budhwarni bapore by ashok dave

Divyabhaskar.com

Jul 10, 2019, 08:46 AM IST

ડિનરનાં આમંત્રણો અમને ખૂબ ગમે, આપવા નહીં... લેવા! આઈ મીન, આપવા ય ગમે આમ તો, પણ રોજ સાબરમતી જેલમાં જમતા હોઈએ અને તિહાર જેલના કેદીઓને આપણે ત્યાં જમવા બોલાવ્યા હોય, એવું લાગે. અમારા જમાનામાં, પહેલાં તો કોઈ કોઈને ઘેર જમવા બોલાવતું નહીં. એ માથાકૂટ જ નહીં. બહુ બહુ તો જ્ઞાતિનો જમણવાર હોય કે લગ્ન-મરણ પ્રસંગ હોય, ત્યારે પારકું જમવાનું મળે. બ્રાહ્મણોમાં બાજખેડાવાળ, ઔદિચ્ય, નાગર, શ્રીમાળી, શ્રીગોળ વગેરે મળીને 84 જાતના બ્રાહ્મણો માટે અમદાવાદના જમાલપુરના મંદિરે જમણવાર થતો. (જેને 'ચોર્યાસી' કહેવાતી.) આજની જનરેશનના માનવામાં નહીં આવે, પણ ત્યાં જમવાનું હોય એટલે થાળી-વાડકા આપણા ઘરના લઈને જવાનું, જે ત્યાં જમી લીધા પછી ત્યાં આપણે જ માંજી-ઊટકીને પાછા લઈ આવવાના, બોલો! બ્રાહ્મણો માટે આટલું વાંચીને બીજા ઘણા મજાકમાં આંખ મીંચકારશે, પણ એ જ બ્રાહ્મણોએ આપેલા સંસ્કાર મુજબ, ઇવન આજે પણ ઇંગ્લેન્ડ-અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં તમારે કોઈના ઘેર ડિનર પર જવાનું હોય, ત્યાં ડિનર પછી બધાએ પોતપોતાની ડિશો જાતે ધોઈ-સાફ કરીને વ્યવસ્થિત ક્રોકરીના કબાટમાં મૂકી આવવા સુધીનો રિવાજ છે જ. જેને ઘેર જમવાનું હોય એમની વાઇફો, આઈ મીન એકલી વાઇફ તૂટી ન મરે. એ તો ગુજરાત-મુંબઈમાં રહીને આપણે આટલા બધા ફાટ્યા છીએ, બાકી ત્યાં ડિનર પછી ઓડકારો ખાતાં ખાતાં સીધા સોફામાં ગોઠવાઈ જવાનું હોતું નથી. ધોયળી બાઓ ય ખિજાય!

આમ તો મરણ પ્રસંગે જમવા જવાનું મોટાભાગનાઓ ટાળતા, છતાંય જ સગાંસંબંધીઓ માટે જમવાનું ગોઠવવું પડ્યું હોય, તો મેન્યુ નક્કી. ખસ ભભરાવેલા ગોળના લાડુ, પૂરી, વાલ, બટાકાનું શાક, ફૂલવડી, કોબીજ કે પપૈયાની છીણ અને ભાત. પ્રભુકૃપાથી પેલો બે-પાંચ વધારે કમાયો હોય તો, આવા 'રજવાડી' ભોજન સાથે શેકેલા પાપડ પણ મુકાતા. ફ્રાઇડ પાપડો તો ભૂલી જવાના. 'ફાધરનાં લગ્નમાં આયા છો?' એવું કોઈ 'હંભળાવે' ય ખરું. (લાડુ ઉપર ખસ ભભરાવવાનું કારણ મજાનું છે. ખસથી જરા નશો ચઢે! ખસમાં એ ગુણ છે, એનો મતલબ એ પણ નહીં કે, ચા-કોફીમાં ય ખસ ભભરાવો.)

જમાનો બદલાયો છે. 'જમવાનું' શબ્દ ય હવે સ્ટુપિડ લાગે છે. 'મારે હજી લંચ બાકી છે' અથવા 'સાંજે ડિનર પર જવાનું છે', 'બ્રેકફાસ્ટનો તો સવારે ટાઇમ જ નથી રહેતો.'
બ્રેકફાસ્ટમાં એની વાઇફ મેક્સિમમ ખાખરા ખવડાવતી હોય, એની ઉપર દેસી ગોળનું ઢેફું લેતો હોય, પણ બહાર 'બ્રેકફાસ્ટ' બોલવાનું એવી રીતે જાણે ફાઇવસ્ટાર હોટલમાં બ્રેકફાસ્ટની બસ્સો ડિશોમાંથી પસંદ કરી કરીને ખાતો હોય!

આ મારો અંગત ઓપિનિયન હોઈ શકે છે, પણ જૈનોના ઘેર ડિનર પર જવાનું હોય, એ મારી પહેલી પસંદગી હોય છે. (એનો અર્થ એ પણ નથી કે, બાકીના લોકો મને બોલાવવા 'ક્યૂં'માં ઊભા હોય છે. આમ તો કોઈ બોલાવતું નથી!) જૈન સ્ત્રીઓની રસોઈ તો મઘમઘાટ હોય, પણ ટેબલ આખું ભરાઈ જાય એટલી બધી વાનગીઓ બનાવી હોય. કાંદા-લસણ એ લોકો ન ખાય, પણ આપણને જમાડવામાં એવો કોઈ બાધ નહીં. એનો અર્થ એવો ય નહીં કે, આપણને પ્લેટમાં ફક્ત કાંદા-લસણ જ ખાવા આપે. સવાલ અન્ય સ્ત્રીઓ સાથે સરખામણીનો નથી, પણ જૈન સ્ત્રીઓને મઘમઘતી રસોઈ બનાવવાનું વરદાન છે. ખાટલે મોટી કે નાનકડી ખોટ એટલી કે મહુડી સિવાય જૈનો ક્યાંય અનાજનો બગાડ ન થવા દે. આટલી વિરાટ સંખ્યામાં અનેક ટેસ્ટની ડિશો બનાવી હોય, પણ એનો બગાડ ન થવો જોઈએ. જમ્યા પછી તમે બગાડો તો પરાણે તમારા ખિસ્સામાં કે કેરીબેગમાં પરાણે ભરાવી ન દે, પણ એ ધ્યાન જમાડતી વખતે રાખે. પીરસવાની આળસ સહેજ પણ નહીં. તમને ભાવેલી એકની એક સબ્જી લેવા દસ વાર કિચનમાં જાય, પણ આપે થોડું થોડું. ઘણું થોડું! એક વારમાં આખી થાળી ભરી નહીં દેવાની.
એમાં એક જૈન દોસ્તને ત્યાં અમારે ડિનર પર જવાનું હતું. ભૂખો તો કકડીને લાગી હતી. ડિનર પહેલાં મોદી, વર્લ્ડકપ કે આતંકવાદની ચર્ચાઓમાં મને કોઈ રસ નહીં, ડિનરને કેટલી વાર છે એ વાત કર ભઈ! ઘંટ વાગ્યો અને વર્લ્ડ-એથ્લેટિક્સમાં 100 મીટર દોડમાં સ્ટાર્ટની પિસ્તોલ ફૂટે, જમીન પર બે પંજા રોપેલા દોડવીરો કાચી સેકન્ડ બગાડ્યા વિના ભેગા, એમ અમારું આખું ફેમિલી સીધું ડિનર ટેબલ પર! આમાં ફોર્માલિટીઓ રખાય જ નહીં.

ફફડી જ્યાં જવાય કે, આપણે હજી તો બેઠા જ હોઈએ, ત્યાં પેલીનો મોબાઇલ આવી ગયો તો, 'એક્સક્યૂઝ મી...' કહીને પીરસવાનું બાજુ મૂકીને આઠ-દસ મિનિટ ખેંચી નાખે. એની વાત પતે નહીં ત્યાં સુધી બેસી રહેવાનું. 'સામને જામ થા ઔર જામ ઉઠા ભી ન સકે.' એવું દારૂ પીવાની બેઠકમાં હજી ચલાવી લેવાય, કકડીને ભૂખો લાગી હોય ત્યારે ભૂલમાં ય, 'હા હા, તમે ત્યારે મોબાઇલ પર વાત પતાવો. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ!' એવું બાફી ન મરાય.

સ્કૂલની પિકનિકમાં બાળકોને જમવા બેસાડ્યાં હોય, એમ અમને ડાઇનિંગ ટેબલ પર લાઇનબદ્ધ બેસાડવામાં આવ્યા હતા. ગૃહલક્ષ્મી રેખાબહેને બહુ મહેનતપૂર્વક રસોઈ બનાવી હતી. એમને ઉમંગ પણ વિશેષ હતો. એમનો ગોરધન ગળચે કે ના ગળચે, બહેનનું ધ્યાન અને ઉત્સાહ અમને જમાડવા માટે ઝનૂની હતાં. ક્યાંક બીક પણ લાગે કે, એ આગ્રહ કરશે ને ના પાડીશું તો અડબોથમાં બે ઝીંકી દેશે. મને ખાંડવી બહુ ભાવે છે, એનો પ્રચાર કંઈક વધુ પડતો થયો હોવો જોઈએ, કારણ કે રેખાબહેન, 'ખાંડવી મેં હાથે બનાવી છે, અસોક ભા'ય...લે જો, હોં લેજો!' ફફડાટ પેસી જાય કે, એકલી ખાંડવી જ હાથે બનાવી છે તો અન્ય ખાદ્યપદાર્થો શરીરનાં કયાં અંગો, કોણી, ઢીંચણ, પગના પંજા, વાપરીને બનાવ્યા હશે! અમારા ખાડિયાની એક હોટલના ફાફડા-જલેબી બહુ વખણાય, પણ વહેલી સવારથી હોટલના બે નોકરો એકબીજાને પકડીને ઊભા ઊભા ફાફડાનો લોટ ગૂંદવા લશ્કરમાં વારાફરતી ઢીંચણો ઊંચા-નીચા કરતા હોય એમ પગથી ગૂંદે. ખાંડવી ખવડાવવાના બહેનના અતિ આગ્રહને કારણે હું ભૂલી પણ ગયો કે, ખાંડવી ફોર્ક(કાંટા)થી ખવાય. હાથમાં પકડવા જઈએ તો પટ્ટ કરતી લપસી જાય.

એ વાત જુદી છે કે, મને ખાંડવી આટલી ભાવતી અને રેખાબહેનને મને ખવડાવવી હતી, છતાં જમ્યા પછી થાળીમાં કશું પડ્યું રહેવું ન જોઈએ, એ ભાવથી એ જેટલું પીરસતાં, માપીને પીરસતાં. મને આઠમી વાર ખાંડવી આપવા આવ્યાં ત્યારે પણ બબ્બે પીસ જ મળે. ‘આમાં તો ક્યારે મેળ પડશે?’ એવું વિચારીને મેં આખો બાઉલ માંગી લીધો, પણ કાંઈ બગડવું ન જોઈએ, એ ભાવથી હસતાં હસતાં મને બીજા બે કટકા વધારે આપ્યા.

મનમાં હું થોડો ગિન્નાયેલો તો હતો. એ સપ્ટેમ્બર ચાલતો હતો અને આમ ને આમ પીરસાતું રહેશે તો ડિસેમ્બરમાં ડિનર પૂરું થશે. એવી બીક લાગી.
બીજા બધા આર્મીમાં જમવા બેઠા હોય એવી ડિસિપ્લિનથી જમતા હતા, ત્યાં હાથમાં પૂરીઓ ભરેલું બાઉલ લઈને રેખાબહેન આવ્યાં. અત્યંત નાજુક હાથથી એમણે બે પૂરીઓ મને પીરસી. ક્ષણભર હું, ‘લો ને, લો ને, અશોકભાઈ. એકમાં શું ખવાવાનું છે?’
‘બેમાં ય શું ખવાવાનું છે?’

સિક્સર
પેલા 'ગઠબંધન'નું શું થયું?
બસ, આટલી હ્યુમર કાફી નથી?

X
budhwarni bapore by ashok dave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી