બુધવારની બપોરે / અશોક દવે હેર કટિંગ સલૂન

budhwar ni bapore by ashok dave

અશોક દવે

Jan 22, 2020, 08:04 AM IST
આલેખ લખું કે ન લખું, એનો ખોફ છે. લખીશ તો મારા ઓળખીતાઓ ઉપર મારી કેવી છાપ પડશે, એનો ડર લાગે છે, એટલે શક્ય છે આખો લેખ ન લખું અને કદાચ લખાઈ જાય તો ‘બુધવારની બપોરે’ માટે ન મોકલાવું. સામાન્ય રીતે કોઈ પણ લેખક પોતાની આબરૂ વધે એવા લેખો લખતો હોય છે. આવો લેખ લખવામાં તો ધૂળ જેવી આબરૂના કાંકરા થાય એમ છે. આખો ન લખી શકું તો... તોડીને ભડાકા કરી લેજો!
એક્ચ્યુઅલી, થયું હતું એવું કે હમણાં મેરેજ સિઝન ગઈ. એના એક રિસેપ્શનમાં બને એટલો હેન્ડસમ લાગું, એવાં બ્રાન્ડેડ કપડાં પહેરીને હકી સાથે ઊભો હતો. (એક ઝેરી ખુલાસો: બ્રાન્ડેડ કપડાંનો મતલબ, પેલો જોકર રણવીરસિંહ પહેરે છે, એવા રંગો અને ડિઝાઇનોવાળાં કપડાં નહીં. માણસ જેવો લાગું, એવાં કપડાં! ખુલાસો પૂરો.) ત્યાં એક અજાણ્યા ભાઈએ આવીને પૂરા વિવેકથી મને પૂછ્યું, ‘આપ અશોક દવે છો?’ મેં હા પાડી એટલે દસ ટકા વધારે વિનય બતાવીને મને પૂછ્યું, ‘તમે બહારના ઓર્ડરો લો છો?’ હું ચમક્યો. એ નવો સવાલ પૂછે એ પહેલાં મેં સ્પષ્ટતા કરી, ‘દિવ્ય ભાસ્કર’ સિવાય બીજા કોઈના ઓર્ડરો હું લેતો નથી.’
પણ સાઇડમાં હું કોઈ બીજો ધંધો કરતો હોઈશ એમ ધારીને નહીં... પૂરેપૂરા માની લઈને મને પૂછ્યું, ‘સાહેબ, મારાથી દર મહિને સલૂનમાં જઈ શકાતું નથી. આપ મારા ઘેર આવીને વાળ કાપી જાઓ ખરા?’
‘હેં?’ હું સાબુની ગોટી ગળી ગયો હોઉં, એટલો ચોંકીને પૂછ્યું.
‘સાહેબ, આપની જે કાંઈ વધારાની વિઝિટિંગ ફી થતી હશે, તે હું આપી દઈશ, પણ કાતર, અસ્ત્રો, લટપટિયું અને સાબુ-નેપ્કિન તમારાં લાવવાં પડશે. અરીસો અમારા ઘેર છે. અમારો આ ખાનદાની ધંધો ન હોવાથી આવું બધું અમે કાંઈ ઘેર રાખતા નથી.’ એમણે એમની બોચી નીચેથી ઉપર એમના વાળ ઉપર હાથ ફેરવતાં કહ્યું. સ્વાભાવિક છે કે, વાત એવી નીકળી હતી કે, ન તો આટલા બધાની વચ્ચે ગુસ્સો કરીને પેલાને ઢીબી નાખું કે ન તો એક સજ્જનને છાજે એવો જવાબ આપી શકું. જાહેરમાં મારા વર્તન પર કાબૂ રાખવો પડે. રાખ્યો અને મેં હવે સૌમ્ય હાવભાવ સાથે પૂછ્યું, ‘એક્સક્યૂઝ મી... પણ કયા એન્ગલથી હું તમને હેરડ્રેસર લાગ્યો?’
‘અરે સાહેબ! આટલા પોલાઇટ ના બનો. શહેરનું છોકરેછોકરું જાણે છે કે, ‘અશોક દવે જેવા વાળ તો બીજું કોઈ કાપી આપતું નથી. આ રિસેપ્શનમાં જ મને 4-5 દોસ્તોએ કીધું કે, ‘પેલા ઊભા છે એ અશોક દવે છે ને બહુ સરસ વાળ કાપી આપે છે! કહે છે કે, તમારો તો ચાર્જ પણ નોર્મલ હોય છે.’
મને ગાળો બોલતા ખાસ આવડતી નથી, સ્પેલિંગની બહુ ભૂલો પડે છે, છતાં ય એ વખતે યાદ આવી એ બધી (મનમાં) એમને દેવા માંડી. મારા કયા લક્ષણ ઉપરથી હું એમને કેશ કલાકાર લાગ્યો, તે થોડું ય ન સમજાયું.
મને જોકે, એક એક જૂનો પ્રસંગ યાદ આવ્યો ખરો કે, એક સલૂનમાં વાળ કપાવવા ગયો હતો, ત્યારે મારી બોચી નીચી કરાવીને સલૂનવાળાએ એક બિઝનેસ ઓફર કરી હતી કે, ‘સાહેબ, બોલો ભાગીદારીમાં ધંધો કરવો છે? તમે ચાલુ કામે ઘરાકોને હસાવતા રહો ને હું મારું કામ પતાવતો જાઉં. ઘરાકી સોલ્લિડ વધશે!’
ખોટું નહીં કહું, મને લાલચ તો થઈ ગઈ હતી, પણ એની ઓફર કરતાં ઊલટું થાય તો? એ ઘરાકોને હસાવવા જાય ને હું વાળ કાપવા જઉં તો!
બીજાં એક સન્નારી પૂરા વિવેકથી મારું માન જાળવીને આવ્યાં, ‘અશોકભા’ય, મારા ગ્રાન્ડસનની મૂંડન વિધિ કરાવવાની છે. છોકરું ડરી ગયું છે. બે-ચાર સલૂનોમાં જઈ આવ્યા, પણ કાતરનો કટ કટ અવાજ સાંભળીને જ ચીસો પાડવા માંડે છે. કોઈકે કીધું કે, ‘અશોક દવે પાસે મૂંડન કરાવો. એમનો હાથ બહુ હળવો છે. છોકરાને માથે બટર ચોપડતા હોય એટલી સાવચેતીથી માથે ટોલું કરી આપશે. કહે છે કે, કૃષ્ણ રાધાના ગાલ ઉપર મોરનું પીંછું ફેરવતા, એવો મુલાયમ અસ્ત્રો તમે ઘરાકના ગાલ ઉપર ફેરવો છો. વાહ! કહે છે કે, આજકાલ તમારી ‘બુધવારની બપોરે’ કરતા હેરકટિંગ સલૂન વધારે સારું ચાલે છે.’
‘જુઓ બા. હું દેખાવમાં એવો લાગતો હોઈશ, પણ છું નહીં!’
‘હું તમને બા જેવી લાગું છું? જરા લિહાજ રાખીને...’
‘તો હું તમને કયા એન્ગલથી હેરડ્રેસર લાગ્યો?’
‘ભ’ઈ, ત્યાં ડિનર ટેબલ પર ઊભી’તી, ત્યાં બધા વાતો કરતા’તા કે, અશોક દવે જેવો હેરડ્રેસર પૂરા ગુજરાતમાં નથી, એટલે હું...’
મેં કહ્યું, ‘જુઓ સોનિયાજી, તમને કોઈકે...’ ખોટી માહિતી આપી છે. હું બ્રાહ્મણનો દીકરો છું. તમારા ઘેર પૂજાપાઠ કરાવવા હોય તો ય હું આવી શકું એમ નથી. મને સંસ્કૃતનો એકે ય શ્લોક આવડતો નથી, ત્યાં તમે... ઓકે, પણ તમને આવું કીધું કોણે?’
‘સાહેબ, અહીં રિસેપ્શનમાં ઊભેલી ઓલમોસ્ટ દરેક વ્યક્તિ જાણે છે કે, ગાલ ઉપર એકે ય ઘસરકો પાડ્યા વિના દાઢી કરાવવી હોય તો અશોક દવે પાસે જાઓ. બહુ સસ્તામાં દાઢીઓ કરી આપે છે. નીતાભાભી તો કહેતાં હતાં કે, માથે તેલમાલિશ તો આપણે કિચનનું સિંક સાફ કરતા હોઈએ એટલી આસાનીથી અશોકભાઈ કરી આપે છે. એમની પાસે જ કિચન સાફ કરા... આઈ મીન, દાઢીઓ કરાવો!’
રિસેપ્શનમાંથી ઘેર આવ્યા પછી મારા કરતાં હકી
વધારે ચમકી. એની જાણ બહાર, બહાર જઈને હું આવા ધંધા ય કરું છું, એના આક્રોશ સાથે એણે મારી સામે જોયું. આ સવાલ તો એ મને ઘેર જતાં ગાડીમાં પૂછવાની હતી કે, ‘હવે ખબર પડી, આ બધાં બ્રાન્ડેડ કપડાં દર મહિને ક્યાંથી લઈ આવો છો! તમારી આવી વધારાની આવકની તો મને ય જાણ નથી!’
ઘેર જઈને હું મૂંઝાયો એના કરતાં ખિજાયો વધારે કે, કોણે આવી બેહૂદી હરકત કરી હશે? ફફડી તો એવો ગયો કે, રોજની માફક હું મારી પોતાની દાઢી બનાવતો ય બંધ થઈ ગયો!
ગભરાઈ ગયો કે, મારો પુત્ર સમ્રાટ તો આવીને નહીં કહે ને, ‘પપ્પા, પાછળથી ઓછા કાપવાના છે. જરા ધ્યાન રાખજો.’ હોટલમાં ડિનર લેવા ગયા હોઈએ, ત્યાં બે ચમચી સાથે અડેલી જોઈને બીક લાગે કે, ‘આ કાતર તો નહીં હોય ને?’ એટલે સુધી કે, એરપોર્ટના લાઉન્જમાં કોઈ દાઢીવાળો માણસ મારી સામે સતત જોયે રાખતો હતો તો ગભરાહટમાં એમ થયું કે, જઈને જરા કહી આવું કે, ‘તમે સમજો છો, એ હું નથી.’
એ પછી તો, ઘર આવતા સુધીમાં એ બીજો સવાલે ય પૂછવાની હતી કે, ‘દવેસાહેબ, આ હેરકટિંગ ફક્ત પુરુષ ગ્રાહકો માટે જ છે કે?’ અલબત્ત, ઘેર પહોંચતાં સુધીમાં મેં એનો ત્રીજો અને આખરી સવાલ ધારી લીધો હતો કે, ‘નાનકડા પોમેરિયન ડોગીઝના હેર ડ્રેસ પણ કરી આપો છો? સાથે એમની માલકિનો ય આવતી હશે ને?’ હું બિલકુલ જવાબલેસ હતો.
આખરે મનતોડ મહેનત અને જાસૂસીઓ કર્યા પછી રાઝ ખૂલ્યો. બાણું લાખ જોખમોના ધણી જેન્તી જોખમનું આ કારનામું હતું. હું લેખોમાં એને જોખમી બતાવતો રહું, એના તોફાની બદલારૂપે જેન્તી જોખમે શહેરભરમાં મારા માટે આ અફવા ફેલાવી હતી. કેવો ગુસ્સો ચઢે? મેં જેન્તીને બોલાવીને પૂરો ખખડાવ્યો. એણે હસતાં હસતાં માફી ય માંગી.
અને બીજા દિવસથી જે મળે એ બધાને કહી આવ્યો, ‘પેલી અશોક દવેવાળી વાત ખોટી છે, યાર. હવે એ બીજાનું હેરકટિંગ નથી કરતા!’
સિક્સર
સ્વ. વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈની જેમ મારી જન્મતારીખ પણ ચાર વર્ષે એક વાર આવે છે, 29મી ફેબ્રુઆરીએ. એ જાણીને લોકો ખુશ થવાને બદલે નજીક આવીને મારું મોઢું સૂંઘી જતા.
‘જય હો શિવામ્બૂ.’
X
budhwar ni bapore by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી