બુધવારની બપોરે / દિન હૈ સુહાના આજ પહેલી તારીખ હૈ

budhwar ni bapore by ashok dave

Divyabhaskar.com

Jan 01, 2020, 07:51 AM IST
નવા વર્ષે કોઈ સંકલ્પ ન કરવાનો મેં આકરો સંકલ્પ લઈ લીધો હતો, પણ એમ કાંઈ હખણા રહેવાનું આ પગારમાં પોસાતું ન હોવાથી ઈ.સ. 2020ના વર્ષ માટે મેં થોડા કર્ન્ફ્મ્ડ સંકલ્પો લઈ લીધા છે.
1.) આજે તા. 1 જાન્યુઆરી, 2020થી હું કદી પણ હિન્દી ફિલ્મોના કોમેડિયન રણવીરસિંહની કોઈ ફિલ્મ નહીં જોઉં, એ તો ઠીક... પણ બાથરૂમમાં અંદર ગયા પછી, અંદરથી ફિટોફિટ સ્ટોપર બંધ કર્યા પછી જેવાં કપડાં પહેર્યાં હોય, એવા પૂરા શહેરમાં ફરતા પહેરીશ, પણ એના જેવા રંગો કે ડિઝાઇનોનાં કપડાં કદી નહીં પહેરું. રણવીરસિંહના જાદુભર્યાં કપડાં અને એનું કલર કોમ્બિનેશન જોયા પછી સત્તાધાર બાજુના લોકો કહે છે કે, આંખે મોતિયા ઊતરી જાય છે... ને ઝામર (ગ્લોકોમા) થઈ જાય છે.
મારા માથે બધું મળીને 324 વાળ રહ્યા છે, એટલે એના જેવી હેરસ્ટાઇલ માથામાં નંખાવવાનો તો સવાલ જ પેદા થતો નથી. કિચન સાફ કરવાનું પોતું ચોંટાડેલું હોય, એવી એના જેવી દાઢી કદી નહીં રાખું.
2.) હકીને હમણાં જ ગાડી ચલાવતા શીખવાડી છે, તે ખૂબ જાતમહેનત કરીને ભુલાવી દઈશ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, શિખવાડેલું કદાચ ચેલો ભૂલી જાય, પણ ગુરુ કદી ભૂલતા નથી. એ તબક્કે પહોંચવા માટે હું બધું કરી છૂટીશ. એ બધું ડ્રાઇવિંગ ભૂલી જાય, એના પેંતરા રચીશ. ના. એ એક્સિડન્ટો નથી કરતી, પણ ગાડી શીખ્યા પછી એની કિટ્ટી પાર્ટીઓ વધી ગઈ છે. મારે ઉબેર-ઓલામાં ફરવું પડે છે. એ ગાડી એવી રીતે ચલાવે છે કે, સગપણમાં જો ગાડીની કોઈ મા કે બહેન હોય તો એ પૈણી નાંખે છે. ગિયર અને એક્સિલરેટર વચ્ચેનો ભેદ હું ય ભૂલી ગયો છું. રાજા જાણે, કઈ પદ્ધતિથી એ બારી-દરવાજા ખોલે છે કે, બારીઓના કાચ ખોલવા મારે બે-ચાર વખત હથોડીઓ ફટકારવી પડે છે. હકી ઉપર નહીં, બારીઓ ઉપર! હવે જો મારો સંકલ્પ સિદ્ધ થાય તો એનું ડ્રાઇવિંગ છૂટે અને હું ને મારી ગાડી બચી જઈએ.
3.) પિયાનો વગાડતા શીખવું, એ મારી સદીઓ જૂની મહેચ્છા છે. એ વાત જુદી છે કે, મારો ડ્રોઇંગરૂમ પિયાનો કરતાં થોડો નાનો છે, તો શું થઈ ગયું? એટલો નાનો કે, જલન માતરીના અડધા યાદ રહેલા શેર મુજબ, ‘दो कदम चलता हूं तो घर के बाहर आ जाता हूं!’ હિન્દી ફિલ્મોમાં હીરોલોગ બહુ પિયાના વગાડ-વગાડ કરે છે, પછી ભલે હીરો ‘એક ગરીબ મા કા બેટા ક્યૂં ન હો?’ ઘેર ખાવાના સાંસા હતા તો એ પિયાનો શીખવા ક્યાં ગયો હશે? એ તો ઠીક, મારો ફ્લેટ ચોથા માળે છે, તો પિયાનો ચઢાવવો ક્યાંથી? એ શંકાનું ય સમાધાન કરી લીધું કે, મન થાય ત્યારે નીચે પાર્કિંગમાં જઈને પિયાનો વગાડી આવવો. મને બિલિયર્ડ આવડતું નથી, પણ બિલિયર્ડ રમતો હોઉં એવો મારો ફોટો પડાવીને મારા સેલફોનમાં ‘વોટ્સએપ’ના ડીપીમાં મૂક્યો છે. એવી જ રીતે, ‘ટક્સિડો’ પહેરીને પિયાનો વગાડતો મારો ફોટો ધોરાજી, સુણાવ અને જામ ખંભાળિયા બાજુ ખૂબ વખણાયો છે. આનાથી મારી માર્કેટ વેલ્યૂ વધી છે, પણ પ્રજા સમજે છે કે, આ લેખો લખે છે, એ જ સારું છે!
4.) આજે પહેલી જાન્યુઆરી છે, પણ 31મી ડિસેમ્બર સુધીમાં નારણપુરા ચાર રસ્તે આવેલા મારા ફ્લેટમાં પહોંચવાનો કોઈ ભેદી રસ્તો શોધી કાઢવો છે. રોજ એકના એક રસ્તે આવવું-જવું શું મને શોભાસ્પદ છે? માણસ કેટલું કંટાળી જાય! શું કોઈ પાંચમો રસ્તો શોધી ન શકાય? ભલે ભૂગર્ભમાંથી કે ફ્લેટના ટેરેસના રસ્તે કેમ આવવાનું ન હોય! સર્જનાત્મક પ્રતિભા ધરાવતો બાહોશ યુવાન હંમેશાં નવા-નવા રસ્તાઓ શોધતો જ હોય છે. જરૂર પડે, આ માટે હું ‘ગૂગલ મેપ’નો ય સહારો લઈશ.
5.) મારો સંકલ્પ પૂરો કરવા માટે મને પૂરા બાર મહિના મળે છે અર્થાત્ બારમે મહિને તમે જોશો કે, એક નવા ચિત્રકારનો જન્મ થઈ ચૂક્યો છે. હું પેઇન્ટિંગની દુનિયામાં અમર નહીં, પણ ‘અશોક’ થઈ જવા માંગું છું. અલબત્ત, હાલ પૂરતું કેન્વાસ કે બોર્ડનો ખર્ચો ન કરાય, એટલે મારા ડ્રોઇંગરૂમની દીવાલો ઉપર મારાં પેઇન્ટિંગ્સ ચીતરીશ. દીવાલ સફેદ છે એટલે સ્કૂલમાં માસ્તરો વાપરે છે, એવા ચોક-બોક નહીં ચાલે. હું કોલસાથી પ્રારંભ કરીશ. પહાડોની પાછળ ઊગતો સૂરજ, એની નીચે એકાદ-બે ઝાડ, વચ્ચે વહેતી નદી, આ બાજુના કિનારે એકાદું ઝૂંપડું અને નનેકડું વૃક્ષ. કોલસાને કારણે નદીનું પાણી કાળું ચિતરાશે તો વાચકો મને માફ કરે.
6.) મારે ધ્યાન અને યોગ શીખવા જોઈએ. કરુણા એ છે કે, પ્રારંભ નાકમાં ફટફટાફટફટફટ શ્વાસ અંદર લઈ-બહાર કાઢવાની કપાલભાતિથી શરૂઆત કરી, એમાં 3-4 જીવડાં નાકમાં ગરી ગયા. આમાં પાછો શ્વાસ પૂરી તાકાતથી લેવાનો હોવાથી જીવડાં ય પૂરી તાકાતથી નાકમાર્ગે છાતી સુધી ઊતરી ગયા, પણ એકાદો ભાલો કે તીર વાગે તો શૂરવીરો કદી મેદાન છોડતા નથી, એ ધોરણે બાર મહિનાના ગાળામાં યોગ શીખી લેવાનો સંકલ્પ કર્યો. એમાં જોકે, પદ્માસન, મયૂરાસન, તાડાસન, વૃક્ષાસન, ભૂજંગાસન, પશ્ચિમોત્તાસન અને મને સૌથી વધુ માફક આવી ગયેલું ‘શવાસન’, જેમાં જમીન પર લાંબા થઈને શબની માફક કેવળ પડી રહેવાનું હોય છે. આ આસનથી શરીરને કષ્ટ પડતું નથી અને હકીને મોટી આશાઓ બંધાય છે કે, ‘શબ’નું આજે તો માત્ર આસન છે. નવા વર્ષે હું શવાસનની વધુ ને વધુ પ્રેક્ટિસ કરીશ.
7.) જૂના મિત્રો અને દુશ્મનો સાથે નવેસરથી સુંદર પ્રારંભ કરવો, એટલે કે જૂની દોસ્તી વધુ તગડી બનાવવી અને જૂના દુશ્મનોને ફરી એક વાર સીધા કરવા. પ્રમાણમાં આ સંકલ્પ સહેલો પડે એવો છે. જૂના દોસ્તોને એમનાં લેણાં નીકળતા પૈસા માંડી વાળવા એમને સમજાવવાનું કામ જૂના દુશ્મનોને સોંપવું. મારા વતી દુશ્મનો પોતાના પૈસા આપી આવે તો મારા તરફથી હવે નવી કોઈ દુશ્મનાવટ નહીં થાય, એની ખાતરી આપવી.
8.) શરાબ, સિગારેટ કે સુંદર સ્ત્રીઓને છોડી દેવી, એ સંકલ્પ અઘરો પડે એવો છે, પણ સાવ અઘરો નહીં. શરાબ સરકાર પીવા દે એવી નથી, સિગારેટ છોડે વર્ષો થઈ ગયાં, પણ સુંદર સ્ત્રીઓને કેવી રીતે છોડી દેવી, એ વિમાસણ ચોક્કસ રહેવાની. હું કોઈ રોમન શહેનશાહ તો છું નહીં કે, મારા જનાનખાનામાં 40-50 સુંદરીઓ આળોટતી હોય? મારે તો જે જોવા મળે છે, એ બધીઓને છોડવાની છે. ગઈ કાલે રાત્રે 31 ડિસેમ્બરની ડાન્સપાર્ટી સુધી શહેરની અનેક સુંદરીઓને જોઈને કેવળ રાજી થવાનું હતું. ચક્ષુવિવાહો કરીને મન હળવું કર્યું. આજથી એ ય બંધ, કારણ કે ‘મનમાં પઇણ્યા ને મનમાં વિધુર થવાનો’ કોઈ ફાયદો નથી. નજીકના વાચકો સજેસ્ટ કરે રાખે છે કે, આવો સંકલ્પ લેવો હોય તો સૌથી પહેલાં ડિમ્પલ કાપડિયા પાસે રાખડી બંધાવી લો.
9.) પોઝિટિવ થિંકિંગ એવું કહે છે કે, આશાઓ છોડી ન દેવી. ગ્લાસ અડધો ભરેલો છે, એને અડધો ખાલી પણ કહેવાય, એવું દોઢાડાહ્યાઓ શિખવાડતા ગયા છે. અલબત્ત, એ અડધો ગ્લાસ વોડકાનો છે, વ્હિસ્કીનો છે કે બિયરનો, એ જોયા પછી ભલે બાકીનો અડધો ખાલી ગ્લાસ છોડી દેવો, પણ જેટલો ભરેલો છે, એ સડસડાટ પી જવો, એવી સલાહ મારો નવો સંકલ્પ આપે છે. અડધું ગુમાવ્યાના અફસોસ કરતાં જે અડધું મળ્યું છે, એટલું તો ઢીંચી જવું જોઈએ, એવું મને વિદ્વાન માનતા વાચકો માને છે.
10.) એક વર્ષ સુધી ડિનર માટે કોઈ હોટલમાં જઈશ નહીં. હવેની હોટલો જે રકમના બિલો ફાડીને આપે છે, એના જવાબમાં ત્યાંના ‘મેન્સ રૂમ’ બહુ નાનકડા અને ગિર્દીથી ચિક્કાર હોય છે. બિલની રકમ વાંચીને સાલી વારંવાર થઈ જાય છે. બે જણા હોટલમાં જમવા ગયા હોઈએ, એમાં રૂ. એક હજારનું બિલ તો બહુ કોમન થઈ ગયું છે. આવી રીતે આઠ-દસ વાર જવાનું બંધ રાખો તો હોટલના માલિક થઈ શકો અને હજી ચાલુ રાખો તો એ જ હોટલમાં વેઇટર થઈ જશો. ગુજરાતીઓ પાસે પૈસો રામ જાણે ક્યાંથી આટલો બધો આવી ચઢ્યો છે કે, સસ્તું એમને ખપતું જ નથી. સાથે આવેલા મહેમાનોના દેખતા આઠ-દસ હજારનું બિલ બહુ ગર્વથી ચૂકવે છે. હોટેલ જેટલી મોંઘી એટલું ત્યાં જવાનું વધારે.
11.) છેલ્લો સંકલ્પ તો બહુ સહેલો છે. કોઈ સંકલ્પ કરવો નહીં.
સિક્સર
સોનાનાં લથબથ ઘરેણાં પહેરીને દુબઈથી ઇન્ડિયા આવેલા ડોગી(કૂતરા)ને જોઈને ઇન્ડિયાનાં કૂતરાં ચમક્યાં, ‘...તો પછી તું દુબઈ છોડીને ઇન્ડિયા કેમ આવતો રહ્યો?’ ઇન્ડિયન કૂતરાઓએ પૂછ્યું.
ત્યાં બધો વૈભવ છે, પણ ‘ભસવાની’ આઝાદી તો ફક્ત ઇન્ડિયામાં જ છે, બીજે ક્યાંય નહીં. માટે અહીં આવ્યો.(આ મેસેજ મને દિલ્હીના ખૂબ મોટા વકીલે મોકલ્યો છે.)
X
budhwar ni bapore by ashok dave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી