બુધવારની બપોરે / દીકરી 17ની થઈ... ધ્યાન રાખો છો?

budhwar ni bapore by ashok dave

અશોક દવે

Dec 25, 2019, 08:13 AM IST
આલેખ, જ્યારે નવરા પડે ત્યારે મોબાઇલ પર ચીટકેલી રહેતી દીકરી-દીકરાઓનાં મોમ-પાપાઓ માટે છે. દીકરી માટે વાતવાતમાં લાડકી ને ફાડકી ટાઇટલો વાપરનારાં મોમ-ડેડને તમે ઠોસ સબૂત આપો કે, વહાણ હવે બહુ ઊલટી દિશામાં જઈ રહ્યું છે, તો ય માને નહીં, એટલી હદનો આંધળો પ્રેમ કરતાં હોય અને...
એક દિવસ, અચાનક ખબર પડે કે, વહાલસોયી પુત્રી લગ્ન કરી રહી છે, કોઈ અબજોપતિ હેન્ડસમ છોકરા સાથે નહીં, બીજી છોકરી સાથે!
હવેનાં મા-બાપોએ આ નવા ખોફનો ય સામનો કરવાનો છે, પુત્ર કે પુત્રી ‘હોમો’ તો નથી થઈ ચૂક્યા ને?
‘ઓહ યસ. એ તો પછી ખબર પડી કે, સ્કૂલ પત્યા પછી ‘લાડકી’ને મળવા એની ખાસ સખી ‘ઝીના’ રોજ સાંજે ઘેર આવતી અને લાડકીના રૂમમાં બંને દીકરીઓ ‘ભણવાની’ વાતોમાં કલાકો સુધી મશગૂલ થઈ જતી. ‘તમે’ એમને ડિસ્ટર્બ ન કરો એટલે એ બંને લાડકીના રૂમને બદલે તમારા ફ્લેટની નીચે લગભગ અંધારામાં કોકના પાર્ક કરેલા સ્કૂટર પર બેસી કલાકેક ઘૂસપૂસ વાતો કરતી હોય. પૂછીએ તો લાડકી કહે પણ ખરી કે, ‘ઝીનાને મેથ્સ-સાયન્સમાં બહુ પ્રોબ્લેમ છે એટલે મારી ટિપ્સ લેવા આવે છે.’
એ તો એ બંનેએ કોલેજ પૂરી કરી ત્યારે ખબર પડી કે ઝીનાને તો ફાધર-મધર સાથે કાયમ માટે દેશના સૌથી છેવાડે આવેલા અરુણાચલ પ્રદેશ જવાનું છે. એના પોપની ટ્રાન્સફર ત્યાં થઈ ગઈ છે. આ 27મીએ તો એ લોકો નીકળવાના છે. લાડકીએ ઝીના સાથે મેરેજ તો તાબડતોબ કરી લેવા પડશે!
લાડકી-ઝીનાએ સાંભળ્યા મુજબ તાબડતોબ એકબીજા સાથે મેરેજ કરી લીધા. ‘ઓ મ્મી ગોઓઓઓ...ડ!’ પાપા-મોમ તો ફાટમફાટ રડી રડીને અડધાં થઈ ગયાં. ઝીના આવું કરી શકે, એ તો હજી માનવામાં આવે, પણ પોતાની વહાલસોયી દીકરી પણ આવું કરે. કાંઈ શરમબરમ જેવું છે કે નહીં? ઝીનકી તો પારકાની ડોટર હતી. એ આવું કરી શકે, પણ આપણી લાડકી?
આપણામાંથી કોઈ મોમ-ડેડ દીકરી કે દીકરા ઉપર નામ પૂરતી ય નજર રાખતાં નથી. આને પ્રેમબ્રેમ ન કહેવાય, બેવકૂફ અને આંધળી ભક્તિ કહેવાય કે, આપણાં છોકરાં તો કાંઈ ખોટું કરે જ નહીં!
...અને હજી તો આઠ વર્ષનો માંડ થયેલો નાનકડો લજ્જુ મોબાઇલ આઘો જ મૂકતો નથી, એ જોઈને થોડા એલર્ટ પાપાએ એની ઉપર નજર રાખી તો ચોંકી ગયા કે, લજ્જુ મોબાઇલમાં ‘પોર્નોગ્રાફી’ના, નગ્ન સ્ત્રીઓના ફોટા જોતો હતો. એક વાર પાપા જોઈ ગયા તો ‘સ્માર્ટ’ દીકરાએ જવાબ આપ્યો, ‘અમારા ટીચરે બોડીના પાર્ટ્સ વિશે નોલેજ મેળવવાનું કીધું હતું.’
‘આપણા છોકરાઓ તો આવું કદી કરે જ નહીં.’ એ સિન્ડ્રોમમાંથી કોઈ પપ્પો કે મમ્મો બહાર આવતો નથી. ‘કોઈ નહીં ને આપણાં પોતાનાં સંતાનોની જાસૂસી કરવી? આપણાં છોકરાઓ તો મોબાઇલ પર ‘કેન્ડીક્રશ’ કે ‘ટોમ એન્ડ જેરી’ જોતાં હોય છે. એમને તો ખબરે ય ક્યાંથી હોય કે, દુનિયામાં આવું બધું ય હોય છે!’
હાઉ સ્ટુપિડ! આપણાં છોકરાં આવું ન કરે, પણ બીજાનાં કરે, એમ?
જમાનો કેવો ‘ટફ’ આવ્યો છે કે, ગોરધન અને વાઇફ બંને ‘જોબ’ કરતાં હોય. પાંચ-સાત વર્ષના ટેણિયા-મેણિયાને આયા(કામવાળી)ના ભરોસે મૂકવા પડે. આયાને તો ઇશ્વર ભરોસે અને ટેણિયાને આયા ભરોસે મૂકવો પડે! માટે જ, દરેક ઘરમાં CCTV હોવું જ જોઈએ, (હવે તો ઓફિસમાં બેઠાં-બેઠાં ય સેલફોનમાં ઘરનો વહીવટ ‘લાઇવ’ જોઈ શકો છો!) જેની જાણ તમારા બંને સિવાય કોઈને ન હોય! ઘેર આવીને ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’ નહીં જુઓ તો ચાલશે, પણ આખા દિવસનું ફૂટેજ... ભલે ફાસ્ટફોર્વર્ડ કરીને જોઈ લો. નેચરલી, બધી આયાઓ કે બધી ઝીના-લાડકીઓ આવું કરતા હશે, એવું કહેવાનો કોઈ ઉપક્રમ અહીં નથી. જગતમાં સારા વધુ અને ખરાબ માણસો ઓછા હોય છે, પણ એમાંનો એક જ ‘ઓછો’ આપણને ભટકાઈ ગયો હતો?
હજી વધારે ફફડી જવાય એવી ચિંતા ‘ચાઇલ્ડ એબ્યૂઝ’ના વધતાં જતાં વિશ્વવ્યાપી કારોબારની છે. બીજા અનેક દેશોની જેમ અરબી દેશોમાં અબજો રૂપિયાના નેટવર્ક સાથે દુનિયાભરનાં નાનાં બાળકો પકડી પકડીને મગાવાય છે. કામ પતી ગયા પછી શહેરના રસ્તાઓ ઉપર એમને ભીખ માગવા છોડી દેવાય છે. ભીખ સફળતાપૂર્વક માગી શકે, એટલે બાળકોના શરીરનાં એક-બે અંગો કાપી લેવાય ને પછી એ લોકો જે ‘ઇન્કમ’ કરી લાવે, એના ઉપર આ લોકોના મહેલો બને છે.
ઈશ્વર કરે, કોઈનાં સંતાનો ઉપર આવું કદી ન થાય. એ વાત જુદી છે કે, ઈશ્વરે ય તમારી જેમ આમાં પૂરતું ધ્યાન આપી શકતો નથી.
આ બધું છીછરું રોકવાના ઉપાયો ખરા?
એક્ઝેક્ટ ઉપાયો તો ન કહેવાય, પણ મા-બાપ થોડા સતર્ક રહે તો... કમ સે કમ આપણાં છોકરાં તો આવી ઉપાધિથી બચી જઈ શકે. જોઈ જુઓ, આમાંનો એકે ય ઉપાય અમલમાં મૂકી શકાય એવો છે?
જે શારીરિક ઉંમરથી દીકરી ‘સ્ત્રી’ બનવા માંડે, ત્યારથી તમે ‘ગાંધી પાપા’ નહીં, જરૂર પડે ‘હિટલર પાપા’ બની જાઓ. એને જોઈતી બધી સગવડ અને મોમ-પાપાનો અઢળક પ્રેમ આપો, પણ જગતમાં મફત કાંઈ મળતું નથી, એ વાત તમારાં સંતાનોના ઝહેનમાં પહેલી ઉતારો. એ લોકોને જે જોઈએ એ અપાવી દો છો, બદલામાં એ લોકોએ મોઢાં ચઢાવ્યા વગર તમારી વાતો માનવી પડે.
(A) એમને નછૂટકે સેલફોન આપવો જ પડે, તો કોઈ પણ વાતચીત એ લોકો ખૂણામાં કે બીજા રૂમમાં જઈને કરે, એ ન જ ચલાવી લેવાય.
(B) એમના મોબાઇલમાં સ્ક્રીનલોક કે એવા કોઈ પણ લોક ન હોવાં જોઈએ ને હોય તો, એના પાસવર્ડ તમારી પાસે અચૂક હોવા જોઈએ. રોજેરોજ રાત પડે, એમનો સેલફોન ચેક કરવો જોઈએ. છોકરાઓ ભલે ચિડાય, પણ તમને શક પડે, એ નંબરો કોના છે, એ ‘ડર્યા વિના’ પૂછો.
(C) બંને સખીઓને એકલીઓ પડવા ન દેવાય. પડવા દેવી જ પડે એમ હોય તો, એની સખી જાય પછી પૂરી મમતા અને સાહજિકતાથી દીકરીનો ઇન્ટરવ્યૂ લો, ‘ઓહ! તારી ફ્રેન્ડ ઝીના કેવી સ્માર્ટ છોકરી છે! મને તો ખૂબ ઇમ્પ્રેસ કરે છે! વાઉ, બેટા. આજે એ શું કહેતી’તી? તેં શું કીધું?’ તમે બહુ ઇમ્પ્રેસ થતા હો એમ બંનેનાં વખાણ કરી કરીને રોજ કાંઈ ને કાંઈ વાત કઢાવતા રહો.
(D) સેલફોનો અને સેલ્ફીની સગવડોને કારણે વિકૃત માણસો શોપિંગ મોલ્સ, એરપોર્ટ લાઉન્જ કે અન્ય જાહેરસ્થળે છાનામાના તમારા જ નહીં, તમારી દીકરી-દીકરાના ફોટા ય પાડી ન લે, એ માટે તમે મમ્મી-પપ્પા બંને નજર ચકોર રાખો. એરપોર્ટ્સ કે હોટલોમાં આવા વિકૃતોને સેલ્ફી વડે તમારી દીકરી જ નહીં, વાઇફના ય ફોટા પાડી લેવા ઇઝી પડે. કાચી સેકન્ડમાં તમારા એ ફોટા દુબઈ કતાર પહોંચી જાય!
(E) સ્કૂલ કે કોલેજની સરપ્રાઇઝ વિઝિટ મારવી દરેક પેરેન્ટ્સ માટે ફાયદાકારક છે. દીકરીને ખાતરી જ હોય કે, તમે તો ઓ એની સ્કૂલે આવી શકો એમ જ નથી, એટલે એના ‘ફ્રેન્ડ્ઝોને’ એનું બ્રેઇન વોશ કરવાનો રોજેરોજ પૂરતો ટાઇમ મળતો રહે.
(F) લાડકીને અત્યારથી લેપટોપ આપી ન દેવાય. કમ્પ્યૂટર પણ કોમનરૂમમાં હોવું જોઈએ. લેપટોપ આસાનીથી બીજા રૂમમાં લઈ જઈ શકાય છે. માત્ર દીકરી જ નહીં, દીકરાઓને ય એમના દોસ્ત સાથે રૂમમાં અંદરથી સ્ટોપર મારીને ‘ગેમ્સ’ રમવાની છૂટ ન અપાય.
(G) બાળકો બાથરૂમમાં જઈને પોતાના ફોટા પાડી ન લે, એના માટે સરપ્રાઇઝ જ નહીં, ‘શોકિંગ’ ચેકિંગ મમ્મીએ રાખવું પડે. સ્કૂલમાં એકબીજાને આવા ફોટા એક્સચેઇન્જ કરવાની ‘હોબી’ મુંબઈ-દિલ્હી જેવાં શહેરોમાં તો વર્ષોથી ચાલે છે. બધાના માનવામાં એ નહીં આવે કે, અજાણતાંમાં આવી ભૂલો કરી બેસતા બાળકને જેલ પણ થઈ શકે. જગત આખું જાણ છે કે, માથામાં ચકાચક તેલ નાંખેલી ‘તેલકુંવરીઓ’ સામે હું ક્ષણભર પણ જોઈ શકતો નથી, પણ સ્કૂલમાં છોકરીઓના માથામાં ફરજિયાત તેલ નંખાવતી સ્કૂલોનો હું પ્રણામ સાથે આદર કરું છું. નસીબમાં જે થવાનું હશે તે થશે, પણ બે ચોટલા અને તેલ નાંખેલી છોકરીઓ બહારના પુરુષોનું ધ્યાન બહુ ઓછું ખેંચે છે.
(H) નાનાં બાળકોને રમાડવાના ખૂબ શોખીન બધા ‘અંકલો’ એકસરખી દાનતવાળા નથી હોતા. દુનિયાભરના અંકલો માટે ‘વહાલી-વહાલી’ કરવાની કોઈ છૂટ ન આપો. છોકરી ચોક્કસ ઉંમરની થાય, પછી કોઈ પુરુષને એને અડવાની છૂટ નહીં, માથે વહાલનો હાથ પણ ફેરવવા ન દેવાય. વધારે સાચવવાનું ઘરના ને ઘરના ‘અંકલો’થી (I) તમે પોતે ભલે ‘ઓનલાઇન’નો ઉપયોગ વ્યવસ્થિત કરતા હો, પણ ‘ફેસબુક’ની શરૂઆત બાળકો પાસે આટલી ટીનએજથી ન કરાવવી જોઈએ.
(J) સેક્સને બિહામણું બનાવી દેવાની જરૂર નથી. છોકરું સમજણું થાય, એટલે મુક્તપણે એની સાથે ‘સેક્સ’ સમજાવતી બધી ચર્ચાઓ કરો, એમને સમજણ આપો. જેમ કે, ‘તારો આવો ફોટો તારી ક્લાસના બીજા છોકરાઓ કે પ્રિન્સિપાલ પાસે ગયો તો તારું શું થાય?’
યસ. એટલું બધું ય ગભરાઈ જવાની જરૂર નથી. હું ચોક્કસપણે માનું છું કે, આપણાં બાળકો સુધી આવી બેવકૂફી પહોંચી નથી, પણ જે પાળતા હો, એ ધર્મ અને તમારા કૌટુંબિક સંસ્કારોની દુહાઈ દઈને, ‘આપણું છોકરું તો આવું કરે જ નહીં!’ આજકાલ તો છાપાં-ટીવી પર બળાત્કારોના જ સમાચારો આવે છે, ફિલ્મોનાં ગીતો ય અશ્લીલ હોય ને એડ્સ પણ કેવી કેવી વલ્ગર આવે છે, પછી છોકરા બગડે જ ને? એવો દોષ બીજાઓ ઉપર નાંખી દેવાથી તમને ફાયદો થવાનો નથી. તમને ફાયદો તો, તમારાં બાળકોનું તમે ધ્યાન રાખો ત્યારે થવાનો છે. દિલ્હી-મુંબઈના ફાઇવસ્ટાર કલ્ચરની ‘પેજ-થ્રી’ સ્ત્રીઓથી ઇમ્પ્રેસ થઈને ઊંઘતા ન ઝડપાઓ, એ માટે આજનો લેખ લખ્યો છે.
સિક્સર
પુરુષો માટે પરફેક્ટ લગ્નજીવન તો એને કહેવાય કે, એ વારંવાર પ્રેમમાં પડે. એની એ જ વાઇફ સાથે!
સ્ત્રીઓ માટે પરફેક્ટ લગ્નજીવન એને કહેવાય, જે વારંવાર એના ગોરધનને બીવડાવતી રહે કે, ગોરધન એને સહેજ પણ પ્રેમ કરતો નથી.
X
budhwar ni bapore by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી