બુધવારની બપોરે / આજના ટીવી પત્રકારો

budhwar ni bapore by ashok dave

અશોક દવે

Dec 11, 2019, 07:58 AM IST
ગાડી ચાર રસ્તાના સિગ્નલ પર ઊભી રહે, ત્યારે કાચ ખખડાવીને ગરીબડું મોઢું કરીને, ‘શાયેબ, શાયેબ, કંઈ આલો ને.’ કરતાં નાનાં ભિક્ષુક બાળકો બારી ઉપર ચોંટી જાય છે ને ઊખડતાં નથી. આપણે એમનાં સગાં થતાં નથી, તે ગાડીની અંદર બોલાવીને એમનાં મમ્મી-પપ્પાના હાલ પૂછીએ કે એ લોકો આપણા પૂછે. દાનપુણ્ય, શાંતિ કે છુટકારો મેળવવા પેલા બચ્ચાના હાથમાં પાંચ-દસનો સિક્કો પકડાવીને ગાડી ચલાવી દઈએ છીએ.
એક્ઝેક્ટ, આ જ દૃશ્યો ટીવી ન્યૂઝમાં રોજ જોવા મળે છે. માત્ર દાનવીરો અને ભિક્ષુકો બદલાયા હોય છે. અંદર કોઈ વિવાદાસ્પદ નેતો બેઠો હોય છે ને બારી પકડી હાથનું માઇક ધરીને આજીજી કરતા પત્રકારો ‘સર, પ્લીઝ... પ્લીઝ... વ્હાય ડિડ યૂ...’
કટ..!
આવાં ભીખમંગાં દૃશ્યો હરએક ટીવી ન્યૂઝ ચેનલો પર રોજ જોવા મળે છે. વિશ્વનું આજ સુધીનું સૌથી ગંદું રાજકારણ જ્યાં રમાયું, તે મહારાષ્ટ્રમાં તો ખાસ! એક સામાન્ય નાગરિક તરીકે આપણે મનમાં ધૂંધવાઈ એટલા જઈએ કે, શેના માટે આ બે બદામના નેતાઓની આટલી નીચી કક્ષાએ પરસી કરવાની? કઈ કમાણી ઉપર તમે આવાઓને હીરો બનાવો છો? શહેનશાહીની આદત હવે એમને ય પડી ગઈ છે કે, બધા ‘સો-કોલ્ડ’ ઇન્ટરવ્યૂઝ ગાડીમાં બેઠાં-બેઠાં જ આપવાના. પત્રકારોની જરૂર તો યાચકોની માફક હરએક નેતાને પડે છે, તો ગાડીમાંથી નીચે ઊતરીને સભ્યતાપૂર્વક તમારા સવાલોના જવાબો આપી શકે ને? પણ ટેવ આ લોકોએ પાડી છે. પોતાને યાચકોના સ્થાને અને જે ખરેખર યાચકો છે, જેમને તમારી બારે મહિના જરૂર પડવાની છે, એમને હવે શહેનશાહીની આદત પડી ગઈ છે. ગાડીમાં બેઠા-બેઠાં મૂંડી હલાવીને હા કે ના ના જવાબો આપીને ગાડી ભગાવી મૂકવાની! આવી યાચનાઓ કરતા શિક્ષિત પત્રકારોને એ ય યાદ નથી કે, એ લોકોને દેશની ‘ફોર્થ-એસ્ટેટ’ કહેવાય છે. દેશની સૌથી શક્તિશાળી ચોથી જાગીર.
અને માની લો કે, એવા કોઈ ગજબનાક સેન્સેશનલ એટલે કે સનસનાટીભર્યા ન્યૂઝ માટે કોઈ પણ ભોગે તમારે એમને પકડવા જ છે તો, ગાડીની બારીમાં બેઠાં-બેઠાં એ તમને આપી દેશે? તમારી આજુબાજુ ય તમારા જેવા બીજા પત્રકારો દોડે રાખતા હોય છે, તો આવું દોડવાથી તમને ‘સ્કૂપ’ (Scoop) ક્યાંથી મળવાનું? (‘સ્કૂપ’ એટલે પત્રકારત્વની ભાષામાં આટલાં બધાં અખબારો કે ટીવી ન્યૂઝ ચેનલોમાં જેને સૌથી પહેલા સમાચાર મેળવ્યા એ!) ધેટ્સ ઇટ, પણ આવા સ્કૂપ્સ ટીવી દર્શકોને જોઈએ છે કે નહીં, એ તો પૂછી જુઓ! (હવે એવું લાગે છે કે, ટીવી ન્યૂઝવાળાઓ ઉદ્યોગપતિની ગાડીઓની પાછળ જાહેરાતો લેવા માટે આવું જ દોડતા હશે! ‘સસસ્સ... સર, એક પંદર સેન્કડની એડ. અમને આપી દો ને... ભગવાન તમારું ભલું કરશે, બાપા’) યસ. ગાડીઓમાં બેઠેલા નેતાઓની પાછળ આવી લાચાર દોડનું એકમાત્ર કારણ એમની ચેનલનો ‘ટીઆરપી’ (‘ટાર્ગેટ રેટિંગ પોઇન્ટ,’ એટલે કે એક જાહેરખબરથી ટીવીના દર્શકો કેટલા ટકા વધ્યા, એનું માપ) જ વધારવાનું હોય તો, આઈ એમ સોરી જેન્ટલમેન. નેતાઓનાં થોબડાં જોયા પછી ખાધેલું બહાર નીકળી જાય છે. એમને જોવા કાંઈ થોડા પૈસા ખર્ચીએ છીએ?
એક જમાનામાં હું ય પત્રકાર હતો, ત્યારે મેં પણ અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, રાજ કપૂર, શશિ કપૂર, મનોજ કુમાર, ખય્યામ, નૌશાદ, કલ્યાણજી (આણંદજી નહોતા), મન્ના ડે, દારાસિંહ, ઉષા ખન્ના, રિશિ કપૂર, ગાયક જગમોહન, નિમ્મી, આશા પારેખ, મહિપાલ, અમિન સાયાણી અને અત્યારે યાદ નથી આવતા એવા બીજા પચાસો ફિલ્મસ્ટાર્સના ઇન્ટરવ્યૂ લીધા છે અને એકે યમાં મારે આજીજીઓ કરીને ઇન્ટરવ્યૂ લેવા પડ્યા નથી. સુનીલ ગાવસકર, અંશુમાન ગાયકવાડ, સંદીપ પાટિલ, વેસ્ટ ઇન્ડિઝના ‘ધી ફેમસ થ્રી ડબલ્યૂઝ’ પૈકીના એવર્ટન વિક્સ સાથે લંબાણપૂર્વકનો ઇન્ટરવ્યૂ લીધો હતો. (એકેય ક્રિકેટર મેચમાં દાવ લેવા જતો હોય ત્યારે એના બેટને મારું માઇક અડાડીને ‘સર...સર...’ કરીને યાચનાઓ કરવી પડી નથી.)
યસ, થોડા વર્ષો પહેલાં અમદાવાદના આશ્રમ રોડ પરની ‘હોટેલ કર્ણાવતી’માં હેમા માલિનીને મળવા ગયો હતો. મેં ઇન્ટરવ્યૂ માટે રિક્વેસ્ટ કરી, તો ‘આડું જોઈને કહે, ‘કલ આના!’
‘ઓ બહેન, હું કાંઈ આપના આદરણીય સ્વ.પિતાશ્રીએ રાખેલો અજિત પવાર નથી, તે તમારી પાસે ટાઇમ ન હોય તો અમારી પાસે ભરપૂર ટાઇમો જ ટાઇમો પડ્યા હોય!’ (આટલું મનમાં બોલીને) મેં વિનયપૂર્વક જવાબ આપ્યો, ‘ઓકે થેંક્સ મે’મ. ટુમોરો આઈ એમ બુક્ડ એલ્સવ્હેર!’ આમાં એ વખતે કે આજ સુધી મને કે એને કોઈ નુકસાન થયું નથી અને ઇન્ટરવ્યૂ લીધા વિના પાછો આવ્યો તો પ્રેસની નોકરીમાં મને ય કોઈ નુકસાન થયું નહોતું.
હું પત્રકાર કેવી રીતે બન્યો એની ય નાનકડી વાત છે:
આમ મને અહીંની વાત તહીં કરવાની આદત નહીં, ‘છતાં ય’ મારે પત્રકાર બનવું હતું. ગ્રામરમાં હું ઘણો વીક હતો, એટલે પત્રકાર બનવાની પહેલી લાયકાત તો જન્મજાત કહેવાય. ખોટું નહીં બોલું, પણ મને ગિફ્ટો આપવા કરતાં લેવી વધુ ગમતી. એ તો અનુભવી યારદોસ્તોએ કીધું કે, ‘તારું જનરલ નોલેજ’ બહુ પુઅર છે. તું વગર મહેનતે પત્રકાર બની શકીશ,’ એટલે મને ય વિશ્વાસ બેઠો કે છોકરામાં એટલે કે, મારામાં કંઈ દમ તો છે. કેટલાક પીઢ પત્રકારોએ સલાહ પણ આપી કે, હવે ‘ડ્રિંક્સ’ લેવાની શરૂઆત કરી દેવી પડશે. અફ કોર્સ, શરૂઆતમાં કોઈ ફ્રીમાં નહીં પીવડાવે. લગ્ન કરવા ય ફ્રીમાં પડે એવું નહોતું, છતાં ય ‘ફ્રી’ શબ્દ મને ફાવી ગયો હતો, એટલે પૂરતી લાયકાત કેળવ્યા વિના હું પરણી પણ ગયો હતો, એ પત્રકાર બનવા માટે મારું પહેલું ક્વોલિફિકેશન! બધા તંત્રીઓની જેમ, મારા થતાં-થતાં રહી ગયેલા સસુરજીઓએ સેંકડો ઇન્ટરવ્યૂઝ લીધા હતા. છેવટે તો જેણે પાડી, એણે પરાણે હા પાડી ને પછી લગ્ન થવા દીધાં. એમની દીકરી માટે હવે આનાથી વધારે ‘ચાલી જાય’ એવું કોઈ મળવાનું નથી, એ જોર પર લગ્ન થયાં ને એ જ લાયકાત પર પત્રકારની પહેલી નોકરી મળી. આમ ગિફ્ટો સ્વીકારવાની આદત નહીં, આકાંક્ષા ખરી. મફતમાં તો સસુરજી પાસેથી ય કાંઈ નહીં લેવાનું. એ આપે એ લઈ લેવાનું. એ વાત જુદી છે કે, સસુરજીએ દહેજમાં મને એમની દીકરી સિવાય કાંઈ આપ્યું નહોતું. પત્રકારને પ્રેસવાળા ફક્ત પગાર આપે છે તેમ!
આ જ લાયકાત મને પત્રકાર બનવાના કામમાં આવી અથવા તો પત્રકાર બનવાની ‘લાયકાત’ મને પરણવાના કામમાં આવી. બંને સબ્જેક્ટ્સ એવા હતા કે, એમાં વિશેષ લાયકાતની જરૂર નહોતી, પણ થોડી-થોડી બદમાશીની જરૂરત બંનેમાં પડે છે, જે મારામાં પૂરતા પ્રમાણમાં હતી. આજે આ ફિલ્ડમાં મારું પચાસમું વર્ષ ચાલે છે, નોનસ્ટોપ!
સિક્સર
કેમ, આટલી બધી દાઢી વધારી છે?
અહીં ક્લિનિકમાં ડોક્ટરે એપોઇન્ટમેન્ટ ગઈ કાલે સવારે દસની આપી હતી. આજે રાતના આઠ થયા!
ઓહ! દરેક ડાેક્ટરે દર્દીઓને દાઢી કરવાનું રેઝર ફ્રી આપવું જોઈએ.
X
budhwar ni bapore by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી