બુધવારની બપોરે / જંગલનો રાજ્જા

budhwar ni bapore by ashok dave

  • ગુજરાતણો જેવી જાહોજલાલી તો સિંહણોમાં ય ન હોય. બકરું જોઈતું હોય તો ભરજંગલમાં નીકળવું પડે

અશોક દવે

Nov 27, 2019, 08:02 AM IST
સિંહ જંગલનો રાજા છે, એવું તો ફફડાટના માર્યા આપણે લઈ મંડ્યા છીએ. કેમ જાણે સિંહભઈને ‘ભારતરત્ન’ની જેમ ‘જંગલરત્ન’ એનાયત ન કર્યો હોય! સિંહને પોતાને તો ખબરે ય નથી, કે જંગલનો રાજા હું છું. જંગલનો રાજા સિંહ જ શું કામ, આપણે કહીએ તો પતંગિયું ય ‘રાજુ’... આઈ મીન રાજા થઈ જાય ને! પતંગિયાથી આપણી ફાટે નહીં અને સિંહનો તો ફોટો જોઈને ય ચડ્ડી ઢીલી થઈ જાય, એટલે સિંહને સીધો રાજા બનાવી દીધો. ફાધરનું કિંગ્ડમ ચાલે છે?
એ તો કહેવાય રાજા અને આપણી સગવડે અને ફફડાટે એને રાજા બનાવી દીધો છે. રાજા-મહારાજા તો કેવા હોય! રોજ સવારે બ્રેકફાસ્ટ લેવા મહારાણી સાથે મહેલની બાલ્કનીમાં બેઠા હોય, ત્યારે ઊર્વશી જેવી અપ્સરાઓ આજુબાજુ મનમોહક નૃત્યો કરતી હોય, બાલ્કનીના મુલાયમ રેશમી પડદાઓ ઠંડી હવાથી લહેરાતા હોય ને મહારાજા બે હાથે પહોળું કરીને સવારનું ‘દિવ્ય ભાસ્કર’ વાંચતા બેઠા હોય. છતાં પેલી સામો એક સવાલે ય ન પૂછે, ‘જરા જુઓને? આજે કોણ ગયું? નામની સાથે ફોટો ય બરાબર જોઈ લેજો. મારે તો સફેદ સાડલો ય ઇસ્ત્રીમાં આલવાનો બાકી છે!’
વાઘ-સિંહો આવા બ્રેકફાસ્ટો કરતા હોય તો માનીએ કે, એ લોકો જંગલના રાજા છે. એ લોકોને નાનકડું સસલું ય તૈયાર ભાણે પિરસાતું ન હોય. જરાક અમથું દૂધ ખલાસ થઈ જાય તો ઘરની સિંહણ પેલાને તગેડી મૂકતી નથી કે, ‘જાઓ જરા, આમ ઊભા સુઉં રિયા છો? બાજુની ડેરીમાંથી બે કોથળી દૂધ લેતા આવો.’
ગુજરાતણો જેવી જાહોજલાલી તો સિંહણોમાં ય ન હોય. સવારના બ્રેકફાસ્ટમાં સિંહ લોકોને ય એકાદ બકરું જોઈતું હોય તો ભરજંગલમાં છાનુંમાનું નીકળવું પડે, સસલું કે ઘેટું નજરે ચઢ્યા પછી છુપાઈ-છુપાઈને કેટલાંય છટકાં ગોઠવવાં પડે, ઝાડની પાછળ કે ઘાસના ઊંચા અડાબીડ જંગલમાં કલાકો સુધી પ્રતીક્ષા કરવી પડે અને પછી ચોર પોતે હોય એવા ધીમા છપછપ પગલે આગળ વધીને સસલા ઉપર તરાપ મારવાની હોય. નસીબ હોય તો બ્રેકફાસ્ટ જેટલું પેટ ભરાય, નહીં તો સસલું ય સિંહનું બાપ થાય એવું ચપળ હોય. કાચી સેકન્ડમાં હડફ દેતું છલાંગ મારીને ભાગી જાય. એ વખતે ભૂખ્યા રહી જવાયું, એ રહી જવાયું. પછી ફરીથી બીજું સસલું કે હરણિયું ગોતવાનું.
માની લો કે, સિંહણ એકાદું હરણ મારી પણ લાવી હોય ને બ્રેકફાસ્ટ ટેબલ પર આખું ફેમિલી બેઠું હોય, તો એમાં બટર, મેયોનીઝ કે ચીઝ-ફીઝના વાડકા ન પડ્યા હોય, કે સિંહણ એનાં બચ્ચાંઓને હરણના મોઢા ઉપર બટર ચોપડીને આપે, સાથે ખાખરા જુદા! આપણાં છોકરાંઓને કેપ્સિકમ, મશરૂમ, Jalapenoવાળા માર્ગેરિટા ને (ઉચ્ચાર ‘હાલાપિન્યો’ થાય. ‘જલાપેનો નહીં!) ઘેટાંના પિઝા નાસ્તામાં ય જોઈએ, એવી બાદશાહી સિંહોમાં ન મળે. સિંહણો એનાં બચ્ચાંઓને પહેલેથી જ મગર (Croc) કે હિપ્પો ફાડી ખાવા ન આપે. કોલેસ્ટેરોલ વધી જાય! સિંહણો તો છોકરાંઓનું બહુ ધ્યાન રાખતી હોય. હસબન્ડ એન્ડ વાઇફ શિકારે નીકળે તો સાથે છોકરાંઓને લઈ જ જવાનાં. એટલું ચાલવા-દોડવાની કસરતો તો મળે. આપણી ગુજ્જુડીઓ તો બાળકોને શોપિંગ મોલમાં ય લઈ જતી નથી. છોકરાં ઢમઢોલ થઈને ખૂણામાં ઊભાં-ઊભાં વાફ્લે-કોન (Waffle-cone) આઇસક્રીમનો ત્રીજો ડોઝ ખાતાં હોય. (અમદાવાદના એક લેખક-પત્રકાર મને મોલમાં આ ‘વાફ્લે’ આઇસક્રીમ ખાવા લઈ ગયા હતા. પૈસા એ આપવાના હતા એટલે મેં ય ‘વાફલે’ ચાલું રાખ્યું.)
આ બધાં નખરાં આપણા લોકોમાં હોય છે. આઠ-આઠ, દસ-દસ વર્ષનાં ભટૂરિયાંઓ પાડા જેવી બોડીના થઈ ગયાં હોય ને ચીઝ-બટર તો કુલ્ફીની જેમ ચાટતાં હોય. આટલાં ટેણિયાંઓએ ખાધેલું પચાવવાની વાત તો દૂરની છે, બ્રેકફાસ્ટ ટેબલ પરે ય એ લોકો મોબાઇલ લઈને બેઠા હોય ને પબજી કે કેન્ડી ક્રશ રમે, એમને એટલું ય ન પુછાય, ‘સિમ્પુ, થોડું મેયોનીઝ ચોપડી આપું, બેટા? ચીઝની તો આખેઆખી કેક ચાવી ગયા હોય ને પછી એટલી ચરબી ઉતારવા મોબાઇલ લઈને કોઈ ગેમ રમે! (કહે છે કે, ભારે જમ્યા પછી કોઈ ગેમ રમવી જોઈએ, તો એટલી કેલરી બળે!)
પણ કૂવામાં હોય તો હવાડામાં આવે ને? સિમ્પુની મોમ પણ ચ્યવનપ્રાશની બોટલ જેવી ચારેબાજુથી ગોળમટોળ થઈ હોય ને એમનો ડેડ એક હાથમાં છાપું પકડીને બીજા હાથે શું ખાય છે, એની ય પરવાહ ન હોય, ત્યાં આપણાથી તો એમના ઘરના નોકરને ય વજનનું ધ્યાન રાખવાનું ન કહેવાય!
એમ તો ભઈ રોજ સવારે ક્લબમાં સફેદ ચડ્ડો અને જરસી પહેરીને ચાલવા જાય. ત્યાં ડોહાઓ રાહ જોઈને બેઠા હોય. એકાદ રાઉન્ડ માર્યા પછી સીધા પાપડી-ગાંઠિયા (કાંદા-મરચાં અલગ) રોજ મંગાવવાનાં. (એમાં ય સોલ્જરી થતી હોય!) અમદાવાદની કોઈ પણ ક્લબમાં ‘ચાલુઓને’ જોઈ લો (આઈ મીન, ચાલવા આવનારાઓને), ફાંદ વિનાનો એકેય ગેંડો હોય તો પપૈયાની છીણ આપણા તરફથી ફ્રી, સાહેબ! શરીરમાં ઉપરથી નીચે, આજુથી બાજુ પાપડી-ગાંઠિયા ઠાંસીઠાંસીને ભર્યાં હોય!
પાછા ગતાંકથી ચાલુ કરીએ તો, છાપાના કાગળિયામાં કે ફાઇવસ્ટાર હોટેલની પ્લેટોમાં તૈયાર બ્રેકફાસ્ટ કે લંચ-ડિનર મળે છે એની કોઈ કિંમત રહી નથી. મેન્યુમાં જેટલી સમજ પડે, એ મુજબ ઓર્ડર આપવા માંડવાનો. (એ તો સ્ટ્યુઅર્ટ કહે ત્યારે ખબર પડે કે, ‘સર, સોલ્ટ-પેપરનો જુદો ઓર્ડર ન આપવાનો હોય. ટેબલ પર જ પડેલાં છે.)’
પણ હોટલ કે ઘેર તો આમ ઓર્ડર આપવાથી જમવાનું મળી જાય, માણસ છીએ એટલે, પણ જરા સોચો ઠાકુર... રોજ પેટ ભરવા બટાકાવડાં કે દાળવડાંની લારી ઉપર ઝાપટ મારવી પડતી હોય તો? પછી ભલે ભાગી જવાનું, પણ હોટેલમાં કોઈ ફેમિલી જમવા બેઠું હોય તો આપણે સાઇડમાંથી સીધો કૂદકો એમના ડાઇનિંગ-ટેબલ ઉપર નથી મારતા, જે વાઘ-સિંહ લોકો રોજ કરે છે. ભરબપોરથી મહેનત કરી, છટકાં ગોઠવી, ‘જોર લગા કે હૈસા’ બોલ્યા વગર વરુઓ કે શિયાળોએ મહામહેનતે એક પાડો માર્યો હોય છે. એ એમણે માર્યો એટલે એમના બાપનો થઈ જતો નથી. ઉપર ગીધડાં ને નીચે વરુ-શિયાળ કે દીપડા ટાંપીને બેઠાં હોય છે. બધાં ભગવાનનું નામ લઈને શાંતિથી જમતાં હોય છે, ત્યાં વાઘ-દીપડો આવીને આ લોકોની થાળી ઝાપટી લે છે. આપણે માણસોમાં આવું નથી થતું. એ લોકોને તો એકેએક બાઇટ માટે ઝઝૂમવું પડતું હોય છે, જીવ સટોસટના ખેલો રચાઈ જાય છે અને આવી જાનબાઝી પછી ય એક બાઇટે ય હાથમાં આવશે કે નહીં, તેની કોઈ ગેરંટી નહીં. આપણને સમજોને બધું મફતની મહેનતમાં મળી જાય છે, એની કિંમત નહીં. થોડો મોડો પડે તો યાર દોસ્તોમાં ‘પો પાડવા વેઇટરને ખખડાવવાનો! વાઘ-સિંહોને શિખવાડવા કોઈ યોગ ટીચર આવતા નથી (મરવાનો થયો હોય તો આવે!) છતાં પણ હાથી, દેડકો, જિરાફ, કૂતરું, બધાંને પેટ ભરવા માટે પહેલાં ચાલવું-દોડવું તો પડે જ છે.’
હમણાં હું ગીરમાં સિંહ જોવા ગયો હતો. આખા દિવસની રઝળપાટ છતાં એકે ય સિંહ ન દેખાયો એટલે કંટાળીને એક ઝાડ નીચે બેઠો. ત્યાં પાછળથી એક ડાલામથ્થો સિંહ મારી સામે આવીને ઊભો રહ્યો. એણે જિંદગીમાં જે સલાહ આપી, એ તો હું એ સિંહના મૃત્યુ સુધી નહીં ભૂલું. એણે મને એટલું જ કીધું: ‘ચાલો, નહીં તો ચાલ્યા જશો.’
સિક્સર
અરે યાર! બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ લીધી, પણ હવે ક્યારેય ચલાવી નહીં શકું!
- કેમ? શું થયું?
- યાર પરમિટ મળી ગઈ.
X
budhwar ni bapore by ashok dave

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી