બુધવારની બપોરે / ખય્યામ સા’બ... આપકી સુબહા તો હો ગઈ!

budhvar ni bapore by ashok dave

Divyabhaskar.com

Sep 11, 2019, 08:00 AM IST

ધી ગ્રેટ રાજ કપૂરની શરત હતી કે, આ ફિલ્મ સાથે જે કોઈ સંકળાયેલું હોય, એણે ફિયોદોર દોસ્તોયેવસ્કીની વિશ્વવિખ્યાત નવલકથા, ‘Crime and Punishment’ વાંચેલી હોવી જોઈએ. ફિલ્મ ‘ફિર સુબહ હોગી’ આ નોવેલ પરથી બનવાની હતી. ફિલ્મની હિરોઇન માલા સિંહા અને ચરિત્ર અભિનેતા રહેમાનને પણ પહેલાં પરાણે અને બે-ચાર ચેપ્ટર વાંચ્યાં પછી બીજાં બધાં શૂટિંગો પડતાં મૂકવાં પડે એટલો તોતિંગ રસ નોવેલને વાંચી નાખવાનો જાગ્યો. સાહિર લુધિયાનવી તો ઝનૂની બનીને આ નોવેલ દરેકને વાંચવાની ધમકી એમની સાહિત્યિક જુબાનમાં આપતા હતા.

ફિલ્મ રાજ કપૂરની હોય એટલે સંગીત તો શંકર-જયકિશનનું જ હોય, પણ એમનો ભરચક જમાનો ચાલતો હતો અને વાંચવાનો ટાઇમ નહોતો એટલે રાજ કપૂરને કોઈકે ખય્યામનું નામ આપ્યું અને ખય્યામ રાજ કપૂરના ચેમ્બૂરમાં આવેલા દેવનાર કોટેજ બંગલામાં એમણે ખાસ આ ફિલ્મ માટે તૈયાર કરેલી ધૂનો સંભળાવવા ગયા. ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક રમેશ સેહગલ સાથે રાજને ય અદબ જાળવીને વાત કરવી પડે, એ લેવલનો સર્જક દોસ્તોયેવસ્કીનો ચાહક હતો. આ ફિલ્મમાં રાજ કપૂરને જેલભેગો કરનાર ઇન્સ્પેક્ટરના કિરદારમાં મુબારક દોસ્તોયેવસ્કીના સાહિત્ય માટે અધિકૃત ગણાતો.

દેવનાર કોટેજના હરિયાળી લોન ભરેલા ગાર્ડનમાં બ્રેકફાસ્ટ સાથે ખય્યામે હાર્મોનિયમ પર એક પછી એક ધૂનો સંભળાવવા માંડી. આ બંને શ્રોતાઓ રાજ કપૂર અને રમેશ સેહગલ સહેજ પણ ઇમ્પ્રેસ થતા નહોતા. ખય્યામ ધૂન સંભળાવતા જાય ને એમના ચહેરા ઉપર ખુશી કે સંતોષનો કોઈ હાવભાવ નહીં. દોઢેક કલાકની મજૂરી પછી ખય્યામનો દારૂગોળો ખતમ થઈ ગયો ત્યાં સુધી રાજ કે રમેશ બંને હાલ્યા નહીં. ખય્યામને ટેન્શન થવું સ્વાભાવિક હતું, થયું! એમાં ય ખય્યામને ‘બેસો થોડી વાર...’ કહીને રાજ કપૂર અને રમેશ સેહગલ અંદર ગયા. એક પણ ધૂન સાંભળતી વખતે બંનેના ચહેરા ઉપર સંતોષનો કોઈ ભાવ ઊતર્યો નહોતો.

...પણ દસેક મિનિટ પછી નટો અને જટો પાછા આવ્યા. ખૂબ પ્રસન્નવદને. ખય્યામ હજી કાંઈ સમજે તે પહેલાં રાજ કપૂરે કહી દીધું, ‘ખય્યામ સા’બ, હમેં આપકી સારી ધૂનેં પસંદ આઈ હૈ. ‘ફિર સુબહા હોગી’ કે સંગીતકાર અબ આપ હોંગે!’
અને ખય્યામના સંગીતને પૂજા-આરતીની કક્ષાએ મૂકતી આશા ભોંસલેએ ખય્યામનું ટેન્શન ઊતર્યા પછી પૂરી હળવાશથી કહ્યું, ‘ખય્યામ સા’બ, આપકી સુબહા તો હો ગઈ.’ (ફિલ્મનું નામ ‘ફિર સુબહ હોગી’ હતું.)
આ આખો કિસ્સો ખય્યામે અમદાવાદના ટાઉન હોલના ભરચક 1200 શ્રોતાઓ સામે મને સ્ટેજ પરથી આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યો હતો, From the horse’s mouth!

વાત કરતી વખતે ખય્યામની એક આંખ બિલકુલ ઝીણી થઈ જતી, પણ ગીતોની બંદિશો બનાવવામાં એમનું ઝીણું કાંતણકામ બહુ ઓછાના ધ્યાન પર આવતું. વિરાટ કોહલીએ 13 ચોક્કા અને 4 છગ્ગા સાથે 100 બનાવ્યા હોય, એ તો બધાને દેખાય, પણ એમાંનો એક બોલ એ ડોન બ્રેડમેનની કક્ષાએ રમ્યો હોય, જેનો કોઈ રન ન અાવ્યો હોય, પણ પૂરી મેચનો એ સૌથી વધુ કાતિલાના બોલ વિરાટ આસાનીથી રમી ગયો હોય, એની કોઈ નોંધ લે, ત્યારે એને પેલી સેન્ચુરીનો સંતોષ થાય.
આવું ખય્યામના ઝહેનમાં ય કંઈ પડ્યું હતું.

‘કહીએ તો આસમાં કો ઝમીં પર ઉતાર લાયે, મુશ્કિલ નહીં હૈ કુછ ભી અગર ઠાન લીજિયે.’

ફિલ્મ ‘ઉમરાવજાન’માં આશા ભોંસલેએ ગાયેલી આ ગઝલમાં ‘આસમાં’ એટલે અલ્ટિમેટ ઊંચાઈ. આશાએ ઊંચા તીવ્ર સૂરમાં આ શબ્દ ગાયો અને પછી સીધા જમીન પર... ખરજના સ્વરમાં... ‘ઝમીં પર ઉતાર લાયે.’ ઓહ! આ ચમત્કાર આશાનો હતો, શાયર શહેરયારનો હતો કે ખય્યામનો, એની ચર્ચા જાણકારો કરી શકે, પણ ‘આસમાં’થી ‘ઝમીં’ સુધી શબ્દના ચઢાવ-ઉતારને ગાયકીથી પેશ કરવો, એમાં સંગીતકારની ય ખૂબી હતી. ગાયિકા આશા ભોંસલેને પોતાના શાસ્ત્રોક્ત જ્ઞાન સિવાય બીજી કઈ ગાયિકાએ આટલી સાહજિકતાથી ગાયું હોત?

મેં ખય્યામ સા’બને આ ખૂબી વિશે પૂછ્યું તો એ ખુશ થઈ ગયા કે, આ સવાલ કોઈ મને પૂછે, એની હું વર્ષોથી રાહ જોતો હતો. મુહમ્મદ ઝહૂર ખય્યામ હાશ્મી એમનું નામ. ઓલમોસ્ટ 900 વર્ષ પહેલાં થઈ ગયેલા વિશ્વવિખ્યાત શાયર (ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી) ઉમર ખય્યામ સાથે આ ખય્યામને કોઈ લેવાદેવા નહીં. શાયરાના અંદાઝથી જીવતા કલાકારો આવાં સાહિત્યિક નામો પાડે. નામ પૂરતો એવો કોઈ સંબંધ ઉમર ખય્યામ સાથે હતો કે નહીં, એ એમણે જાહેર કર્યું નથી.

પણ આજની ભાષામાં ખય્યામ પૂર્ણપણે બિનસાંપ્રદાયિક હતા. સીખ્ખ (તમામ લેખકો/પત્રકારો ખોટી જોડણી અને ઉચ્ચાર ‘શીખ’ કરે છે) પત્ની અને ગાયિકા જગજિત કૌર (‘તુમ અપના રંજોગમ, અપની પરેશાની મુઝે દે દો’) અને એ બંનેનો સ્વર્ગસ્થ દીકરો પ્રદીપ હિન્દુ ધર્મ પાળતો, એમાં ખય્યામનો કોઈ વાંધો નહીં. એમના ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનો લાઇફ-સાઇઝ ફોટો જડેલો છે.

પણ માત્ર પસંદગીની ફિલ્મોમાં જ સંગીત આપવાની જિદ્દને કારણે ખય્યામની 70 વર્ષની ફિલ્મી કરિયરમાં 60 જેટલી ફિલ્મોમાં તો માંડ સંગીત આપ્યું, પણ જેટલું આપ્યું, દિલ ખોલીને આપ્યું. તલત મેહમૂદ આટલો મીઠડો ગઝલ-ગાયક છતાં ખય્યામની માફક એને પણ એનું પૂરતું ડ્યૂ મળ્યું નહીં, પણ સચિનદેવ બર્મને ‘જલતે હૈં જિસકે લિયે’, શંકર-જયકિશને ‘અય મેરે દિલ કહીં ઓર ચલ’ અને મદન મોહને ‘મેરી યાદ મેં તુમ ન આંસુ બહાના’ ગીત દ્વારા તલતની ડૂબતી કરિયર બચાવી લીધી હતી, પણ ખય્યામના એક ગીતે તલતને અમર કરી દીધો, ‘શામે ગમ કી કસમ, આજ ગમગીં હૈ હમ’ એવું તલત પોતે ય માનતો હતો. આ ગીતમાં ખય્યામની ખૂબી એ હતી કે, ગીતના પ્રારંભે પરદેશથી આવેલી એક ધોયળી કલાકાર (સોરી, એનું કે એના દેશનું નામ અત્યારે યાદ આવતું નથી!) પોતાની સાથે, એ જમાનામાં બિલકુલ નવું ગણાતું વાજિંત્ર ‘સોલો વોક્સ’ લેતી આવી હતી, તેની પાસે આ મધૂરા ગીતનો પ્રારંભ કરાવ્યો. ગીત હતું એના કરતાં વધુ મધૂરું થઈ ગયું.

મહંમદ રફીને ઈશ્વરની કક્ષાએ પ્રેમ કરતા હો, તો આભાર ખય્યામનો માનવો જોઈએ. 69માં ફિલ્મ ‘આરાધના’થી આવેલા કિશોર કુમારના વાવાઝોડા પછી રફીને ઘણું સાઇડમાં ધકેલાઈ જવું પડ્યું હતું અને ઉદાસ-ઉદાસ રહેતા હતા, ત્યારે ખય્યામે સામે ચાલીને ગૈર ફિલ્મી ગીતોની ઓફર કરી, જે ગાઈને રફી પોતે રંગમાં આવી ગયા અને મૂડ બરકરાર રહ્યો. આ ભજનો અને ગઝલોએ રફીને એ જ ઊંચાઈનાં શિખરો પર ફરી બિરાજમાન કરી દીધા. ‘પાઓં પડું તોરે શ્યામ, બ્રીજ મેં લૌટ ચલો’, ‘ગઝબ કિયા તેરે વાદે પે ઐતબાર કિયા’, ‘પૂછ ન મુઝસે દિલ કે ફસાને, ઇશ્ક કી બાતેં ઇશ્ક હી જાને’, ‘શ્યામ સે નેહા લગાયે, રાધે નીર બહાયે’, ‘મૈં ગ્વાલો રખવાલો મૈંયા, માખન નાહીં ચુરાયો.’

અને એ જ મહંમદ રફીનાં અણમોલ ગીતો ‘જાને ક્યા ઢૂંઢતી રહતી હૈ યે આંખેં મુઝમેં, રાખ કે ઢેર મેં શોલા હૈ ન ચિંગારી હૈ’, ‘જીત હી લેંગે બાઝી હમ તુમ, ખેલ અધૂરા છૂટે ના.’ લતા મંગેશકરના ‘અય દિલે નાદાન’, ભૂપિન્દરના ‘કરોગે યાદ તો હર બાત યાદ આયેગી’, મુકેશના ‘ચીનો અરબ હમારા, હિન્દુસ્તાં હમારા’ અને ખાસ તો કિશોર કુમારના ‘ચાંદની રાત મેં એક બાર તુઝે દેખા હૈ’ જેવાં અમર ગીતોથી ખય્યામે પોતાનો ‘ક્લાસ’ બતાવવાનું ચાલુ રાખ્યું હતું. મને ને તમને હજી સુધી યાદ રહી ગયું હોય એવું સુમન કલ્યાણપુર-રફીનું ‘ઠહરિયે હોશ મેં આ લૂં, તો ચલે જાઈયેગા.’ ફ્રેન્કલી કહું તો બ્લેક જર્સીમાં વિશ્વના સર્વોત્તમ સુંદર લાગતા માય ફેવરિટ શશિ કપૂરની ચાલ જોવા એ વખતે આ ફિલ્મ છ-સાત વાર જોઈ નાંખી હતી. (સોરી, જોઈને ‘નાંખી’ નહોતી, પણ એ જો જો કરવામાં આ ગીત અને એના સંગીતકાર ખય્યામ હૃદયની આરપાર ઘૂસીને યાદ રહી ગયાં હતાં, ત્યારથી ખય્યામ ધોધમાર ગમવા માંડ્યા હતા.)

મહંમદ રફી સાહેબે ગાયેલાં બે નોન-ફિલ્મી ગીતો મારી આખી લાઇફની સર્વોત્તમ પસંદગીનાં છે, ‘તુમ સામને બૈઠી રહો, મૈં ગીત ગાઉં પ્યાર કે’ અને ‘પાર નદી કે દીપ જલાયે, બૈઠી કોઈ બાંવરિયા.’ ખય્યામ સા’બે નહોતાં બનાવ્યાં, તો કોણે બનાવ્યાં હતાં, એ અઘરો સવાલ વાચકો ઉપર છોડું છું! નીચે આપેલા ઈ-મેલ પર જવાબ મોકલી શકાય.

સિક્સર
ગીદડ કી મૌત આતી હૈ તો, વો...
‘કશ્મીર’ કી તરફ ભાગતા હૈ!

X
budhvar ni bapore by ashok dave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી