બુધવારની બપોરે / ગાંધી રોડ પણ ગાંધી માર્ગે ચાલ્યો છે...

budhvar ni bapore by ashok dave

Divyabhaskar.com

Aug 14, 2019, 08:01 AM IST

અમદાવાદની જેમ ગાંધી રોડ ગુજરાતનાં જ નહીં, દેશભરનાં અનેક શહેરો પાસે છે. જ્યાં જાઓ ત્યાં એકાદો ગાંધી રોડ પડ્યો હોય, જેમાં ગાંધી સિવાયનું બધું યાદ આવતું હોય. એમાંના એકે ય નું નામ ‘ગાંધી’ ઉપરથી પાડવાનું કરતૂત મહાત્માએ કે એમનાં સંતાનોએ કર્યું નહોતું. જ્યાં પોતાના નામના ઝંડા ફરકાવી શકાતા હતા, એ સ્થળોનાં નામો ય એમણે હૃદય-કુટિર, સેવાગ્રામ, ફિનિક્સ કે સાબરમતી આશ્રમ રખાવ્યાં હતાં. મારું ય એવું જ છે. મારો ફ્લેટ હજી મારા નામે નથી, બોલો!

હું અંગત રીતે મારા નામ ઉપર અમદાવાદ શહેરમાં કોઈ રોડ કે ચોક બને તેવું ઝનૂનપૂર્વક ઇચ્છતો નથી (આમ તો, કોઈ નવરું ય નથી!) કારણ સીધું છે. મોદીવાળી સ્વચ્છતા તો આવશે ત્યારે આવશે, પણ અત્યારે તો રોડ કે ચોકના કોઈ પણ ખૂણે લોકો સુ-સુ કરવા ઊભા રહી જાય છે. યસ. મારી પાછળ કાંઈ બનાવવું જ હોય તો દુબઈના 166 માળના બુર્જ-ખલિફા જેવું કાંઈ ઊંચું ઊંચું બનાવજો, જેથી આવાં કામો કરવા આટલે ઊંચે કોઈ આવે નહીં ને બધું નીચે જ પતાવતા આવે! આ તો એક વાત થાય છે.

ગાંધી રોડ ઉપર વિમાનનાં પૈડાં કે રેલવેના પાટા સિવાય બધો માલસામાન મળી શકે. અલબત્ત, વિમાનનું એક પૈડું ખરીદવું હોય તો વેપારી પાસે આવાં આખાં બે-ત્રણ વિમાનો ખરીદવાની રકઝક કરવી પડે. ખરીદીમાં આંખ ઠારનારો સંતોષ ફક્ત શિયાળામાં મળતો.

શિયાળામાં જ સુંદર અને આપણા કરતાં ઘણી ગોરી ગોરી તિબેટી છોકરીઓ ઊનના સ્વેટરો કે શોલ વેચવા ઊભી રહેતી. કુટિર ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ, એ દેશપ્રેમને ખાતર પોળના છોકરાઓ રોજ નવરા પડે ગાંધી રોડ ઉપર ઊભી રહેતી આ મા-બહેનો પાસે જઈને એક-એક સ્વેટરનો ભાવ પૂછે. પેલી એકસામટાં 20-25 સ્વેટરો ઊંચકીને ઊભી હોય. સ્વાભાવિક છે કે વધુ સારું શું છે, એની અમને બધાને બહુ સમજ પડતી એટલે સ્વેટર કરતાં એ ગોરી તિબેટી સામે બહુ વજનદાર મૈત્રીભાવથી સ્વેટરો વિશે પૂછપરછ કરવામાં સમય ખેંચતા. (આ બતાવે છે કે, અમે તો જવાનીમાં ય હખણા નહોતા રહ્યા!) પોળે પાછા આવીને ઘણા ફાંકા મારે, ‘મેં તો ગુલાબી ઊનનું સ્વેટર જોતાં જોતાં એની આંગળીને અડી લીધું’તું! પેલીને અમારા બધાના બદઇરાદાની ક્યારેક તો ગંધ આવી જાય, એટલે ખિજાઈને કહી દે, ‘ચલો જાઓ, નહીં બેચના હૈ સ્વેટર-બેટર!’ સારી કહો કે, ગલત કહો, અમારી મજબૂર એ જુવાની હતી! ખાડિયાના તમામ કુંવારા યુવાનોની લગ્ન અંગે ખાનદાની એ હતી કે, અમે કોઈ પ્રાંતવાદ કે જ્ઞાતિવાદમાં માનતા નહોતા. અમદાવાદની કોઈ પણ દેશી છોકરી માટે અમે સહુ તો તૈયાર હતા.

સામા પક્ષે ખેલદિલી નહોતી જણાતી. ‘વહેલી, તે પહેલી’ને ચાન્સ આપવાની વાત નહોતી. કોઈને અમે બીજા નંબરે ઊભા રહેવા દેતા નહોતા. પહેલી અરજી આપણી જ હોય, પણ છોકરીઓ ય ખાડિયાની ને? એ લોકોમાં તો ટેસ્ટ જેવું કાંઈ હતું, સાલું! ખાડિયાનાં છસ્સો વર્ષના ઇતિહાસમાં અહીંની એક પણ છોકરી અહીંના એકે ય છોકરાને પરણી નથી! (પરણી હશે તો સુખી હશે!)

રતન પોળની સામે માણેકચોક જવાના ઢાળ ઉપર મથુરાના ચૌબાઓ પડિયામાં પ્રસાદ વેચવા બેસતા. બિચારાઓ આખી રાત બીજે ય ક્યાંક નોકરીઓ કરતા હશે, એટલે થાકેલાપાકેલા બેઠાં બેઠાં ઊંઘતા ને ઝોલાં ખાતાં હોય, એનો અમને લાભ મળતો. પ્રસાદ ખરીદવાના બહાને એમની પાસે ઘૂંટણિયે બેસીને, ‘ઇસકા ક્યા હૈ?’ જેવા સવાલો પૂછીને બે-ચાર મીઠાઈઓ મફતમાં ચાખવાની, પણ ચૌબાને ખબર પડી જાય ને એ ગુસ્સે થઈને ઘાંટો પાડે, પાછળ દોડે, એ પહેલાં આપણે ઘાંટો પાડ્યા વગર ઊભા થઈને ભાગવાનું. અમને વિશ્વાસ કે, ચૌબાજી આવા ગોળમટોળ શરીરે ઊભા થઈને અમારી પાછળ દોડી શકવાના નથી.

ગાંધી રોડ ઉપર જે કાંઈ આવ્યું હોય, એનાં નામોનો અર્થ નહીં પૂછવાનો! દુનિયામાં ક્યાંય ભોંયરામાં ઊતરી ગયેલા ભગવાન જોયા છે? અહીંના બાલા હનુમાન રસ્તાથી દસેક ફૂટ નીચે રહે છે. હનુમાનજીને ‘બાલા’ શેના માટે કહે છે, એની તો ખબર નથી, પણ આ હનુમાનજી સરકારી કામોમાં હાથ નથી નાખતા, એટલે કે ઇંગ્લેન્ડ-અમેરિકા જવા માગતા ગુજરાતીઓને પાસપોર્ટ કઢાવી આપતા નથી. એ પાછા બીજા હનુમાનજી. શ્રદ્ધાને બુદ્ધિ સાથે કાંઈ સંબંધ નહીં, એ વાત આ આપણા ‘બાલા’ હનુમાન જાણે, એટલે પાસપોર્ટ કે આધારકાર્ડ જેવું એકે ય કાર્ડ કાઢી ન આપે. આ બાલા હનુમાનને ‘ધંધો’ કરતા ન આવડ્યો. ભક્તોની શ્રદ્ધાનું વેપારીકરણ કરતા ન આવડ્યું. બિચારા આજે ય ખૂણામાં નીચે પડ્યા છે.

ગાંધી રોડ પર ભગવાનો તો શું, પોલીસોને પણ નીચે ઊતરી જવું પડે છે. બાલા હનુમાન નીચે ઊતર્યું, એમ આ જ રોડ ઉપર સરૈયા પોળના ઢાળ નીચે આખેઆખી ઢીંકવા ચોકી ઊતરી ગઈ છે. જીવનમાં ગુનો કરતી વખતે માણસ નીચે ઊતરી જાય છે, અહીં પકડાયા પછી નીચે ઊતરવું પડે છે.

‘ઢીંકવા ચોકી?’ આ તે કેવું નામ? અને એ ય પોલીસચોકીનું?

ઢીંકવા એટલે શું, એ નહીં પૂછવાનું, કારણ કે બીજી અનેક પોલીસચોકીઓના નામના અર્થો ખુદ પોલીસોને મળ્યા નથી. આ જ રોડ ઉપર ‘કારંજ’ પોલીસ સ્ટેશન છે, એ તો ચલો ફોઈએ પાડેલું નામ હશે, પણ કાગડાપીઠનો અર્થ શું સમજવો? ગુનેગારને પકડ્યા પછી પોલીસો એની ‘પીઠ’ ઉપર ધબાધબી કરતા હોય છે, એમાં ‘કાગડો’ વચ્ચે ક્યાંથી આવ્યો? પોલીસને કારણે કાગડાને બદનામ કરવામાં આવ્યો છે કે ચોરને કારણે, એની નોંધ ગુનાખોરીના ઇતિહાસમાં ક્યાંય લેવાઈ નથી. ધોળિયાઓ અમદાવાદ આવે તો હજી સુધી ઉચ્ચારી નથી શકતા, એ ‘છડાવાડ’ પોલીસચોકીનું નામ કઈ કમાણી ઉપરથી પડ્યું હશે? આંબાવાડીના પરિમલ ગાર્ડનને અડીને આવેલી આ છડાવાડ ચોકી પાસેથી પસાર થાઓ તો ‘મફત છાશની પરબ’ પાસેથી વટેમાર્ગુ નીકળ્યો હોય, એવું લાગે.

પોલીસ-ભરતી વખતે સામાન્ય જ્ઞાનના પેપરમાં ભલભલાને નાપાસ કરી શકાય, એવી બે ચોકીઓનાં નામ છે, શહેરકોટડા કે ઇદગાહ ચોકી? એમને આ બંને શબ્દોના અર્થ પૂછો. બધા ફેલ! પાનકોર નાકાનો અર્થ તો હજી સમજાય છે કે, કોઈ ‘પાનકુંવર’બાનું નામ અપભ્રંશ થયું હશે, પણ એ પહેલાંના વિસ્તારને ‘ફુવારા’ પાણીના કયા ધધૂડાને કારણે કહેવાય છે, તે સમજાતું નથી. આ ભરચક ભીડના રસ્તા ઉપર ફુવારો તો ઠીક, પાનની પિચકારીઓ સિવાય કોઈ ફુવારા-બુવારા નથી.

યસ. ગાંધી રોડના પહેલા ખોળાનું માણેક ચોક અને વ્હાલી છતાં પતલી-પતલી તો ય ભરખમ થઈ ગયેલી દીકરી જેવી રતનપોળ એનાં માનસ સંતાનો છે. માણેક ચોક દિવસભર શેરબજાર અને સોના-ચાંદીના ધંધામાં ડૂબેલું હોય ને રાત પડે, એ જ દુકાનો ઉપર ખાણીપીણીનું માર્કેટ બની જાય.

ગાંધી રોડ ઉપર ગાંધીજી પોતે ચાલ્યા હતા કે નહીં, એની તો મને ખબર નથી, પણ રોજના કરોડો લોકો ‘ગાંધી માર્ગ’ ઉપર ચાલે છે, એ હકીકત છે. ભારતનાં લગભગ તમામ શહેરો પાસે ‘ગાંધી’ હોય કે ન હોય, ‘ગાંધી માર્ગ’ ચોક્કસ છે.

સિક્સર
પાછો પેલો ‘વર્લ્ડટૂર’ પર નીકળ્યો છે. પોરબંદરમાં તો મોઢું બતાવી ગયો.
કોણ? કોની વાત કરો છો?
અરે ભઈ, ધરતીકંપ!

X
budhvar ni bapore by ashok dave
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી