બુધવારની બપોરે / થોડું કાઢી લો ને!

DivyaBhaskar.com

Mar 13, 2019, 08:51 AM IST
article by ashok Dave

ઘેર મહેમાનો બહુ ત્રાસ કરતા હોય છે. પોતે બહુ બધું જોયું છે અને કેવા વિવેકી છે, એ બતાવવા આપણે એમને માટે જે કાંઈ આઇસક્રીમ ધર્યો હોય, એ કેમ જાણે એમના ખોળામાં ઢોળાવાનો હોય, એમ ચાંપલાશપટ્ટીથી કહેશે, ‘ઓહ! આટલો બધો નહીં, થોડો કાઢી લો.’
આવો વિવેક આ લોકો શેના માટે કરતા હશે? પહેલાં ફાટતા નથી કે, ‘મને બે ચમચી જ આપજો. એક કામ કરો. આમાંથી થોડો કાઢી લો.’ આપણે કેમ જાણે બાઉલને બદલે પીપડામાં આઇસક્રીમ ધર્યો હોય! અલ્યા ભઈ, દુનિયાભરમાં આઇસક્રીમનું એક જ માપ હોય છે. હોટલમાં ખાઓ કે કોઈના ઘેર, બાઉલમાં જેટલો મુકાતો હોય એટલો જ મુકાય. એમાંથી થોડો કાઢી લઈને બાકીનો શું તારા મોઢે ચોપડવાનો છે?
એક્ચ્યુઅલી પોતે બહુ બધા આઇસક્રીમો ખાધા છે (અને જોયા છે), એ આપણા ઘેર આવીને આવી રીતે બતાવે, ‘થોડો કાઢી લો ને. આમ તો હું તો આઇસક્રીમ ખાતો જ નથી!’
બેસને વાંદરા, કાઢી લીધેલો આઇસક્રીમ દુકાનવાળો પાછો લઈને એના પૈસા વાપસ કરવાનો છે? અને તું આખી ડિશ ખાઈ જઈશ, તો અમે તને મારા ખાડિયાની ભાષામાં, ‘ભુખાવડો’ સમજવાના છીએ? ભારતના એક સૌથી મોટા સ્વર્ગસ્થ ઉદ્યોગપતિને એક લગ્નસમારંભમાં આઇસક્રીમની વાડકી વાંકી કરીને છેલ્લું ટીપુંય ચમચીમાં ભરતા મેં સગી આંખે જોયા છે. (આ સંપૂર્ણ સત્યઘટના છે.) એનો એવો કોઈ મતલબ મેં કાઢ્યો નહોતો, કે આવા અબજોપતિ માટે આઇસક્રીમના એક ટીપાની શું વિસાત, પણ હું કન્વિન્સ્ડ હતો એ વાતે કે, પોતાને ભાવતી ચીજ પ્રેમથી છેલ્લા ટીપા સુધી ખાવામાં એમને કોઈ દંભ નહોતો લાગ્યો. હુંય આજે આઇસક્રીમ કે લસ્સીનું છેલ્લું ટીપુંય છોડતો નથી. પૈસા વસૂલ કરવા નહીં. મનપસંદ ચીજ અધૂરી છોડાય નહીં માટે.
આપણા ગુજરાતીઓ છેલ્લાં દસેક વર્ષથી ખૂબ પૈસા કમાયા છે. એ પહેલાં તો એ લોકોય મિડલ ક્લાસના હતા, પણ હવે પોતે મિડલ ક્લાસના નથી રહ્યા, એટલું બતાવવા જાહેરમાં એ લોકો દંભી પણ થઈ ગયા છે. જે લોકો પાસે સાઇકલનાં ફાંફાં હતાં ને સ્કૂટરવાળાને જોઈને મીઠી ઈર્ષા કરતા હતા, એ મિડલ ક્લાસ પાસે હવે બબ્બે ગાડીઓ આવી ગઈ છે. પહેલાં તો એમ્બેસેડર અને ફિયાટ સિવાય બીજી કોઈ ગાડી આખા અમદાવાદમાં જોવા મળતી નહોતી. બહુ પછી સ્ટાન્ડર્ડ હેરલ્ડ જેવી બચુકડી કાર આવી, એમાંય અમે અંજાઈ જતા. કમનસીબે આજે બધાની પાસે ગાડીઓ છે, પણ પાર્કિંગની જગ્યા મળતી નથી. ગુજરાતીઓ ‘કાર’ શબ્દ તો જાણતા કે બોલતા જ નથી. ‘ગાડી’ શબ્દ જ વાપરે છે, તે એટલે સુધી કે સાઇકલ લઈને આવેલોય આપણને પૂછે છે, ‘ગાડી બહાર મૂકી છે, એનો વાંધો નથી ને?’ આખા શહેરના ટ્રાફિકની મમ્મીના મેરેજ કરાવી નાખનાર ટુ-વ્હિલર્સવાળાઓનું પૂરા શહેર ઉપર રાજ છે. સાપોલિયાની માફક એ લોકો નાનકડી વાંકીચૂકી પતલી જગ્યામાંથીય એમનું એક્ટિવા કે મોટરબાઇક કાઢે ને એમની પાછળ ગાડીવાળો આવડી ને આવડી મા-બહેનની ચોપડાવતો હોય, પણ એમની ફેવરમાં એટલું કહી શકાય કે, તમે પોતે ટુ વ્હિલર્સ ચલાવતા હો, તો શું ટ્રાફિકના નિયમો પાળવાના છો? આ તો હજી સુધી આપણા ડ્રોઇંગરૂમ વચ્ચેથી જગ્યા કાઢીને સ્કૂટરો કાઢવાના દિવસો નથી આવ્યા કે તમારી મર્સિડીઝ કે ફેરારીના છાપરા ઉપરથી મોટરબાઇકો ટ્રાફિકજામમાં રસ્તા નથી કાઢતા.
હવે બ્રાન્ડેડ કપડાં અને શૂઝ બતાવવાના ચહડકા ઉપડ્યા છે. હજી હમણાં સુધી દરજીની દુકાને કપડાં સીવડાવવા ધક્કા ખાતા હતા અને હવે ‘બ્રાન્ડેડ’ કપડાં સિવાય પોતે કશું પહેરતા નથી, એટલું જાહેરમાં બતાવવા સામેવાળાને પૂછશે, ‘અરે! વાહ દાદુ, તમે બી મારી જેમ હવે ‘માર્ક્સ એન્ડ સ્પેન્સર’નાં જ કપડાં પહેરો છો? શું વાત છે?’ આપણે એનો ઇરાદો પકડી પાડ્યો હોય એટલે વાત આગળ વધારીએ નહીં, પણ એને હેડકી આવી જાય, જો તમે વિષય બદલો!
‘દાદુ, હું તો જે આપો એ પહેરી લઉં, પણ વાઇફને બ્રાન્ડેડ સિવાય કાંઈ ફાવે નહીં, (પહેલાં એની વાઇફને અને પછી એના થોબડા સામે જોઈને મંદમંદ મુસ્કુરાઈ લઈએ કે એનો ટેસ્ટ ઊંચો લાગે છે, પણ એની વાઇફે ગૂજરીમાંથી માલ ખરીદ્યો લાગે છે.) એટલે નછૂટકે મારે બ્રાન્ડેડ કપડાં જ લેવાં પડે છે. આ જુઓને, ખાલી આટલા શર્ટના જ છ હજાર, નેચરલી, પાટલૂન પણ.’
‘તમારી વાઇફ પણ બ્રાન્ડેડ ચીજો વાપરે છે?’ એવું પૂછીએ એમાં એ સમજ્યો ન હોય કે, આવો ગોરધન વાઇફે પસંદ કર્યો હોય એ તો માર્કેટમાં છૂટક ભાવે પચ્ચા-પચ્ચા રૂપિયામાં મળતો હોય! બેનજી કપડાં તો ‘બ્રાન્ડેડ’ પહેરતા હોય, પણ એનો ગોરધન બ્રાન્ડેડ ક્યાંથી કાઢવો? એ તો ફાધરે (કે પોતે) જે અપાવ્યો હોય, એ જ જિંદગીભર વાપરવો પડે અને આ લલ્લુ આપણી પાસે છ હજારના શર્ટની બહેન પરણે છે. (એટલે કે, બોન પૈણે છે!) મારા ખાડિયાની પોળોને નાકે ઊભા ઊભા રોજ આવો જ જીવ બાળતા હોઈએ કે, કયો કાગડો દહીંથરું લઈ ગયો છે! આપણે રોજ હાજરાહુજુર હોવા છતાં એની વાઇફે કબાડીમાંથી માલ ઉપાડ્યો, હટ!
ભઈ, હું ‘ધી ગ્રેટ’ ખાડિયાનો છું, એટલે વાતવાતમાં ખાડિયાના ઉલ્લેખો તો આવવાના. ખાડિયાના દરજીઓ બહુ પૈસા કમાયા, દેવ આનંદને કારણે. અમારે બધાને દેવ આનંદ જેવાં કપડાં પહેરવાં હતાં. અડધા વાંકા વળીને ચાલવાનું, પણ દેવ-સ્ટાઇલમાં. માથે ગુચ્છો તો પાડી શકાય, પણ એક દાંત તૂટેલો ક્યાંથી લાવવો. અમારામાંથી ઘણા ખાડિયાના એક દંતશાસ્ત્રી પાસે એક દાંત પડાવવા જતા, જે ગ્રાહકોના દાંત પાડવા સાઇકલનો સામાન રાખતા. એ તો બહુ ધારી ધારીને જોયું ત્યારે ખબર પડી કે, દેવનો દાંત તૂટેલો નહોતો. બંને સાઇડમાં એના દાંતની વચ્ચે ગપોલી પડતી હતી અને એ હતો હેન્ડસમ માટે હસી હસીને પોતાની ગપોલીઓ બતાવતો, પણ આવા દાંતો પડાવવામાં અમારામાંથી ઘણા તો બોખાં થઈ ગયાં. દાંત પડાવી લીધા પછી દંતશાસ્ત્રી ઉપર ગુસ્સો કરતા કે, ‘મારે તો ડાબી બાજુનો દાંત પડાવવાનો હતો. આ બાજુનો તો પહેલેથી પડેલો હતો!’ આમાં બહુ બહુ તો દંતશાસ્ત્રી તૂટેલો દાંત પાછો આપી શકે. એનો એ ફરીથી જડી ન શકે! એમાં તો પોળના અમારા આવા દેવ આનંદોને, પેલી પોળને નાકેથી પસાર થતી હોય ત્યારે હસીને દાંત દેખાડવાને બદલે મોઢે રૂમાલ રાખીને હસવું પડતું. એમાં દેવ આનંદોને બદલે પેલી નંદાઓ કે વૈજયંતીમાલાઓ વધારે હસી પડતી.
પણ મારી પ્રિય ખાંડવી મહેમાનોને ધરી હોય ને, ‘આટલી બધી નહીં, બહુ વધારે છે. થોડી કાઢી લો.’ એવી ઓફર કરનારાઓને મારે પૂછવું પડે છે (મનમાં) કે, ‘વધેલી જ તમને આપી હતી, હવે ક્યાં નાખું?’{ ashokdave52@gmail.com
X
article by ashok Dave
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી