તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભગવાને હોઠ તો આપ્યા છે, પણ ઉપયોગ?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પ્રશ્નઃ ‘એન્કાઉન્ટર’માં સીધા સવાલોના આડા જવાબો આપવાનું કેમ વિચારો છો?
- રિતિક ભાવસાર, સુરત
જવાબઃ હું વિચારીને જવાબ આપતો નથી, માટે.
 

‘અશોક દવે’ની બાયોપિક બનવાની હોય તો તમારું પાત્ર કોણ ભજવે એવું ઇચ્છો છો?
- શ્રદ્ધા જયેશ રાવળ, વડોદરા
-    નરેન્દ્ર મોદી.
 

તમને સારા વક્તા કોણ બનાવી શકે? સારા શ્રોતાઓ કે સારી તૈયારી?
- મધુકાંત હરિહર દેસાઈ, નડિયાદ
-    કોઈપણ બ્રાન્ડની પત્ની! દરેક વાત બબ્બે વખત સમજાવવી પડે છે માટે.
 

હું આકરા ડાયટ પર જવા માગું છું. કોઈ ટિપ?
- બિનીતા જી. કપૂર, વડોદરા
-    ઘરમાં ચરબીવાળી જેટલી હોય એ બધી વાનગીઓ કાઢી નાખો, એ પહેલાં જોઈ લેજો, ‘સ્વાદિષ્ટ’ છે કે નહીં!
 

હોલમાં પ્રવચનોનો કંટાળો દૂર કરવાનો કોઈ ઉપાય ખરો?
- નિરંજન કેશુભાઈ પટેલ, વલસાડ
-    હું સાહિત્ય પરિષદના સમારંભોમાં જતો, ત્યાં ‘તડાક-છીંકણી’ સાથે લઈ જતો ને આજુબાજુ બેઠેલાઓને સ્નેહપૂર્વક વહેંચતો.

 

જુઠ્ઠાણાનો આટલો વિરાટ પ્રભાવ કેમ છે?
- ધીરજલાલ નીઠાભાઈ ભગત, જામનગર
-    મૌન માટે એક શ્રોતા કાફી છે. જુઠ્ઠું લાખો શ્રોતાઓને ય ઓછું પડે છે.
 

 તમારી પથારી કોણ કરી આપે છે? ચોક્કસપણે ભાભી તો નહીં જ હોય!
- સલમા વઝીર મોહમદ, નાલાસોપારા, મુંબઈ
-    તમે સાચાં છો. હું તાડપત્રી પાથરીને સૂવું છું.
 

તમારે તો રવિવારે રજા ખરી કે નહીં?
- કિરીટકુમાર જે. લશ્કરી, મુંબઈ
-    હા. ઘરનાં બધાં કામો પતાવતા સાંજના સાતેક વાગી જાય. પછી રજા જ છે!

 

રોજ નિયમિત ચાલનારાઓનું વજન કેમ ઓછું થતું નથી?- ડો. નિધિષ સુરાજીવાલા, સુરત
-    મને સમજણ છે ત્યાં સુધી, વજન ઉતારવાને ચાલવા સાથે કોઈ સંબંધ નથી. શરીર સશક્ત ચોક્કસ થાય છે.

 

તમારી દૃષ્ટિએ ગુજરાતીઓમાં ગોરધનનું વધુ ચાલે કે વાઇફોનું?
- કિશોરભાઈ એફ. ઠક્કર, રાજકોટ
-    મારા ફ્લેટની નીચે શાકવાળાની દુકાન છે. રેગ્યુલર ગ્રાહકોમાં 80 ટકા ગોરધનો હોય છે. એ બધા પતી જાય, પછી જ હું મારા ઘરની સબ્જી લેવા જઉં છું.

 

સાચો દાનવીર કોને કહેવાય?
- ધનંજય ડી. બ્રહ્મભટ્ટ, પાલિતાણા
-    જે પોતાનું 100-ટકા રક્તદાન કરે.

 

કોઈ સારો જોક હોય તો કહો ને!
- નીલિમા ગી. ગોર, પોરબંદર
-    ડોક્ટરે પૂછ્યું, ‘ઘણા વખતથી તમને જોયા નથી!’ 

‘હા, સર. હું માંદો છું.’

 

તમને ખૂબ ગમતો ક્રિકેટર કોણ?
- ભરત ત્રિવેદી, અમદાવાદ
-    મહેન્દ્રસિંહ ધોની.
 

તમને તમારા બર્થડે ઉપર તમારો પુત્ર કઈ ગિફ્ટ આપે તો ખૂબ ગમે?
- મધુબહેન રાયચંદ પટેલ, મહેસાણા
-    મારી કારની ચાવી.

 

આજ સુધીમાં તમે કેટલાં એન્કાઉન્ટરો કર્યાં હશે?- વંદના એ. શુકલ, અંજાર-કચ્છ
-    મારાં પાપોનો હિસાબ તો રાખું છું, પણ આવાં પુણ્યોનો હિસાબ તો કોણ રાખે?

 

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની પ્રચંડ સફળતાનું કારણ શું બધા ક્રિકેટરોએ વધારેલી દાઢી હતું?
- પ્રયાગ પુષ્પવદન દેસાઈ, જામનગર
-    ઓહ! મારું ધ્યાન તો ક્રિકેટમાં હતું.

 

મારે પ્રેમમાં પડવું છે. શું કરવું?
- જયપ્રકાશ વીરચંદ શાહ, વડોદરા
-    તમને ખબર પડતી ન હોય કે, તમે શું કરવા માગો છો... ત્યારે એ પરફેક્ટલી કરો.

 

સ્ત્રીઓ પુરુષની સમોવડી કેમ બનવા માગે છે?
- શ્રીનાથ હરદયાલ ગોસ્વામી, મુંબઈ
-    મહત્ત્વાકાંક્ષાનો અભાવ.
 

 પ્રકાશની ગતિ કેટલી હોય છે?
- ભરત ફુલચંદભાઈ સ્વામિનારાયણ, વડોદરા
-    અંધકારની ગતિ કરતાં અડધી.
 

અહીં સવાલ પૂછનારા માટે કોઈ ફ્રી ગિફ્ટ નથી?
- મનસ્વી રાજેન્દ્રભાઈ શાહ, અમદાવાદ
-    અમે ગિફ્ટોના પૈસા લેતા નથી. ફ્રીમાં આપીએ છીએ.

 

 તમને કીધેલી કોઈ ખાનગી વાત તમારા પેટમાં ટકે?- પ્રકાશચંદ્ર વી. સાપુતારાવાલા, સુરત
-    મારા પેટમાં તો ટકે, પણ જેને જેને કહું છું, એમના પેટોમાં ટકતી નથી.

 

આ લોકો પાસે મોદીને હટાવવા સિવાય બીજો કાંઈ ધંધો નથી?
- કેશવલાલ છોટાભાઈ પારેખ, નડિયાદ
-    હટાવવા માટે પૂરા દેશમાં મોદીથી વધારે શક્તિશાળી છે ય કોણ?

 

ગુજરાતના જંગલમાં વાઘ દેખાણો!
- શિરીષ જયરામ ભટ્ટ, જામનગર
-    તમારી મોમ કહેતી નથી, જ્યાં ને ત્યાં ફરફર ન કરો.

 

તમે ફિલ્મ ‘ઉરી’ વિશે રાષ્ટ્રભક્તિ જાગૃત કરતો અદ્્ભુત લેખ લખ્યો છે, પણ એમ રાષ્ટ્રભક્તિ આવશે?- નીલા જે. ઠક્કર, સુરત
-    રાષ્ટ્રભક્તિ વિનાનો મેં તો એકેય ભારતીય જોયો નથી.

 

ગુજરાતમાંથી દારૂબંધી કયારે હટશે?
-  કૌશિક લાલભાઈ ત્રિવેદી, જામખંભાળિયા
-    હુંય એ જ પૂછું છું.

 

ગોરધન (પતિ) અને પાળેલા ડોગી વચ્ચે શું ફર્ક?- ઇશિતા નારણભાઈ પટેલ, મહેસાણા
-    ડોગી વધુમાં વધુ 14-15 વર્ષ જીવે છે.

 

 મારી પત્નીનું મગજ અહીંતહીં ભટક્યા પછી પાછું નથી આવતું. કોઈ ઉપાય?
- મો. કરીમ અબ્દુલ હાફીઝ શેખ, મુંબઈ
-    ઓહ! કેવા નસીબદાર છો!

 

 શું ફક્ત ડુંગળી જ એવું ફ્રૂટ છે, જે રડાવી શકે?
- તત્વમ પીયૂષ મહેતા, અમદાવાદ
-    કોઈના મોઢા ઉપર નારિયેળ પછાડી જુઓ.

 

 હવે તો અમદાવાદમાં રોડ ઉપર નીકળાય નહીં, એટલો ટ્રાફિકજામ છે. કોઈ રસ્તો?
- ઉમેશભાઈ રાયચંદ શાહ, અમદાવાદ
-    ઉફ્ફ... ટ્રાફિકજામ તરફ જવાના બધા રસ્તા ખુલ્લા છે.

 

શું સુંદર સ્ત્રીને જોવી પાપ છે?
- દિનેશચંદ્ર મુખી, નડિયાદ
-    જોયા પછી પાપમાં પડું...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો