એક તરફ કોરોના મહામારીનું સંકટ ચાલી રહ્યું છે તેવા સમયે ગુજરાત પર તાઉ-તે વાવાઝોડું આવવાથી હવામાનમાં પલટો થયો છે. સાયક્લોનના પગલે રાજ્યભરમાં વરસાદ આવી શકે છે તેમજ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે ખેતરોમાં ઊભા ઉનાળુ પાકને મોટું નુકસાન જવાનો ભય છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મગફળી, તલ, અડદ, મગ, બાજરી જેવા ઉનાળુ પાક હજુ ખેતરમાં છે.
ભારે પવન, વરસાદથી પાક ડેમેજ થશે
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વી. પી. ચોવટીયાએ જણાવ્યું કે, તાઉ-તેના કારણે પવનની ઝડપ 150-160 કિમીની રહેવાની છે. આ સ્થિતિમાં કોઈ પણ ઊભા પાકને નુકસાન જશે. આ સિવાય કેરી, નારિયેળી શાકભાજી જેવા પાકમાં પણ ડેમેજ થશે. તલ, મગફળી, બાજરી જેવા પાકમાં વધારે નુકસાની થઈ શકે છે.
ગુજરાતમાં 10.48 લાખ હેકટરમાં ઉનાળુ વાવેતર થયું છે
રાજ્યના કૃષિ વિભાગના આંકડા પ્રમાણે 10 મે 2021 સુધીમાં ગુજરાતમાં 10.48 લાખ હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર 10% જેટલું વધ્યું છે. બાજરી, તલ, મગફળી, મગ, અડદ અને ડાંગર રાજ્યના મુખ્ય ઉનાળુ પાક છે. આ ઉપરાંત શાકભાજી અને ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે.
કાપણી માટે મજૂરો મળતા નથી
રાજકોટની પાસે આવેલા નારણકા ગામના ખેડૂત રમેશભાઈ ભોરણિયાએ જણાવ્યું કે, કોરોના હોવાથી ઘણા ખેત મજૂરો તેમના વતનથી પરત આવ્યા નથી. આથી ઊભા પાકની કાપણી કરવા માટે પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મજૂરો મળતા નથી. જે લોકોએ વહેલી વાવણી કરી હતી તેમનો કાપેલો પાક પણ હજુ ખેતરમાં છે. તાઉ-તે વાવાઝોડું આ તમામને નુકસાન પહોંચાડશે. સૌથી વધુ નુકસાન તલ અને બાજરીના પાકમાં થવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.