તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લાઈમેટ ચેન્જ છે વિલન:જળવાયુ પરિવર્તનથી ચક્રવાતો વધુ બની રહ્યા છે આક્રમક, દસ વર્ષે 8%ના દરે વધે છે તેની તાકાત

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
છેલ્લા ચાર વર્ષોથી ચક્રવાતો એક પછી એક સર્જાતા રહ્યા છે અને જાનમાલની ખુવારી કરતા રહ્યા છે. - Divya Bhaskar
છેલ્લા ચાર વર્ષોથી ચક્રવાતો એક પછી એક સર્જાતા રહ્યા છે અને જાનમાલની ખુવારી કરતા રહ્યા છે.
  • ચક્રવાતોમાં જાનમાલને મોટી ક્ષતિ પહોંચાડવાની જ નહીં પણ મજબૂત અર્થવ્યવસ્થાને પણ હચમચાવી દેવાની તોતિંગ તાકાત છે

અરબી સમુદ્રમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન તાઉતે અનુકૂળ મોસમી પરિબળોના કારણે સતત મજબૂત અને આક્રમક બની રહ્યું છે અને તે ગુજરાત પર ત્રાટક્યું છે. મંગળવારે રાતે ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે તાઉતે ત્રાટક્યું. તાઉતેને કારણે છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમી તટ પર જોરદાર સૂસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવે મૂસળધાર વરસાદ પણ વરસી રહ્યો છે. ગુજરાત ઉપરાંત કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે ઝાડ ધરાશયી થયા છે અને ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થયા હતા. છેલ્લા ચાર વર્ષોથી ચક્રવાતો એક પછી એક સર્જાતા રહ્યા છે અને જાનમાલની ખુવારી કરતા રહ્યા છે. આવા સંજોગોમાં જે દેશ પર તેનું આક્રમણ થયું હોય ત્યાં જાનમાલની હાનિ સાથે આર્થિક પાયમાલી માટે પણ તે કારણભૂત બને છે. આર્થિક સ્તરે ચક્રવાતો લાંબા ગાળાની અસરો છોડી જતા હોય છે.

અર્થવ્યવસ્થા પર પણ વધી રહ્યું છે સંકટ
ચક્રવાતોની અર્થવ્યવસ્થા પર ગંભીર અસર પડે છે. વર્લ્ડ મિટિઓરોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (WMO)ના અનુસાર, ગત વર્ષે મે મહિનામાં ભારત અને બાંગ્લાદેશ સરહદે પર આવેલા અમ્ફાન તોફાનના કારણે બંને દેશોમાં લગભગ 130 લોકોનાં મોત થયા હતા અને કુલ 50 લાખ લોકોને વિસ્થાપિત થવું પડ્યું હતું. WMOનાં અંદાજ પ્રમાણે તેનાથી કુલ 1400 કરોડ ડોલર એટલે કે લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું.

ભારતીય તટરેખા લગભગ 7500 કિમી લાંબી છે અને દેશમાં લગભગ 70 કાંઠાળ જિલ્લા છે. ત્યાં રહેતા 25 કરોડ લોકો પર ચક્રવાતોનો પ્રહાર થાય છે. ઉત્તમ ટેકનોલોજી અને પૂર્વ ચેતવણીની સિસ્ટમ હોવાથી કાંઠાળ વિસ્તારમાં રહેતા લોકોના જીવ બચાવી શકાય છે પરંતુ અહીં રહેતા લોકોની આર્થિક ક્ષતિ મોટાપાયે થતી હોય છે. આ ડર ખાસ કરીને પશ્ચિમી તટ પર વધુ છે જ્યાં તટરેખા પર ગીચ વસતી છે. કેરળ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં લોકોનાં ઘર અને કામ ધંધા કાંઠાળ વિસ્તારો પર છે. માછીમારો અને ખેડૂતો ઉપરાંત પ્રવાસન સાથે સંકળાયેલા વેપારીઓ પર સંકટ વધતુ રહે તો દેશની અર્થવ્યવસ્થાને મોટો ધક્કો પહોંચી શકે છે.

ચક્રવાતી તોફાનો વધી રહ્યા છે
ભારતમાં ચક્રવાતી તોફાન મોટાભાગે મે અને ઓક્ટોબર દરમિયાન આવે છે. મોટાભાગે ચક્રવાત બંગાળની ખાડીમાં સર્જાય છે અને પૂર્વીય તટરેખા પર તેની અસર જોવા મળે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ ઉપરાંત તમિલનાડુમાં આ ચક્રવાતોનો પ્રહાર જોવા મળે છે. વર્ષ 1999માં ઓડિશામાં આવેલા સુપર સાયક્લોન ઉપરાંત આઈલા, પાઈલિન, હુડહુડ, ગજ, તિતલી અને ફાની જેવા તોફાન છેલ્લા 20 વર્ષમાં બંગાળની ખાડીમાં સર્જાયા.

પરંતુ હવે અરબી સમુદ્રમાં સતત ચક્રવાતી તોફાનોનો સિલસિલો વધી રહ્યો છે. તેની સંખ્યા તો વધી રહી છે પણ સાથે સાથે તેની તાકાત પણ વધી રહી છે. હાલનું અતિ શક્તિશાળી તોફાન બની રહ્યું છે તાઉતે. છેલ્લા બે દાયકાના સૌથી શક્તિશાળી તોફાનોમાંનું એક છે. અગાઉ 2007માં દોનું અને 2019માં ક્યાર નામના બે સુપર સાયક્લોન અરબી સમુદ્રમાં જ સર્જાયા હતા પરંતુ બંને જ સમુદ્રતટથી દૂર રહ્યા હતા. આ રીતે 2017માં ઓખી સાયક્લોન સમુદ્રમાં જ રહ્યું પરંતુ તો પણ લગભગ 250 લોકોનાં જીવ તેણે લીધા હતા.

પૂણે સ્થિત ભારતીય હવામાન વિભાગના હિસાબે છેલ્લા એક દાયકામાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાનારા ચક્રવાતી તોફાનોની સંખ્યામાં 11 %નો વધારો થયો છે. જ્યારે 2014 અને 2019 વચ્ચે ચક્રવાતોમાં 32 ટકાનો વધારો થયો છે.

જળવાયુ પરિવર્તનથી બદલાય છે ચક્રવાતોની પ્રકૃતિ
ચક્રવાતોની સંખ્યા અને તેની મારક ક્ષમતા વધવા પાછળ ગ્લોબલ વોર્મિંગ એક સ્પષ્ટ કારણ છે. હવામાન વિજ્ઞાનીઓના પ્રમાણે, જળવાયુ પરિવર્તનના કારણે સમુદ્રનું તાપમાન સમગ્ર દુનિયામાં વધી રહ્યું છે. સમુદ્ર સપાટીનું તાપમાન વધવાના કારણે ચક્રવાત વધુ શક્તિશાળી બની જાય છે. ઉદાહરણ તરીકે અરબી સમુદ્રમાં સપાટીનું તાપમાન 28-29 ડિગ્રી સુધી રહે છે પરંતુ અત્યારે તાઉતે તોફાનના સમયે એ 31 ડિગ્રી છે.