કોરોના વાઇરસ સમયાંતરે પોતાનું રૂપ બદલી રહ્યો છે તે દરેકને ખબર છે કારણ કે, શરૂઆતથી જ તેનાં લક્ષણોમાં ફેરફાર જોવાં મળી ચૂક્યાં છે. પરંતુ હવે અમેરિકામાં કોરોનાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બ્લડ કેન્સરના દર્દીમાં કોરોના 70 દિવસ જીવંત રહ્યો હતો. પરંતુ તેનાં કોઈ લક્ષણો જોવા નથી મળ્યાં. અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેશિયસ ડિસીઝ દ્વારા આ કેસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વાઇરસ એક્સપર્ટ વિન્સેન્ટ મુન્સ્ટરનું કહેવું છે કે, જ્યારે અમે આ બાબતે રિસર્ચ શરૂ કર્યું તો અમને ખબર ન હતી કે દર્દીમાં વાઇરસ કેટલા સમયથી છે.
71 વર્ષીય મહિલાનો અનેક વખત ટેસ્ટ પોઝિટિવ આવ્યો
દર્દીની ઉંમર 71 વર્ષની છે અને તે વોશિંગ્ટનના કિર્કલેન્ડની રહેવાસી છે. રોગચાળાની શરૂઆતમાં જ તે મહિલાને ચેપ લાગ્યો હતો. ઘણી વખત દર્દીએ RT-PCR ટેસ્ટ પણ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જર્નલ સેલમાં પબ્લિશ થયેલી કેસ સ્ટડીમાં જણાવ્યા પ્રમાણે, માણસમાં કોરોના લાંબા સમય સુધી કેવી રીતે જીવંત રહી શકે છે તે સ્પષ્ટ રીતે સમજી શકાયું નથી.
બ્લડ કેન્સરના કારણે ઇમ્યુન સિસ્ટમ નબળી હતી
વાઇરસ એક્સપર્ટ વિન્સેન્ટના જણાવ્યા અનુસાર, બ્લડ કેન્સરને કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી ગઈ હતી. તેમ છતાં કોવિડ-19નાં લક્ષણો જોવાં નહોતાં મળ્યાં. દર્દી એનિમિયા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. હોસ્પિટલમાં રેગ્યુલર કોવિડ ટેસ્ટ માટે નાકમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન આ ચોંકાવનારી બાબત જાણવા મળી હતી. દર્દીનો પ્રથમ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનામાં લગભગ 70 દિવસ સુધી કોરોના સ્પષ્ટપણે જીવંત રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ કારણોસર લક્ષણો ન દેખાયાં
વિન્સેન્ટનું કહેવું છે કે, દર્દી લાંબા સમય સુધી ચેપગ્રસ્ત રહી હતી કારણ કે, ઇમ્યુન સિસ્ટમે વાઇરસનો ચેપ લાગ્યા બાદ ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે મહિલાના શરીરમાં ક્યારેય એન્ટિબોડીઝનું બની પણ નથી. કોરોનામાંથી રિકવર થયા બાદ તેના સ્વાસ્થ્ય પર થોડી પણ અવળી અસર જોવા નથી મળી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.