જો દર્દીના ફેફસાં સાજા થઈ જતા હોય તો ડોક્ટર ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ટાળતા હોય છે. જે દર્દીના ફેફસાં ખલાસ થઈ ગયા હોય તેમની પર જ આ સર્જરી કરવામાં આવે છે. આ ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીએ એક ગંભીર ઓપરેશન કરાવવું પડે છે. તેમજ, આ સર્જરી થઈ ગયા બાદ દર્દીએ ફરીથી પોતાના પગ પર ઊભા રહેવા માટે બહાદુર પણ બનવું પડે છે.
અહીં આવી જ એક બહાદુરી અને પ્રેરણાદાયક વાર્તા રજૂ કરવામાં આવી છે. શિકાગોમાં નોર્થવેસ્ટર્ન મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ થયેલી 28 વર્ષીય માયરા રામિરેઝે સાબિત કરી બતાવ્યું છે કે, કોરોનાનો ચેપ લાગ્યા પછી શરીરમાં ગમે તેટલી સમસ્યાઓ ઊભી થઈ હોય પરંતુ જુસ્સા અને હિંમતથી આ રોગને પણ હરાવી શકાય છે. માયરા કોવિડ-19ને કારણે ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવનારી અમેરિકાની પહેલી દર્દી છે. કોરોના વાઇરસનો ચેપ લાગ્યા બાદ માયરાના ફેફસાંમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ ગયું હતું અને ફેફસાં એટલાં ડેમેજ થઈ ગયાં હતાં કે તેની બચવાની આશા બહુ ઓછી હતી અને તેનું જીવન બચાવવાનો એકમાત્ર રસ્તો લંગ ટ્રાન્સપ્લાન્ટ હતો. માયરાનું જીવન બચાવવાનો પ્રયત્ન મૂળ ભારતના ડોક્ટર અંકિત ભરતે કર્યો. સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ અને તેમણે આ કોરોના પેશન્ટને નવજીવન આપ્યું. કોરોના વાઇરસ અંગે મગજમાં એવી ધારણા ઘર કરી ગઈ છે કે યુવાનોને આ રોગ થાય તો તેમણે ગભરાવવાની જરૂર નથી. પરંતુ 28 વર્ષની માયરા જ્યારે આ રોગમાં સપડાઈ ત્યારે તેને મોતના મુખમાંથી પાછી લાવવામાં આવી છે, જે ખરેખર દરેક યુવાનની આંખ ખોલે એવો કિસ્સો છે.
લંગ ટ્રાન્સપ્લાન્ટ ચેપી રોગનો ઉપચાર નથી
ભારતીય મૂળના સર્જન ડો.અંકિત ભરત જે માયરાની સારવાર કરે છે તેણે જણાવતા કહ્યું કે, આ પરિવર્તનનું એક ઉદાહરણ છે. લંગ ટ્રાન્સપ્લાન્ટને ચેપી રોગનો ઉપચાર માનવામાં આવતો નથી. તેથી, લોકોએ આ બાબતથી થોડું સામાન્ય થવું પડશે. 5 જુલાઇએ તેમણે આવું જ ઓપરેશન 62 વર્ષના બીજા દર્દી બ્રાયન માટે પણ કર્યું.
બ્રાયને ટ્રાન્સપ્લાન્ટ પહેલા લાઇફ સપોર્ટ મશીન પર 100 દિવસ વિતાવ્યા હતા. હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં બ્રાયનની પત્ની નેન્સીએ જણાવ્યું કે, બીમાર પડતા પહેલા તેને કોવિડ એક છેતરપિંડી હોય એવો અનુભવ થયો હતો. બ્રાયને કહ્યું કે, મારો અનુભવ તમને એક વસ્તુ શીખવી શકે તો એ છે કે કોવિડ-19 કોઈ મજાક નથી. ડોક્ટર ભરતે જણાવ્યું કે હજી વધુ બે દર્દીઓના લંગ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવાનું છે.
ડોક્ટર માટે પણ સર્જરી પડકારરૂપ
ડોક્ટર ભરત કહે છે, કેટલાક કેસોમાં હોસ્પિટલોએ ટ્રાન્સપ્લાન્ટની ભલામણ કરતા પહેલા રાહ જોવી પડે છે. તેમના સેન્ટર પર આવેલી એક વ્યક્તિ સ્વસ્થ દેખાઈ રહી હતી. પરંતુ તેને પછી ફેફસાંમાંથી લોહી નીકળવાનું શરૂ થયું અને કિડની ફેલ થઈ ગઈ. તેથી સર્જરી શક્ય નહોતી. તેથી મને લાગે છે કે લોકોએ આ વિકલ્પ પહેલેથી માન્ય રાખવો જોઈએ અને ઓછામાં ઓછું તેના વિશે વાત કરવી જોઈએ.
ડોક્ટર ટિયાગો મચુકા જણાવે છે કે, આ અમારા ફીલ્ડમાં એકદમ નવું છે. ફિઝિશિયન્સ માટે એક દર્દી અને સમય શોધવો એક પડકાર હશે. જો દર્દી કોવિડ-19 લંગ ડિસીઝથી રિકવર થઈ શક્યો હોય અને સારું જીવન જીવી શકતો હોય તો અમે આવું નહીં કરીએ. આ ઉપરાંત, જો સર્જરી કરવાની આવી તો આવી તક પણ જતી નહીં કરીએ.
માયરા હોસ્પિટલ પહોંચી પણ અંદર ન ગઈ
બીમાર પડતાં પહેલાં માયરા ઘરેથી ઓફિસનું કામ કરતી હતી. કરિયાણાનો સામાન પણ ઘરે જ ડિલિવર કરાવી રહી હતી. તે સ્વસ્થ હતી. પરંતુ તેમને ન્યુરોમાયલિટિસ ઓપ્ટિકની સમસ્યા હતી. તેની દવા રોગપ્રતિકારક શક્તિને દબાવતી હતી. આ કારણોસર તેની પર કોરોના વાઇરસનું જોખમ વધી ગયું.
માયરા બે અઠવાડિયાંથી બીમાર હતી. આ સમય દરમિયાન તેણે કોવિડ હોટલાઇન પર પણ તેના લક્ષણો વિશે વાત કરી. એક દિવસ તે હોસ્પિટલ પણ પહોંચી પણ અંદર ન ગઈ. દાખલ થવાના વિચારથી તે ગભરાઈ ગઈ હતી અને પોતાને સ્વસ્થ થવાનું આશ્વાસન આપતી હતી.
26 એપ્રિલે માયરાને સખત તાવ આવ્યો, પારો 105 ડિગ્રી ફેરનહિટને અડી ગયો. તે એટલી નબળી પડી ગઈ હતી કે તેણે ચાલવાનો પ્રયત્ન કર્યો પણ પડી ગઈ. તેનો મિત્ર તેને હોસ્પિટલ લઈ ગયો. જ્યારે ડોકટર્સે માયરાને કહ્યું કે તેને વેન્ટિલેટર પર રાખવી પડે એમ છે તો તે કંઇ સમજી ન શકી.
માયરાએ કહ્યું કે, મને લાગ્યું કે હું અહીં થોડા દિવસ માટે જ છું અને ટૂંક સમયમાં જ મારા જીવનમાં પરત ફરીશ. તેણે વેન્ટિલેટર પર 6 અઠવાડિયાં પસાર કર્યાં અને તેને એવું મશીન લગાવવું પડ્યું જે ઓક્સિજનને સીધો બ્લડ સ્ટ્રીમ સુધી પહોંચાડે.
માયરાએ જણાવ્યું કે મને ખૂબ ભયાનક સપનાં આવી રહ્યાં હતાં. એવા સપનાં આવી રહ્યાં હતાં કે જાણે તે ડૂબી રહી છે, પરિવારના સભ્યો તેને ગુડબાય કહી રહ્યા છે અને ડોક્ટર્સ તેને કહી રહ્યા છે કે તેનું મૃત્યુ થવાનું છે.
બેક્ટેરિયા ફેફસાંને ઇજા પહોંચાડી રહ્યા હતા, ડોક્ટરે પરિવારને વિદાય કહેવા બોલાવી લીધો હતો
માયરાનો રોગ ખૂબ જ પીડાદાયક હતો. બેક્ટેરિયા અંદર જામી ગયા હતા, તે ફેફસાંને ઇજા પહોંચાડી રહ્યા હતા અને તેમાં પડેલા ખાડાઓને ખાઈ રહ્યા હતા. ફેફસાંને પહોંચેલા નુકસાનની અસર સર્ક્યુલેટ ફંક્શન પર પણ પડી, તેનાથી તેના લિવર અને હૃદયમાં સમસ્યા ઊભી થઈ. ડોક્ટર્સે તેના પરિવારને અલવિદા કહેવા માટે બોલાવી લીધો હતો. પરંતુ માયરા અડગ રહી. તેના શરીરમાંથી કોરોના વાઇરસનો નાશ કરવામાં આવ્યો અને તેને ટ્રાન્સપ્લાન્ટના લિસ્ટમાં મૂકવામાં આવી. બે દિવસ પછી 5 જૂને તેનું 10 કલાક સુધી ઓપરેશન થયું.
શરીર પર ઘા જોઇને માયરાએ કહ્યું કે, હું મારું શરીર ઓળખી નહોતી શકતી
જ્યારે માયરા જાગી ત્યારે તેના શરીર પર ઘા હતા, તેને તરસ લાગી હતી અને તે વાત નહોતી કરી શકતી. માયરા કહે છે કે, મારી અંદરથી એટલી ટ્યૂબ્સ બહાર આવી રહી હતી કે હું મારું શરીર ઓળખી ન શકી. જ્યારે નર્સે મને તારીખ પૂછી ત્યારે મેં મે મહિનાની શરૂઆતનું અનુમાન લગાવ્યું પણ તે જૂન મહિનો હતો.
ઇન્ફેક્શનના ડરને કારણે માયરાનો પરિવાર તેની મુલાકાત લઈ શક્યો નહીં. ગુરુવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માયરાએ કહ્યું કે, એકલા સમય પસાર કરવો એ સૌથી મુશ્કેલ ભાગ હતો. હું ચિંતા અને પેનિક અટેક્સનો પણ ભોગ બની. પછી નિયમો હળવા કરવામાં આવ્યા અને ત્યારબાદ તે માતા અને પુત્રીને મળી શકી.
ચાલવા, નાહવા અને ખુરશીમાંથી ઊભા થવા માટે પણ મદદ લેવી પડતી હતી
બીમાર પડ્યા પહેલાં માયરા આખો સમય જોબ કરતી હતી અને તેના બે પેટ્સ સાથે રમતી હતી. જો કે, તેને હજી પણ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હવે તે થોડું ચાલવા માટે સક્ષમ છે. પરંતુ સ્નાન કરવા અને ખુરશીમાંથી ઊભા થવા માટે પણ મદદ લેવી પડે છે. માયરા કહે છે કે તે પોતાના નવા ફેફસાંનો ઉપયોગ કરવાનું શીખી રહી છે અને દિવસેને દિવસે તેને મજબૂત બનાવી રહી છે.
માયરા પોતાની વાર્તા સંભળાવવા માગે છે અને બીજા લોકોને મદદ કરવા માગે છે
માયરા કહે છે કે, મને લાગે છે કે મારી પાસે હેતુ છે. મારો હેતુ એવા લોકોને મદદ કરશે જે લોકો આ જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાંથી હું પસાર થઈ ચૂકી છું. મારી સાથે જે થયું એ હું શેર કરીનેબીજા લોકોની મદદ કરવા માગું છું. જો આવું મારી સાથે થઈ શકે છે તો તે તમારી સાથે પણ થઈ શકે છે.
તમારી જાતને અને તમારી આસપાસના અન્ય લોકોને પણ વધુ સુરક્ષિત રાખો. તેમને પ્રોત્સાહન આપો. વિશ્વભરના અન્ય સેન્ટર્સને હું એક જ સંદેશ આપવા માગું છું કે લંગ ટ્રાન્સપ્લાન્ટ પણ કોવિડ-19ના દર્દીઓ માટે એક રસ્તો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.