કોવિડ-19ની દવાને મંજૂરી:લુપિન ફાર્માએ દેશમાં કોરોનાની દવા 'કોવિહાલ્ટ' લોન્ચ કરી, એક ટેબલેટની કિંમત 49 રૂપિયા

2 વર્ષ પહેલા
  • 'કોવિહાલ્ટ'થી કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરી શકાશે
  • કંપનીના જણાવ્યા પ્રમાણે, દવાને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી આપવામાં આવી છે

દવા કંપની લુપિન ફાર્માએ બુધવારે કોવિડ-19ની દવા 'કોવિહાલ્ટ' લોન્ચ કરી દીધી છે. 'કોવિહાલ્ટ'થી કોરોનાના હળવા લક્ષણવાળા દર્દીઓની સારવાર કરી શકાશે. આ દવામાં એન્ટિ-વાઈરલ ડ્રગ ફેવિપિરાવિરનો જ ડોઝ છે. માર્કેટમાં એક ટેબલેટની કિંમત 49 રૂપિયા હશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, દવાને ઈમર્જન્સીમાં ઉપયોગ કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની તરફથી મંજૂરી મળી ગઈ છે.

200mgની 10 ગોળીની એક સ્ટ્રિપ હશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, પ્રશાસનને મદદ કરવા માટે કોવિહાલ્ટ તૈયાર કરવામાં આવી છે. એક સ્ટ્રિપમાં 200mgની 10 ગોળીઓ હશે. આ દવામાં રહેલા એન્ટિ-વાઈરલ ડ્રગ ફેવિપિરાવિરને હળવા અને મધ્યમ લક્ષણોવાળા કોરોના દર્દીઓને આપવા માટે મંજૂરી આપવામાં આવી છે.

સન ફાર્માએ ફ્લુગાર્ડ નામથી દવા લોન્ચ કરી
સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીએ હાલમાં જ કોવિડ-19 દર્દીઓ માટે ફ્લુગાર્ડ ટેબલેટ લોન્ચ કરી છે. એક ટેબલેટની કિંમત 35 રૂપિયા છે. ફ્લુગાર્ડ ટેબલેટથી દેશમાં કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવાર કરી શકાશે. આ ટેબલેટમાં ફેવિપિરાવિરનો 200mgનો ડોઝ છે. સન ફાર્મા દિલીપ સંઘવીની કંપની છે.

કંપનીનો દાવો છે કે, ફેવિપિરાવિર એક માત્ર એવી દવા છે જેને ભારતમાં એન્ટિ-વાઈરલ ટ્રીટમેન્ટ તરીકે કોવિડ-19ની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે.ફેવિપિરાવિર દવાનું ઉત્પાદન જાપાની કંપની ફુજીફિલ્મ હોલ્ડિંગ કોર્પ દ્વારા મોટાપાયે કરવામાં આવે છે. કંપની તેને એવિગન નામથી માર્કેટમાં વેચે છે, જેનો ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે થાય છે.

બીડીઆર ફાર્માએ 63 રૂપિયાવાળી બીડીફેવિ ટેબલેટ લોન્ચ કરી
દવા કંપની બીડીઆર ફાર્માસ્યુટિકલ્સએ કોરોનાના દર્દીઓ માટે ફેવિપિરાવિર ડ્રગને બીડીફેવિ નામથી લોન્ચ કરી છે. તેની એક ગોળીની કિંમત 63 રૂપિયા છે. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ધર્મેશન શાહના જણાવ્યા પ્રમાણે, દવા બનાવવા માટે DCGIએ મંજૂરી આપી છે. કંપનીની આ દવા 10 ગોળીની એક સ્ટ્રિપમાં ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...