કોરોના પીડિતોના કાનમાં ભણકારા વાગતા હોય તેવા પણ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોરોનાનાં લક્ષણોવાળા 40 ટકા દર્દીઓમાં આ સમસ્યા જોવા મળી રહી છે. કાનમાં ભણકારા વાગવાને વૈજ્ઞાનિક ભાષામાં ટિનિટસ કહેવામાં આવે છે. આ દાવો બ્રિટનમાં એંગ્લિયા રસ્કિન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં કરવામાં આવ્યો છે.
48 દેશોના કોરોના પીડિતો પર રિસર્ચ થયું
કોરોનાની અસરને સમજવા માટે અમેરિકા અને બ્રિટનના 48 દેશોમાં 3103 દર્દીઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચનું લક્ષ્ય એ સમજવાનું હતું કે, એવા કોરોના પીડિતો જે પહેલાથી જ ટિનિટસથી પીડાઈ રહ્યા છે તેમાં સંક્રમણ બાદ કાનમાં ભણકારા વાગવાની સમસ્યા વધી છે અથવા ઘટી છે. રિસર્ચમાં સામે આવ્યું કે, કોરોનાનાં કેટલાક દર્દીઓમાં સંક્રમણ થયા બાદ અવાજના ભણકારાની સમસ્યા શરૂ થઈ. જ્યારે પહેલાથી જ આ સમસ્યાથી પીડાઈ રહ્યા હતા તેમનામાં આ સમસ્યા વધારે ગંભીર જોવા મળી.
કાનમાં ભણકારા વાગવા લોન્ગ કોવિડનું લક્ષણ બની શકે છે
રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કાનમાં ભણકારા વાગવાના ટિનિટસનું આ લક્ષણ લોન્ગ કોવિડનું લક્ષણ પણ બની શકે છે. પરંતુ આવું અમુક જ કિસ્સામાં થઈ શકે છે. રિસર્ચમાં સામેલ કરવામાં આવેલા કોરોના પીડિતોનું માનવું છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ બાદ ટિનિટસની સમસ્યા વધુ ગંભીર થઈ છે.
લાઈફસ્ટાઈલમાં ફેરફારની નેગેટિવ અસર પડી
રિસર્ચમાં સામેલ 46 ટકા બ્રિટિશ દર્દીઓઓ માને છે કે, મહામારી દરમિયાન થતી બેચેની, એકલતા અને રૂટિનમાં ફેરફારના કારણે દર્દી પર નેગેટિવ અસર પડી છે. 50 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓનું કહેવું છે કે, મહામારી દરમિયાન ટિનિટસને કારણે ઘણી તકલીફ થઈ છે.
રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જે લોકો પહેલાથી જ ટિનિટસનો સામનો કરી રહ્યા હતા, તેમનામાં મહામારી દરમિયાન આ સમસ્યા વધારે ગંભીર હતી. મહામારીને કારણે ડૉક્ટરને મળી શકતા ન હોવાથી સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ હતી. તેથી લોકોમાં તણાવ વધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.