ગંધ ન આવે તે પણ કોરોનાવાઈરસના સંક્રમણનું એક લક્ષણ છે પરંતુ અમેરિકાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આવા લક્ષણોવાળા દર્દીઓમાં બીમારી ગંભીર સ્વરૂપ ધારણ કરશે નહીં. કોરોનાના બીજા દર્દીઓની સરખામણીએ તેમના પર સંક્રમણની અસર ઓછી થશે. આ દાવો અમેરિકાની કેલિફોર્નિયા સેન ડિએગો હેલ્થ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે.
હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા ઓછી છે
રિસર્ચ ટીમના હેડ અને સંશોધનકર્તા ડો. કેરલ યેનના જણાવ્યા પ્રમાણે, અગાઉના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ગંધ ન આવે તેનો અર્થ એ છે કે તમે કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં છો જેમાં પાછળથી તાવ અને થાક જેવા લક્ષણો જોવા મળે છે. તાજેતરના રિસર્ચમાં ખુલાસો થયો છે કે, આ લક્ષણ સૂચવે છે કે હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના ઓછી છે.
મહિનાથી વધારે સમય રિસર્ચ ચાલ્યું
સંશોધનકર્તા ડો. કેરલ યેનના જણાવ્યા પ્રમાણે, આવા લક્ષણો દેખાવા પર કોરોનાના હળવા લક્ષણો દેખાશે. કોરોનાના 169 દર્દીઓ પર 3 માર્ચથી લઈને 8 એપ્રિલ સુધી રિસર્ચ કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે 169માંથી માત્ર 26 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવા સંક્રમિત દર્દીએ જેમણે ગંધ ન આવતી હોવાની ફરિયાદ કરી હતી તેમને હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા 10 ગણી ઓછી હતી.
નાકમાં વાઈરસ પહોંચવા પર સુંધવાની ક્ષમતાને અસર થાય છે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આવું કેમ થાય છે તેનું કારણ સામે નથી આવ્યું પરંતુ કોરોનાવાઈરસ સૌથી પહેલાં નાક અને શ્વસનતંત્રમાં પહોંચે છે જેથી સુંધવાની ક્ષમતા પર અસર પડે છે. પરંતુ જો વાઈરસ ફેફસાં સુધી પહોંચી જાય તો સ્થિતિ ગંભીર થતા વાર નથી લાગતી.
CDCએ કોરોનાના 6 નવા લક્ષણો જાહેર કર્યા
અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે. CDCએ સંક્રમણના 6 નવા લક્ષણોની પુષ્ટિ કરી છે. તેમાં વધારે ઠંડી લાગવી, ઠંડીથી શરીરમાં કંપન, સ્નાયુઓમાં સતત દુખાવો થવો, વારંવાર માથામાં દુખાવો, ગળામાં બળતરા, ગંધ અથવા સુગંધ ન આવે જેવા લક્ષણો સામેલ છે. નિષ્ણાતોનું માનવું છે, સંક્રમણના લક્ષણોનું નવું સ્વરૂપ સામે આવ્યું છે. અગાઉ CDCએ તાવ, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફને કોરોના સંક્રમણના લક્ષણ ગણાવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.