• Gujarati News
  • Coronavirus
  • Corona Can Occur Even If Both Doses Of The Vaccine Are Taken But The Risk Of Severe Symptoms Is Reduced By Up To 100%; The Transition Does Not Even Lead To Death

ભાસ્કર નોલેજ સીરિઝ:વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો પણ કોરોના થઇ શકે છે પણ ગંભીર લક્ષણોનું જોખમ 100% સુધી ઓછું; સંક્રમણથી મોત પણ નહીં થાય

ઇન્દોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રસીનો બીજો ડોઝ લીધાના 15-20 દિવસ પછી જ પર્યાપ્ત એન્ટિબોડી બને છે
  • હજુ માત્ર 1થી 1.5% વસતીને બંને ડોઝ અપાયા છે, 70% વસતીને રસી અપાય તો હર્ડ ઇમ્યુનિટી શક્ય

વેક્સિનેશન સંબંધી તમામ ભીતિઓ અને સવાલો અંગે ભાસ્કર જૂથના રવીન્દ્ર ભજનીએ ઇન્દોર સ્થિત મહાત્મા ગાંધી મેમોરિયલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડૉ. વી. પી. પાન્ડે અને શેલ્બી ગ્રૂપ ઑફ હોસ્પિટલ્સના કન્સલ્ટિંગ ફિઝિશિયન ડૉ. અજય પરીખ સાથે વાત કરી. નિષ્ણાતો શું કહે છે તે જાણો...

સવાલ: વેક્સિન કોરોનાને સંપૂર્ણપણે રોકશે કે કોરોના થાય તો તેની અસર ઘટાડશે?
ડૉ. અજય પરીખ:
વેક્સિન કોરોના થાય તો તેની અસર ઘટાડશે. રસી એક શીલ્ડ (કવચ) છે કે જેનાથી કોરોના શરદી બનીને રહી જશે.

ડૉ. વી. પી. પાન્ડે: વેક્સિનની અસરકારકતા 84%થી 91% સુધીની જણાવાય છે. એટલે કે તેનાથી 84%થી 91% લોકોમાં સંક્રમણ નહીં થાય. મતલબ કે બાકીના 16%થી 9%ને સંક્રમણ થઇ શકે છે. સંશોધનો મુજબ રોગની ગંભીરતા ઘટાડવામાં રસી 100% જેટલી અસરકારક છે. કોરોનાથી મૃત્યુ 100% રોકી શકે છે.

સવાલ: પહેલો ડોઝ લીધા પછી કોરોના કેમ થઇ રહ્યો છે?
ડૉ. પરીખ:
વેક્સિનનો પહેલો ડોઝ લઇએ છીએ તો તે શરીરને જણાવે છે કે આ વાઇરસ છે, જે તમને ઇન્ફેક્ટ કરી શકે છે. ત્યારે શરીર તેની સામે લડવાની ક્ષમતા જાતે જ વિકસિત કરી લે છે. પહેલો ડોઝ પણ 2-4 અઠવાડિયામાં અમુક ટકા જેટલી એન્ટિબૉડી બનાવી લે છે, જે વેક્સિન પ્રમાણે 50થી 70% હોય છે.
ડૉ. પાન્ડે: વેક્સિનની રચના કંઇક એવી છે કે તે શરીરમાં જઇને એન્ટિબૉડી રિએક્શન શરૂ કરે છે. શરીરમાં એન્ટિબૉડી બનવામાં સમય લાગે છે. એવું નથી કે આજે રસી લીધી અને સાંજથી ઇન્ફેક્શન નહીં થાય. હાલ કોરોના ખૂબ ચેપી છે. પહેલો ડોઝ લીધાના 15-20 દિવસ બાદ એન્ટિબૉડી બનવા લાગે છે પણ તે કોરોનાને રોકી શકે તેટલી સક્ષમ નથી હોતી. એટલે જ બીજો ડોઝ અપાય છે, જેને બુસ્ટર ડોઝ કહે છે.

સવાલ: અમુક લોકોને બીજો ડોઝ લીધા પછી પણ કોરોના થઇ રહ્યો છે. આ કેવી રીતે શક્ય છે?
ડૉ. પરીખ:
આ આશ્ચર્યની બાબત નથી. એવું પણ ન વિચારવું કે વેક્સિન અસરકારક નથી. વેક્સિનનું કામ વાઇરસની અસર ઓછી કરવાનું છે. બીજો ડોઝ લીધાના 15 દિવસ બાદ વાઇરસની ગંભીર લક્ષણો પેદા કરવાની ક્ષમતા શૂન્ય થઇ જાય છે.
ડૉ. પાન્ડે: લોકો વેક્સિનના બે ડોઝ લઇ લીધા બાદ બેદરકાર રહેશે તો ચેપનો ખતરો વધશે. સારી વાત એ છે કે બીજો ડોઝ લીધાના 15 દિવસ બાદ ઇન્ફેક્શન થાય તો તે ગંભીર નહીં હોય. સંક્રમણથી મૃત્યુ તો થશે જ નહીં. ભારતમાં 21 એપ્રિલ સુધીમાં માત્ર 1થી 1.5% વસતીને જ બંને ડોઝ અપાયા છે. 70% લોકો રસી લઇ લે તે પછી હર્ડ ઇમ્યુનિટી શક્ય છે.

સવાલ: વેક્સિન લેવાના ફાયદા શું છે અને નુકસાન શું છે?
ડૉ. અજય પરીખના મતે, ફાયદો:
વેક્સિન લેવાનો ફાયદો એ છે કે કોરોના સંક્રમણ થાય તો પણ 99% દર્દીઓની ઘરે જ સારવાર થઇ શકશે. હોસ્પિટલો પર લોડ નહીં વધે. વેન્ટિલેટર કે ઓક્સિજનની જરૂર નહીં પડે. કોરોના સંક્રમણ પણ માત્ર ફ્લૂ બની રહેશે. અમેરિકાનો ડેટા દર્શાવે છે કે 24 કરોડ લોકોને વેક્સિન અપાઇ અને તેમાંથી અમુક સો લોકોએ જ કોઇ સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

નુકસાન: ખરેખર તો આમાં ફાયદા સામે નુકસાન તો કંઇ છે જ નહીં. કેટલાક લોકોમાં રસીની ગંભીર આડઅસર થઇ છે પણ તેમની સંખ્યા બહુ ઓછી છે અને ટકાવારી શૂન્યની નજીક. તેથી વધુમાં વધુ લોકોએ વેક્સિન લેવી જોઇએ.

ડૉ. વી. પી. પાન્ડેના મતે, ફાયદો: અમે એવું માનીને ચાલીએ છીએ કે 70% લોકોને વેક્સિન અપાઇ ચૂકી હશે કે બાકી લોકોને કોરોના સંક્રમણ થઇ ચૂક્યું હશે તો હર્ડ ઇમ્યુનિટી આવશે.તેનાથી જેમને સંક્રમણ નથી થયું અને જેમણે રસી નથી લીધી તેમને પણ એક પ્રકારે સુરક્ષા મળી જશે. વેક્સિનના 2 ડોઝ લીધા બાદ 40થી 45 દિવસ બાદ શરીરમાં એટલી એન્ટીબૉડી બની ચૂકી હશે કે તે વાઇરસને વધવા નહીં દે, નષ્ટ કરી દેશે.

નુકસાન: કેટલાક લોકોને જુદા-જુદા કારણોથી એલર્જી થાય છે. વેક્સિનથી ઉઝરડાં પણ પડી શકે છે. અમુક લોકોને માથાનો દુખાવો થઇ શકે છે પણ આવી આડઅસર બહુ ઓછા લોકોને થાય છે. થ્રોમ્બોસિસની આશંકા રહે છે પણ અમેરિકાના જ આંકડા કહે છે કે 1 કરોડ લોકોમાંથી 6 લોકોને તકલીફ થઇ. એ પણ ગર્ભનિરોધક લેતી મહિલાઓને. લાંબા સમય સુધી ટ્રાવેલિંગ કરતા, મેદસ્વી લોકોને પણ તકલીફ થઇ શકે છે. પણ તેવા લોકોની સંખ્યા એટલી ઓછી છે કે આપણે કોઇને વેક્સિન આપવાનો ઇનકાર ન કરી શકીએ. સારી વાત એ છે કે ભારતમાં વેક્સિનથી ગંભીર આડઅસરો જોવા મળી નથી.

સવાલ: 18+ની દરેક વ્યક્તિએ રસી લેવી જ જોઇએ?
ડૉ. પરીખ:
બિલકુલ લેવી જોઇએ. ભારત એવા ગણ્યાગાંઠ્યા દેશો પૈકી એક છે કે જ્યાં આ સુવિધા 1 મેથી શરૂ થઇ રહી છે. અમેરિકાએ થોડાં દિવસ પહેલાં જ તમામ પુખ્તો માટે વેક્સિનેશન શરૂ કર્યું છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ તક મળી છે. આપણે રસી જરૂર લેવી જોઇએ.

ડૉ. પાન્ડે: અમે તો જાન્યુ.થી જ માગ કરતા હતા કે બને તેટલું જલદી તમામ પુખ્તોને રસી આપવાની જરૂર છે. યુવાનો સૌથી વધુ એક્ટિવ રહે છે. બહાર જાય છે, લોકોમાં હળે-ભળે છે. તેમને રક્ષણ મળશે તો સંક્રમણ રોકવામાં મદદ મળશે. ઇંગ્લેન્ડે 45% અને ઇઝરાયલે 58% વસતીને રસી આપી દીધી છે. આ દેશો હવે ખુલી રહ્યા છે. તેમણે કોરોના પર ઘણી હદ સુધી કાબૂ મેળવી લીધો છે, હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરી લીધી છે. આપણે ત્યાં પણ જેને પણ તક મળે તેણે વેક્સિન જરૂર લેવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...