લોન મોંઘી થશે:રેપો રેટ 0.50% વધીને 4.90% થયો; 20 વર્ષ માટેની 10 લાખની હોમ લોન પર લગભગ 300 રૂપિયા EMI વધશે

મુંબઈએક મહિનો પહેલા

વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેન્કે ફરી રેટમાં વધારો કર્યો છે. એને 4.40 ટકાથી વધારીને 4.90 ટકા કરવામાં આવ્યો છે, એટલે કે તમારી લોન મોંઘી થશે અને તમારે વધુ EMI ચૂકવવો પડશે. વ્યાજદર પર નિર્ણય માટે 6 જૂનથી મોનિટરી પોલિસી કમિટીની મીટિંગ ચાલી રહી હતી. RBIના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ-કોન્ફરન્સમાં વ્યાજદરમાં વધારાના નિર્ણયની માહિતી આપી છે.

અર્થશાસ્ત્રીઓએ રેપો રેટમાં વધારાનું અનુમાન કર્યું હતું
બ્લૂમબર્ગના સર્વેમાં સામેલ 41માંથી 17 અર્થશાસ્ત્રીએ રેપો રેટ 0.50 ટકાથી વધીને 4.9 ટકા થવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI રેપો રેટને ધીરે-ધીરે પ્રી-કોવિડ લેવલ 5.15 ટકાથી ઉપર લઈ જશે. મોનિટરી પોલિસીની મીટિંગ દર બે મહિને થાય છે. અગાઉ RBIએ 2 અને 3 મેએ ઈમર્જન્સી મીટિંગ બોલાવીને રેપો રેટને 4 ટકાથી વધારીને 4.40 ટકા કર્યો હતો. 22 મે 2020 પછી રેપો રેટમાં આ ફેરફાર થયો હતો. આ નાણાકીય વર્ષની પ્રથમ મીટિંગ 6-8 એપ્રિલે થઈ હતી.

રેપો રેટ અને EMIનું કનેક્શન
રેપો રેટ એ દર હોય છે, જેની પર RBI પાસેથી બેન્કોને લોન મળે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દરને કહે છે, જેની પર બેન્કોને RBI પૈસા જમા કરવા પર વ્યાજ આપે છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે તો બેન્ક પણ વ્યાજદર ઘટાડે છે, એટલે કે ગ્રાહકોને મળનારી લોનનો વ્યાજદર ઓછો હોય છે, સાથે જ EMI પણ ઘટે છે. આ રીતે જ્યારે રેપો રેટમાં વધારો થાય છે તો વ્યાજદરમાં વધારાને કારણે ગ્રાહક માટે લોન મોંઘી થઈ જાય છે. આવું એટલા માટે થાય છે, કારણ કે કમર્શિયલ બેન્કને કેન્દ્રીય બેન્ક પાસેથી ઊંચી કિંમતે પૈસા મળે છે, એટલે તેણે દરને વધારવા મજબૂર થવું પડે છે.

0.50% રેટ વધવાથી કેટલો ફરક પડશે? એને ઉદાહરણથી સમજીએ
માનો કે સુદર્શન નામના એક વ્યક્તિએ 6.5 ટકાના રેટ પર 20 વર્ષ માટે 10 લાખ રૂપિયાની હાઉસ લોન લીધી છે. એ લોનનો EMI 7,456 રૂપિયા છે. 20 વર્ષમાં આ દરથી 7,89,376 રૂપિયાનું વ્યાજ આપવું પડશે, એટલે કે 10 લાખના બદલે કુલ 17,89,376 રૂપિયા તેને ચૂકવવા પડશે.

સુદર્શને લોન લીધાના એક મહિના પછી RBI રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરે છે. તો એને પગલે બેન્ક પણ 0.50 ટકા વ્યાજદર વધારે છે. હવે જ્યારે સુદર્શનનો એક મિત્ર એ જ બેન્કમાં લોન માટે જાય છે તો બેન્ક તેને 6.5 ટકાની જગ્યાએ 7 ટકા રેટ ઓફ ઈન્ટરસ્ટ ઓફર કરે છે.

આશિષ અને સુદર્શન મિત્રો છે. સુદર્શનનો મિત્ર પણ 10 લાખ રૂપિયાની જ લોન 20 વર્ષ માટે લે છે, જોકે તેનો EMI 7753 રૂપિયા આવે છે, એટલે કે સુદર્શનના EMIથી 297 રૂપિયા વધુ. આ કારણે આશિષના મિત્રએ 20 વર્ષમાં કુલ 18,60,717 રૂપિયા ચૂકવવા પડશે. એ આશિષની રકમથી 71 રૂપિયા વધુ છે.

લોન અમાઉન્ટ (રૂપિયામાં)સમયગાળોવ્યાજ દર (%માં)હપ્તો(EMI રૂપિયામાં)કુલ વ્યાજ(રૂપિયામાં)ચુકવવાની થતી કુલ રકમ(રૂપિયામાં)
10 લાખ20 વર્ષ6.507,4567.89 લાખ17.89 લાખ
10 લાખ20 વર્ષ7.007,7538.60 લાખ18.60 લાખ

RBI પર દર વધારવાનું દબાણ

કેન્દ્રીય બેન્કે અગાઉ 4 મેના રોજ રેપો રેટ વધાર્યો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં દેશ-વિશ્વમાં 4 મોટા ફેરફાર થયા છેઃ 1. ચીનમાં લોકડાઉન ખુલવાથી વિશ્વમાં ક્રુડ, સ્ટીલ જેવી કોમોડિટીની માંગ વધી. 2. આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ક્રુડ બ્રેન્ટ 120 ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો. 3. બોન્ડ યીલ્ડ 2019 પછી પ્રથમ વખત 7.5 ટકા સુધી પહોંચ્યુ, 8 ટકા સુધી જવાની શક્યતા. 4. બ્રિટન અને યુરો ઝોનમાં મોંઘવારી દર 40 વર્ષના રેકોર્ડ લેવલ 8 ટકાની ઉપર નીકળી ગયો, એવામા વૈશ્વિ ક મોંઘવારી દર વધી ગયો.

મોંઘવારી વધવાથી RBI ચિંતિત
RBIની મોનિટરી પોલીસી કમિટીની ઈમરજન્સી મીટિંગ એવા સમયે થઈ છે, જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રુડથી લઈને મેટલ પ્રાઈસમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં સમગ્ર વિશ્વમાં મોંઘવારી મોટી સમસ્યા છે. મેમાં જાહેર કરવામાં આવેલા આંકડો મુજબ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ(CPI) આધારિત રિટેલ મોંઘવારી દર એપ્રિલમાં વધીને 7.79% થયો હતો. આ મોંઘવારીનું 8 વર્ષનું પીક હતું.

પહેલેથી દર વધવાનું અનુમાન હતુ
RBI ગવર્નર શક્તિકાંત દાસે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે RBI આગામી થોડી બેઠકોમાં દરો વધારશે. મેં પોતે પોતાની મિનિટ્સમાં કહ્યું છે કે મેમાં ઓફ-સાઈકલ મીટિંગના કારણોમાંથી એક એ હતું કે અમે જૂનમાં વધુ સ્ટ્રોન્ગ એક્શન ઈચ્છતા નહોતા. તેમણે એ પણ કહ્યું હતું કે રેપો રેટ્સમાં થોડો વધારો થશે, જોકે કેટલો થશે તે હાલ હું કહી શકીશ નહિ.

CRRમાં પણ 0.50%નો વધારો કર્યો હતો
મેમાં થયેલી મીટિંગમાં RBIએ કેશ રિઝર્વ રેશ્યોમાં પણ 0.50% ટકાનો વધારો કર્યો હતો. તેને વધારીને 4.5% કરવામાં આવ્યો હતો. CRR એ રકમ હોય છે, જે બેન્કોને દરેક સમયે RBIની પાસે રાખવાની હોય છે. એટલે કે સેન્ટ્રલ બેન્ક CRR વધારવાનો નિર્ણય કરે છે તો બેન્કની પાસે ડિસબર્સલ માટે ઉપલબ્ધ રકમ ઓછી થઈ જાય છે. CRRનો ઉપયોગ સિસ્ટમમાંથી લિક્વિડિટીને ઘટાડવામાં કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...