ઓક્ટોબર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, હોલસેલ પ્રાઇસ-બેસ્ડ ઇન્ફલેશન (WPI) 8.39% પર આવી ગયો છે. અગાઉ એ સપ્ટેમ્બરમાં 10.70%, ઓગસ્ટમાં 12.41% અને જુલાઈમાં 13.93% હતો, જ્યારે ગયા વર્ષે ઓક્ટોબર 2021માં WPI 13.83% હતો.
જથ્થાબંધ ફુગાવો 18 મહિના પછી સિંગલ ડિજિટમાં
સતત 18 મહિના સુધી ડબલ ડિજિટ રહ્યા પછી WPI હવે 19મા મહિને સિંગલ ડિજિટમાં નંબર આવ્યા છે. એટલું જ નહીં, માર્ચ 2021 પછી પહેલીવાર WPI સૌથી નીચે થયો છે. માર્ચ 2021માં WPI 7.89% હતો. આ સાથે WPIને કોમોડિટીના ભાવમાં ઘટાડાને લીધે મદદ મળી છે.
WPIનો સામાન્ય લોકો પર અસર
જથ્થાબંધ ફુગાવામાં લાંબા સમય સુધી વધારો થવો એ ચિંતાનો વિષય છે, જે મોટા ભાગે પ્રોડક્ટિવ સેક્ટરને અસર કરે છે. જો જથ્થાબંધ કિંમત વધારે સમય માટે ઉચ્ચ સપાટીએ રહે છે, તો પ્રોડ્યુસર એને કન્ઝયુમર્સને પહોંચાડે છે. સરકાર માત્ર ટેક્સ દ્વારા WPIને અંકુશમાં રાખી શકે છે.
જેવી રીતે, સરકારે ક્રૂડ ઓઈલમાં તીવ્ર વધારો થવાની સ્થિતિમાં ઈંધણ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જોકે સરકાર એક મર્યાદામાં ટેક્સ કાપી શકે છે, કારણ કે તેમણે પણ પગાર ચૂકવવો પડે છે. WPIમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવી ફેક્ટરી સંબંધિત વસ્તુઓનો સમાવેશ થાય છે.
ફુગાવો કેવી રીતે માપવામાં આવે છે?
ભારતમાં ફુગાવાના બે પ્રકાર છે. એક, રિટેલ એટલે કે છૂટક અને બીજો, જથ્થાબંધ ફુગાવો. છૂટક ફુગાવાનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ઓફર કરવામાં આવતી કિંમતો પર આધારિત છે. એને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે, જ્યારે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) એ કિંમતો દર્શાવે છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. આ કિંમતો જથ્થામાં કરવામાં આવેલા સોદા સાથે જોડાયેલી છે.
બંને પ્રકારના ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે જથ્થાબંધ ફુગાવામાં મેન્યુફેક્ચર્સ પ્રોડક્ટનો હિસ્સો 63.75%, ખોરાક જેવી પ્રાથમિક વસ્તુઓનો 20.02% અને ફ્યૂલ એન્ડ પાવરનો 14.23% છે. ઉપરાંત, છૂટક ફુગાવામાં ફૂડ અને પ્રોડક્ટનો હિસ્સો 45.86%, હાઉસિંગ 10.07%, કપડાં 6.53% અને ફ્યૂલ સહિત અન્ય વસ્તુઓની પણ ભાગીદારી દર્શાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.