દેશનો આર્થિક વૃદ્ધિદર આગામી નાણાકીય વર્ષ દરમિયાન 6.6% રહેવાનો અંદાજ છે. અગાઉ 2022-23 માટે આર્થિક વૃદ્ધિદરનો અંદાજ 6.9% વ્યક્ત કરવામાં આવ્યો હતો. વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે ભારતનો વિકાસદર 6.6% રહેવાની અપેક્ષા વચ્ચે પણ ભારત સાત સૌથી વિશાળ ઉભરતા માર્કેટમાં ઝડપી ગતિએ વિસ્તરણ કરશે અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં પણ ભારત મોખરે રહેશે તેવો વર્લ્ડ બેન્કે આશાવાદ વ્યક્ત કર્યો છે.
ચાલુ નાણાકીય વર્ષ માટે 6.9%ના વિકાસદરની ગત વર્ષના 8.7% સાથે તુલના કરવામાં આવી છે. જ્યારે 2024-25 માટે ગ્રોથ 6.1% રહે તેવી શક્યતા છે. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી તેમજ સતત વધતી અનિશ્વિતતાને કારણે નિકાસ પર પ્રતિકૂળ અસર થશે અને રોકાણ વૃદ્ધિને પણ અસર થશે. સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધાર્યો છે. જો કે, ખાસ કરીને ખાનગી રોકાણ તેમજ મેન્યુફેક્ચરિંગ એકમોના વિસ્તરણ પર વિશેષ ધ્યાન અપાશે.
નાણાકીય વર્ષ 2023/24 દરમિયાન ગ્રોથ ઘટીને 6.6% રહેવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2022-23ના પહેલા છ મહિના દરમિયાન GDPનું વાર્ષિક સ્તરે 9.7%ના દરે વિસ્તરણ થયું હતું. જે મજબૂત ખાનગી વપરાશ તેમજ રોકાણમાં વૃદ્ધિ દર્શાવે છે. ગત વર્ષે ફુગાવો પણ RBIના નિર્ધારિત 6 ટકાના લક્ષ્યાંક કરતા સતત 8 મહિના દરમિયાન વધુ રહ્યો હતો જેને કારણે RBIએ ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેપો રેટમાં કુલ 2.25 બેસિસ પોઇન્ટનો વધારો કરવાની ફરજ પડી હતી. દેશની વેપાર ખાધ પણ 2019થી સતત વધીને બમણી થઇ ચૂકી છે. જે નવેમ્બર દરમિયાન $24 અબજ રહી હતી.
પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ખાધ અને અન્ય કોમોડિટીની વધતી કિંમતોને કારણે વેપાર ખાધમાં વધારો થયો હતો. ભારતે ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનને અટકાવવા તેમજ એક્સચેન્જ રેટ વોલિટિલિટીને રોકવા માટે ઇન્ટરનેશનલ રિઝર્વનો ઉપયોગ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.