• Gujarati News
  • Business
  • Wholesale Inflation Fell To 12.41% From 13.93% In August, The Third Straight Month Of Decline.

મોંઘવારી 10 મહિનાની નીચી સપાટીએ:ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી 13.93%થી ઘટીને 12.41% થઈ, સતત ત્રીજા મહિને ઘટાડો

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત (WPI) મોંઘવારીમાં ઘટાડો થયો છે. તે ઘટીને 12.41% પર આવી ગઈ છે. અગાઉ જુલાઈમાં દર 13.93% અને જૂનમાં 15.18% હતો. જોકે, જથ્થાબંધ ફુગાવો સતત 16મા મહિને બે આંકડામાં રહ્યો છે. જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 10 મહિનાની નીચી સપાટીએ આવી ગયો છે. અગાઉ સપ્ટેમ્બર 2021માં WPI 13%થી ઘટીને 10.66% થઈ ગયો હતો.

ખાદ્ય મોંઘવારીનો દર ઓગસ્ટમાં 9.93% પહોંચ્યો જે જુલાઈમાં 9.41% હતો

  • શાકભાજીમાં ફુગાવો 18.25%થી વધીને 22.29% થયો.
  • બટાટાનો મોંઘવારી દર 53.50%થી ઘટીને 43.56 પર આવી ગયો છે.
  • ઈંડા, માંસ અને માછલીનો ફુગાવો 5.55%થી વધીને 7.88% થયો છે.
  • ડુંગળીનો મોંઘવારી દર -25.93થી વધીને 24.76 થયો છે.
  • ઇંધણ અને પાવર ઇન્ડેક્સ, જેમાં એલપીજી, પેટ્રોલિયમ અને ડીઝલ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે, તે 43.75%થી ઘટીને 33.67% થયો છે.

સામાન્ય માણસ પર WPIની અસર
જથ્થાબંધ મોંઘવારીમાં લાંબો સમય વધારો ચિંતાનો વિષય છે. તે મોટે ભાગે ઉત્પાદક ક્ષેત્રને અસર કરે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઉંચો રહે છે, તો ઉત્પાદકો તેને ઉપભોક્તાઓને પાસ કરે છે. સરકાર માત્ર કર દ્વારા જ WPIને નિયંત્રિત કરી શકે છે.

ઉદાહરણ તરીકે, ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારો થવાની સ્થિતિમાં, સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જો કે, સરકાર માત્ર એક મર્યાદામાં જ ટેક્સ કાપી શકે છે, કારણ કે તેણે પગાર પણ ચૂકવવો પડે છે. WPIમાં, ધાતુઓ, રસાયણો, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનને વધુ મહત્વ આપવામાં આવે છે.

છૂટક ફુગાવો 6.70%થી વધીને 7% થયો
ખાદ્યપદાર્થો, ખાસ કરીને ખાદ્યતેલ અને શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે છૂટક ફુગાવો વધ્યો છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, ગ્રાહક ભાવાંક (CPI) આધારિત છૂટક ફુગાવો ઓગસ્ટમાં વધીને 7% થયો છે. જુલાઈમાં તે 6.7% હતો. આ સતત પાંચમો મહિનો છે જ્યારે ફુગાવાનો દર RBIની 6%ની ઉપલી મર્યાદાને વટાવી ગયો છે.

મોંઘવારી કેવી રીતે માપવામાં આવે છે?
ભારતમાં મોંઘવારીના બે પ્રકાર છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી જથ્થાબંધ. છૂટક મોંઘવારીનો દર સામાન્ય ગ્રાહકો દ્વારા ઓફર કરવામાં આવતી કિંમતો પર આધારિત છે. તેને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવામાં આવે છે. જ્યારે, જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)એ કિંમતોનો ઉલ્લેખ કરે છે. જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલ કરે છે. આ કિંમતો બલ્કમાં કરવામાં આવેલા સોદા સાથે જોડાયેલી છે.

બંને પ્રકારના ફુગાવાને માપવા માટે વિવિધ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે, જથ્થાબંધ ફુગાવામાં ઉત્પાદિત ઉત્પાદનોનો હિસ્સો 63.75%, ખોરાક જેવી પ્રાથમિક વસ્તુઓનો 20.02% અને બળતણ અને શક્તિ 14.23% છે. તે જ સમયે, છૂટક ફુગાવામાં ખોરાક અને ઉત્પાદનોનો હિસ્સો 45.86%, આવાસ 10.07%, કપડાં 6.53% અને બળતણ સહિતની અન્ય વસ્તુઓનો પણ ફાળો છે.

અન્ય સમાચારો પણ છે...