ઉત્પાદક્તા પર અસર:ઘઉંનું ઉત્પાદન ઘટવાની સંભાવના સરકારે અંદાજ-ખરીદી ઘટાડી

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉનાળો વહેલો શરૂ થતાં પાકની ઉત્પાદક્તા પર અસર થતાં કેન્દ્ર સરકારે 2021-22 માટે ઘઉંના ઉત્પાદનનો અંદાજ 5.7 ટકા ઘટાડી 105 મિલિયન ટન કર્યો છે. અગાઉ 111.32 મિલિયન ટન ઘઉં ઉત્પાદિત થવાનો અંદાજ મૂક્યો હતો. ખાદ્ય સચિવ સુધાંશુ પાન્ડેએ જણાવ્યા પ્રમાણે, આ વખતે ઉનાળો વહેલો શરૂ થતાં ઘઉંના ઉત્પાદન ઘટી 105 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. અગાઉ 2020-21ના પાક વર્ષમાં 109.59 મિલિયન ટન ઘઉં ઉત્પાદિત થયા હતા.

જો કે, ઘઉંની નિકાસો પર કોઈ નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા નથી. સરકાર દ્વારા ઘઉંની ખરીદી માર્કેટિંગ વર્ષ (એપ્રિલ-માર્ચ) 2022-23માં ઘટી 19.5 મિલિયન ટન થવાની શક્યતા છે. અમુક રાજ્યોમાં ઘઉંની બજાર કિંમત લઘુત્તમ ટેકાના ભાવ કરતાં વધુ હોવાથી, તેમજ ખેડૂતો અને અમુક રાજ્યોમાં અંદાજ કરતાં નીચા ઉત્પાદનના કારણે ભાવ વધવાના આશાવાદ સાથે વેપારીઓ દ્વારા સ્ટોક વધારવામાં આવતા ઘઉંની સરકારી ખરીદી ઘટવાની સંભાવના છે.

સરકારે મફત રાશન યોજના અંતર્ગત રાજ્યોમાં ઘઉંના બદલે 55 લાખ ટન ચોખાની ફાળવણી કરી છે. કોરોના વાયરસ મહામારીના કારણે સર્જાયેલી અફરાતફરીમાં આર્થિક સહાયના ભાગરૂપે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહી છે.

જીરાના ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યા
ભારતીય રસોઈનો અનિવાર્ય હિસ્સો ગણાતા જીરાનો ભાવ પાંચ વર્ષની ટોચે પહોંચ્યા છે. ભારત જ નહિં વિશ્વભરમાં કાળા મરી બાદ જીરૂ બીજા ક્રમનો લોકપ્રિય મસાલો છે. વિશ્વનું 70 ટકા જીરૂ ભારતમાં ઉત્પાદિત થાય છે. પરંતુ કમોસમી વરસાદના કારણે વાવેતરમાં ઘટાડાને કારણે ઉત્પાદન 35 ટકાથી વધુ ઘટ્યુ છે. ઊંઝા માર્કેટમાં માર્ચમાં જીરાની આવક 60 ટકા ઘટી હતી. પરિણામે એપ્રિલમાં ભાવ 72 ટકા સુધી વધ્યા છે. મહિનામાં જ જીરાનો ભાવ 20 ટકા વધ્યો છે. માર્ચમાં જીરૂ રૂ. 175-180 પ્રતિ કિગ્રા મળતુ હતું.

અન્ય સમાચારો પણ છે...