તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Vijay Mallya Property Auction | Fugitive Businessman Vijay Mallya Mumbai's Kingfisher House Sold For Rs 52 Crore

કિંગફિશરનું ઓક્શન:વિજય માલ્યાનું 135 કરોડનું કિંગફિશર હાઉસ 52 કરોડમાં વેચાયું, હરાજી માટે 8 વાર થયા હતા પ્રયાસો

એક મહિનો પહેલા

અંતે ભાગેડુ વેપારી વિજય માલ્યાનું કિંગફિશર હાઉસ વેચાઈ ગયું છે. એને હૈદરાબાદના એક પ્રાઈવેટ ડેવલપર્સ સેટર્ન રિયલ્ટર્સે 52 કરોડ રૂપિયામાં ખરીદી લીધું છે. કિંગફિશર હાઉસને ડેટ રિકવરી ટ્રેબ્યુનલે (DRT) વેચ્યું છે. વેચાણ ભાવ એની રિઝર્વ પ્રાઈસ 135 કરોડથી લગભગ એક તૃતીયાંશ છે.

આ પ્રોપર્ટી કિંગફિશર એરલાઈન્સની હેડ ઓફિસ હતી. માલ્યાની એરલાઈન્સ કંપની હવે બંધ થઈ ગઈ છે. કંપની પર SBIના નેતૃત્વવાળી બેન્કોનું અંદાજે 10 હજાર કરોડનું દેવું છે. પ્રોપર્ટીનો એરિયા 1,586 સ્ક્વેરફૂટ છે, જ્યારે પ્લોટ 2,402 સ્ક્વેરફૂટનો છે. ઓફિસના બિલ્ડિંગના બેઝમેન્ટ, એક ગ્રાઉન્ડ ફ્લોર અને બે અપર ફ્લોર છે.

ત્રણ કંપનીએ માલ્યાના શેર્સ વેચીને વસૂલ્યા હતા 7,200 કરોડ રૂપિયા
આ પહેલાં લેણદારોએ કિંગફિશર એરલાઈન્સ પરનું દેવું 10 હજાર કરોડ રૂપિયામાંથી 7,250 કરોડની વસૂલી વિજય માલ્યાના શેર્સ વેચીને કરી હતી. 23 જૂન 2021ના રોજ થયેલી હરાજીમાં SBIની નેતૃત્વવાળી બેન્કોના યુનાઈટેડ બ્રેવરીઝ લિમિટેડ, યુનાઈટેડ સ્પિરિટ લિમિટેડ અને મેકડોનાલ્ડ હોલ્ડિંગ લિમિટેડમાં માલ્યાએ શેર વેચ્યા હતા. એમાં રિકવરી ઓફિસરે યુનાઈટેડ બ્રેવરીઝના 4.13 કરોડ, યુનાઈટેડ સ્પિરિટના 25.02 લાખ અને મેકડોનાલ્ડ હોલ્ડિંગના 22 લાખ શેર બ્લોક ડીલમાં વેચ્યા હતા.

માર્ચ 2016માં પહેલીવાર પ્રોપર્ટીની હરાજીનો પ્રયત્ન કરાયો
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિંગફિશર હાઉસને વેચવાના ઘણા પ્રયત્નો પછી પણ લેણદારોને કોઈ ખરીદનાર મળતું નહોતું. આ પહેલાં પ્રોપર્ટીની હરાજી 8 વખત નિષ્ફળ થઈ છે. લેણદારોમાં સરકારી બેન્કો સહિત નાણાકીય સંસ્થાઓ પણ સામેલ છે. કિંગફિશર હાઉસની હરાજી પહેલીવાર માર્ચ 2016માં કરવામાં આવી હતી. એમાં પ્રોપર્ટીની કિંમત- 150 કરોડ રુપિયા રિઝર્વ રાખવામાં આવ્યા હતા, પરંતુ પ્રોપર્ટીની હરાજી નિષ્ફળ ગઈ હતી.

કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ
કિંગફિશર હાઉસનું લોકેશન મુંબઈ એરપોર્ટ નજીક આવેલા વિલે પાર્લેમાં છે. રિયલ્ટી એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, આ પ્રોપર્ટીને ડેવલપ કરવાની હાલ કોઈ શક્યતા નથી, કારણ કે એ મુંબઈ એરપોર્ટના બહારના વિસ્તારમાં છે. નોંધનીય છે કે વિજય માલ્યાની એરલાઈન કંપની કિંગફિશર એરલાઈન્સ 2012માં બંધ થઈ છે. માલ્યાને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યો છે.

બ્રિટિશ કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો
26 જુલાઈએ બ્રિટનની એક કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો છે. આ આદેશની સાથે જ ભારતીય બેન્ક હવે માલ્યાની સમગ્ર દુનિયામાં આવેલી સંપત્તિને સરળતાથી જપ્ત કરી શકે છે. માલ્યા વિરુદ્ધ ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના નેતૃત્વમાં ભારતીય બેન્કોના એક ગ્રુપ દ્વારા બ્રિટિશ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. માલ્યા પાસે લંડન હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાનો પણ કોઈ મોકો બાકી વધ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...