અમેરિકામાં બેન્કિંગ સેક્ટર ક્રાઇસિસ અટકવાનુ નામ નથી લઈ રહ્યું. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંક પછી હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક પર પણ બંધ થવાનું સંકટ મંડળાઈ રહ્યું છે. છેલ્લા 5 દિવસોમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરોમાં 65.61%નો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ અઠવાડિયાની અંદર રિપબ્લિક બેંકના શેરની કિંમતમાં 74.25%નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. ગત ટ્રેડિંગ દિવસે તેનો ભાવ 19 ડોલર પ્રતિ શેરના નિચલા સ્તર સુધી પહોંચી ગયો હતો. આવી સ્થિતિમાં રોકાણકારો આ બેંકને લઈ ચિંતિત થયા છે.
મૂડીઝે ફર્સ્ટ રિપબ્લિક બેંકને અંડર રિવ્યૂમાં રાખી
રેટિંગ એજન્સી મૂડીઝ (Moody's)એ પણ જે છ અમેરિકાની બેંકોને અંડર રિવ્યૂમાં રાખી છે, તેમાં ફર્સ્ટ રિપબ્લિક બેંકનું નામ પણ સામેલ છે. ઉપરાંત રેટિંગ એજન્સીએ જિઓન્સ બેનકોર્પોરેશન, વેસ્ટર્ન એલિયન્સ બેનકોર્પ, કૉમરિકા ઇન્ક., યુએમબી ફાઇનેન્શિયલ કોર્પ અને ઇન્ટ્રસ્ટ ફાઇનેન્શિયલ કોર્પોરેશનની રેટિંગ પણ ડાઉનગ્રેડ કરતા અંડર રિવ્યૂમાં રાખી છે. અગાઉ સોમવારે મૂડીઝે સિગ્નેચર બેંકની ડેટ રેટિંગને ડાઉનગ્રેડ કરી જંક ટેરિટરીમાં નાખી દીધી હતી.
અમારી પાસે બેંક ચલાવવા માટે પૂરતી રોકડ- બેંક
ફર્સ્ટ રિપબ્લિક બેંકે પોતાના બચાવમાં જણાવ્યું કે, તેની પાસે બેંકને ચલાવવા માટે પૂરતી રોકડ છે. તેણે વધારાના રોકડ માટે ફેડ અને જેપી મૉર્ગન સાથે હાથ મિલાવ્યો છે. અગાઉ સોમવારે વેસ્ટર્ન એલાયન્સે જણાવ્યું હતું કે, બેંક પાસે 25 બિલિયન ડોલરથી વધુની રોકડ ઉપલબ્ધ છે.
સિલિકોન વેલી બેંકના પ્રશ્ન પર ઊભા થઈને ચાલ્યા ગયા હતા બાઇડેન
સિલિકોન વેલી બેંક ક્રાઇસિસ અમેરિકાની સરકાર માટે સંકટ પેદા કરી રહી છે તેવું લાગી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનને સોમવારે આ ક્રાઇસિસ પર પ્રશ્નો કરાયા હતા, તો તેમણે કોઈ જવાબ આપ્યો નહતો. આટલું જ નહીં તેઓ ઈવેન્ટમાંથી ઊભા થઈને ચાલ્યા ગયા હતા.
રાષ્ટ્રપતિ જો બાઇડન વ્હાઇટ હાઉસમાં 'લિક્વિડ બેન્કિંગ સિસ્ટમને જાળવી રાખવા અને ઐતિહાસિક આર્થિક સુધારની રક્ષા' વિષય પર સ્પીચ આપી રહ્યા હતા. સ્પીચ પૂરી થયા પછી રિપોર્ટરે રાષ્ટ્રપતિ બાઇડનને પૂછ્યું હતું કે, બેંકમાં (સિલિકોન વેલી બેંક ક્રાઇસિસ) આવુ કેમ થયું? અને શું તમે અમેરિકનોને કાતરી આપી શકો છો કે આગળ આવું નહીં થાય? પરંતુ જો બાઇડન જવાબ આપવાની જગ્યાએ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
અમેરિકાની બેન્કિંગ ક્રાઇસિસનું ભારતીય બેંકો પર કોઈ અસર નથી
અમેરિકાની બે મોટી બેંકોની નાદારીથી ભારતીય બેંકો પર તેની અસર નહીં થાય. અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ કંપની જેફરીઝ અને ફાઇનેન્શિયલ સર્વિસિસ ફર્મ મેક્વેરીએ આવો વિશ્વાસ્ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે, સ્થાનિક ડિપોઝિટ પર નિર્ભરતા, સરકારી બોન્ડમાં રોકાણ અને પૂરતી રોકડના કારણે ભારતીય બેંક મજબૂત સ્થિતિમાં છે.
કેટલાક મહિનાઓથી ભારતીય બેંક વિદેશી બેંકોની સરખામણીમાં સારું પ્રદર્શન કરી રહી છે. જેફરીઝ મુજબ, મોટાભાગની ભારતીય બેંકોએ 22-28% જ સિક્યોરિટીઝમાં રોકાણ કર્યું છે. બેંકોના સિક્યોરિટિઝ રોકાણમાં 80% ભાગીદારી સરકારી બોન્ડની છે. મોટાભાગની બેંક 72-78% મેચ્યોરિટી સુધી રાખે છે. તેનો અર્થ એ છે કે, ભાવમાં ઘટાડાની અસર તેના આ રોકાણ પર નહીં થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.