વર્ષ પહેલા સુધી ક્રિપ્ટોકરન્સી અથવા ડિજીટલ કરન્સીના માર્કેટમાં તેજીનો ઘોડો દોડી રહ્યો હતો. પરંતુ હવે તેમાં જંગી કડાકો જોવા મળ્યો છે. કેટલાક સપ્તાહ પહેલા દુનિયાના સૌથી દિગ્ગજ ક્રિપ્ટો પ્લેટફોર્મ નાદાર થતા ક્રિપ્ટોકરન્સી માર્કેટને લઇને અનેક સવાલ ઉભા થયા છે. ક્રિપ્ટો પ્લેટફોર્મ તેમજ રોકાણકારો ઉપરાંત અનેક બેન્કિંગ કંપનીઓને પણ તેને લીધે જંગી નુકસાન સહન કરવાની નોબત આવી છે. તેમાં સિલ્વર ગેટ કેપિટલ કોર્પોરેશન પણ સામેલ છે.
અમેરિકામાં દિગ્ગજ બેન્કોથી પાછળ રહેલી સિલ્વર ગેટ કેપિટલ કોર્પોરેશને એક એવા સેક્ટરમાં પર્દાપણ કરવાનું વિચાર્યું, જેમાં અન્ય બેન્ક પ્રવેશ કરવા માંગતી ન હતી. આ સેકટર હતું ક્રિપ્ટો એસેટ. સમયાંતરે આ બેન્કિંગ કંપનીએ પોતાને એક નાની બેન્કમાંથી દુનિયાના દિગ્ગજ ક્રિપ્ટો પ્લેટફોર્મને સેવા પ્રદાન કરનારી કંપનીઓમાં તબદિલ કરી. તેના ક્લાઇન્ટમાં કૉઇનબેસ ગ્લોબલ અને જેમિની ટ્રસ્ટ ઉપરાંત સેમ બેંકમેન ફ્રાઇડની કંપની FTX તેમજ અલામેડા રિસર્ચ પણ સામેલ છે.
આ દરમિયાન બધુ જ યોગ્ય રીતે ચાલી રહ્યું હતું, ડિજીટલ કરન્સીના ગ્રાહકોની ડિપોઝિટ ગત વર્ષના અંત સુધીમાં લગભગ 1400 કરોડ ડૉલર (1.15 લાખ કરોડ રૂપિયા) પર પહોંચી હતી જે તેના બે વર્ષ પૂર્વે માત્ર 120 અબજ ડૉલર (10 હજાર કરોડ રૂપિયા) હતી. નવેમ્બર 2018માં કંપનીએ નાની કંપનીઓને લોન આપવાના કારોબારને પણ વેચાણ કર્યું હતું અને સમગ્ર ધ્યાન ક્રિપ્ટોકરન્સી પર ફોકસ કર્યું હતું.
ત્યારબાદ અચાનાક ક્રિપ્ટો માર્કેટમાં મંદીનો દોર આવ્યો અને મોટા ભાગની વર્ચ્યુઅલ કરન્સીમાં કડાકો બોલી ગયો. જેને કારણે દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો એક્સચેન્જ એફટીએક્સ અને તેની સહાયક કંપનીઓએ નાદારી પ્રક્રિયા માટેની અરજી કરી. આ સંદર્ભે સિલ્વર ગેટના માધ્યમથી થયેલી લેણદેણ પર પણ સવાલો ઉઠ્યા અને તેની વિરુદ્વ તપાસ શરૂ થઇ.
સિલ્વર ગેટનો શેર18,327ના સર્વોચ્ચ સ્તરે તૂટ્યો
સિલ્વરગેટનો શેર નવેમ્બર, 2021માં 222.13 ડૉલર (રૂ.18,327)ના સર્વોચ્ચ સ્તરે હતો. હવે તેનો શેરમાં 10 ગણા કડાકા સાથે તે માત્ર 23 ડૉલર (રૂ.1,897) પર ટ્રેડ કરી રહ્યો છે. બેન્કના શેર્સની શોર્ટ સેલિંગ પણ વધી છે. સિલ્વર ગેટની વેલ્યુએશન પણ હવે તેની બુક વેલ્યૂ કરતાં અડધી થઇ ચૂકી છે. હવે આ પ્રકારની બેન્કોની ગતિવિધિઓ પર પણ સવાલ ઉભા થયા છે. કંપનીએ છેતરપિંડી તેમજ નાણાકીય અનિયમિતતા માટે કુખ્યતા ક્રિપ્ટોકરન્સી જેવા સેક્ટર માટે પણ કોઇ સ્પષ્ટ રેગ્યુલેશન ન હોવા છતાં તેમાં કારોબારનું વિસ્તરણ કર્યું અને ગ્રાહકોના પૈસા તેમાં ડૂબી ગયા.
સિગ્નેચર બેન્ક અને સિલ્વરગેટ કેપિટલનું રેટિંગ ડાઉનગ્રેડ કરાયું
FTXએ દેવાળિયું ફૂંક્યા બાદથી ડિજીટલ કરન્સીમાં એક્સપોઝર ધરાવતી સિગ્નેચર બેન્ક તેમજ સિલ્વરગેટ કેપિટલના શેર્સમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટ નિષ્ણાતોએ બંને બેન્કની સ્થિતિને જોતા સિગ્નેચર બેન્કના (SBNY) રેટિંગને -0.62% તેમજ સિલ્વરગેટ કેપિટલ (SI)ના રેટિંગને -7.11% સાથે ડાઉનગ્રેડ કર્યું છે. આ બંને કંપનીઓ પ્રત્યક્ષ રીતે ડિજીટલ કરન્સીનું વેચાણ કે ખરીદી કરતી નથી, જેને કારણે ક્રિપ્ટોની કિંમતમાં વોલેટિલિટીની ઓછી અસર હતી, પરંતુ બંને બેન્કિંગ કંપનીઓ રેગ્યુલેટેડ બેન્ક તરીકે ડિજીટલ કરન્સી વિશ્વને સેવા પ્રદાન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.