દેશમાં ગત વર્ષે ડિસેમ્બર દરમિયાન UPI મારફતે ચૂકવણીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. UPI મારફતે કુલ લેણદેણ રૂ.12.82 લાખ કરોડ સાથે સર્વોચ્ચ સ્તરે રહી હતી. વર્ષ 2016માં ડિજીટલ પેમેન્ટ માટે લોન્ચ થયેલી સેવા UPI મારફતે ડિસેમ્બર મહિના દરમિયાન 782 કરોડના ટ્રાન્ઝેક્શન નોંધાયા હતા. ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસીઝ અનુસાર દેશમાં સરકારના કેશલેસ ઇકોનોમીને વેગ આપવાના પ્રયાસો હવે સાર્થક જણાઇ રહ્યાં છે અને UPI મારફતે ડિજીટલ ક્રાંતિ જોવા મળી રહી છે.
ડિસેમ્બર, 2022 દરમિયાન $12.82 ટ્રિલિયનના કુલ $7.82 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. અગાઉ ઓક્ટોબર, 2022 દરમિયાન પણ યુપીઆઇ મારફતે લેણદેણનો આંક રૂ.12 લાખ કરોડના સિમાચિહ્નને પાર થયો હતો. નવેમ્બર દરમિયાન પણ આ ટ્રેન્ડ યથાવત્ રહેતા કુલ રૂ.11.90 લાખ કરોડની વેલ્યુએશનના 730.9 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
વર્ષ 2016થી કેશલેસ ટ્રાન્ઝેકશન્સનું એક ઓછા ખર્ચાળ માધ્યમ તરીકે મોમેન્ટમ વધી રહ્યું છે. અત્યારે દેશની 381 બેન્ક UPI મારફતે ચૂકવણીની સેવા પૂરી પાડે છે. સ્પાઇસ મનીના સ્થાપક દિલીપ મોદીએ જણાવ્યું હતું કે ગત વર્ષે વોલ્યુમ તેમજ વેલ્યુ બંને દૃષ્ટિએ UPI મારફતે લેણદેણમાં વૃદ્વિ જોવા મળી છે.
UPI યૂઝર્સને સરળતાપૂર્વક એક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરવાની તેમજ અનેકવિધ લેણદેણની સુવિધા પૂરી પાડે છે. તદુપરાંત યૂઝર્સ માટે યુપીઆઇ વધુ સલામત, સુરક્ષિત અને સરળ પણ છે .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.