કેશલેસ તરફ આગેકૂચ:UPIથી લેવડદેવડ 10.73 લાખ કરોડ ક્રોસ

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IMPS મારફતે રૂ. 4.46 લાખ કરોડની નાણાકીય લેવડદેવડ

દેશ હવે ખરા અર્થમાં કેશલેસ ઇકોનોમી તરફ આગેકૂચ કરી રહ્યો છે. એક તરફ સરકાર જ્યારે કેશલેસ ટ્રાન્ઝેક્શનને વધુને વધુ પ્રોત્સાહન આપી રહી છે ત્યારે બીજી તરફ લોકોમાં ખાસ કરીને UPI મારફતે ટ્રાન્ઝેક્શનનું ચલણ વધ્યું છે. આ વર્ષે ઓગસ્ટ મહિના દરમિયાન UPI મારફતે ડિજીટલ લેવડદેવડની વેલ્યુ રૂ. 10.73 લાખ કરોડને પાર થઇ ચૂકી છે.

આ વર્ષે જુલાઇ 2022માં UPI આધારિત ડિજીટલ ટ્રાન્ઝેક્શન વેલ્યૂ રૂ. 10.63 લાખ કરોડને આસપાસ રહી હતી. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર ઓગસ્ટ દરમિયાન કુલ 6.57 અબજની(657 કરોડ) ડિજીટલ લેવડદેવડ થઇ હતી. જે જુલાઇ દરમિયાન 6.28 અબજ (628 કરોડ) થઇ હતી.

જૂન મહિના દરમિયાન કુલ 5.86 અબજની નાણાકીય લેવડદેવડ થઇ હતી જેની વેલ્યૂ રૂ. 10.14 લાખ કરોડ હતી. યુપીઆઇ પછી IMPSના વપરાશનો પણ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ઓગસ્ટ દરમિયાન ઇન્સ્ટન્ટ ટ્રાન્સફર આધારિત IMPS મારફતે રૂ. 4.46 લાખ કરોડની નાણાકીય લેવડદેવડ થઇ હતી. જેમાં 46.69 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા.

ઓગસ્ટમાં ફાસ્ટેગ ટ્રાન્ઝેક્શન રૂ. 4,246 કરોડ
જુલાઇમાં IMPS મારફતે 46.08 કરોડના ટ્રાન્ઝેક્શન સાથે રૂ. 4.45 લાખ કરોડની વેલ્યૂ સાથેના ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે ટોલ પ્લાઝા ખાતે ઓટોમેટિક ટોલ કપાઇ તે માટે વપરાશમાં લેવાતા ફાસ્ટેગ મારફતે ઓગસ્ટમાં રૂ. 4,245 કરોડનું પેમેન્ટ થયું હતું જે જુલાઇ દરમિયાન રૂ. 4,162 કરોડ થયું હતું. ટ્રાન્ઝેક્શનની સંખ્યાની દૃષ્ટિએ ઓગસ્ટમાં 27 કરોડ જ્યારે જુલાઇમાં 26.5 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. ઓગસ્ટમાં AePS મારફતે ટ્રાન્ઝેક્શન ઓગસ્ટ દરમિયાન 10 ટકા ઘટીને રૂ. 27,186 કરોડ નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...