હોટલ ઓક્યુપન્સીમાં વૃદ્ધિ:પ્રવાસી ધસારો વધતાં ટુરિઝમ અને હોસ્પિટાલિટીમાં વેગ જોવા મળ્યો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશના મોટાભાગના હિસ્સામાં કોવિડ-19ની બીજી લહેરની અસર ધીમી પડી છે. તેમજ વેક્સિનેશનમાં તેજી આવતા ટુર એન્ડ ટ્રાવેલ્સ, હોટલ એન્ડ હોસ્પિટાલિટી સેગમેન્ટની ગતિવિધિઓમાં તેજી જોવા મળી છે. ફ્લાઈટ્સ અને મુસાફરોની સંખ્યામાં પણ માસિક ધોરણે 47 ટકા વધારો થયો છે. દેશના લગભગ દરેક શહેરમાં હોટલ ઓક્યુપન્સીમાં વૃદ્ધિ નોંધાઈ છે.

ટ્રાવેલ એન્ડ હોટલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે બિઝનેસ ટ્રાવેલ જરૂરી હોવાથી સૌ પ્રથમ તેમાં રિકવરી આવે છે. અને લોકો હરવા-ફરવા માટે સંપૂર્ણપણે નિશ્ચિત બન્યા બાદ જાય છે. પરંતુ આ વખતે પરિસ્થિતિ વિપરિત છે. પ્રવાસીય સ્થળો પર ધસારો વધ્યો છે. જેથી બિઝનેસ ટ્રાવેલની સમકક્ષ ટુરિઝમ સેગમેન્ટમાં રિકવરી થઈ રહી છે. લોકડાઉનના લીધે લાંબા સમય ઘરમાં જ રહ્યા તેમજ વર્ક ફ્રોમ હોમથી કંટાળેલા લોકો કોવિડ-19ની અસર ઘટતાં પર્યટન સ્થળોની વધુ મુલાકાત લઈ રહ્યા છે. હોટલમાં સ્ટેકેશન અને વિકેન્ડ પેકેજના લીધે ઓક્યુપન્સી રેટ વધ્યો છે.

કન્સલ્ટન્સી ફર્મ એચવીએસ એનારોકના સાઉથ એશિયા પ્રેસિડન્ટ મનદીપ સંહ લાંબાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, જૂન ત્રિમાસિકમાં ટોચના આઠ શહેરોમાં માસિક ધોરણે હોટલ ઓક્યુપન્સી રેટ મુંબઈમાં સૌથી વધુ 51-53 ટકા નોંધાયો છે. બાદમાં દિલ્હી 39-41 ટકા સાથે બીજા ક્રમે છે. વાર્ષિક ધોરણે સૌથી વધુ 20 ટકાથી પણ વધુ વૃદ્ધિ ચંદીગઢમાં નોંધાઈ છે. મુંબઈ, પુણે, હૈદરાબાદ, ચેન્નઈમાં 10-20 ટકાનો વૃદ્ધિ દર રહ્યો છે.

બે વર્ષમાં ગ્રોથ પ્રિ-કોવિડના સ્તરે પહોંચશે
મોટી બ્રાન્ડ્સ હવે ટિયર-2 ઉપરાંત ટિયર-3 અને 4 શહેરોમાં પણ હાજરી વધારી રહી છે. જો આગામી સમયમાં ત્રીજી લહેર અસરકારક નહીં રહે તો ઈન્ડસ્ટ્રી આગામી 2 વર્ષમાં પ્રિ-કોવિડના સ્તરે આવશે. > મનદીપ સિંહ લાંબા, પ્રેસિડન્ટ, સાઉથ એશિયા, એચવીએસ એનારોક

અન્ય સમાચારો પણ છે...