• Gujarati News
  • Business
  • There Will Be A Record Breaking Sale Of Houses With A 30% Increase During The Festive Season

આપણું ઘર:તહેવારોમાં 30% વધારા સાથે મકાનોનું રેકોર્ડબ્રેક વેચાણ થશે

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.61 લાખ હાઉસિંગ યુનિટ લોન્ચ થયાં, આ 5 વર્ષનો રેકોર્ડ
  • પ્રથમ છ માસિકમાં ગત વર્ષની તુલનાએ 56% વધુ મકાન બન્યાં છે

નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ(નારેડકો) અનુસાર સપ્ટેમ્બરથી ડિસેમ્બર વચ્ચે દેશભરમાં મકાનોનું બુકિંગ 30% વધવાની સંભાવના છે. દેશનાં ટોપ-8 શહેરોમાં વર્ષના પ્રથમ છ માસિકમાં કુલ 1.61 લાખ હાઉસિંગ યુનિટ લોન્ચ થયાં. તે ગત વર્ષના પ્રથમ છ માસિકની તુલનાએ 56% વધુ છે.

ગત 5 વર્ષમાં પ્રથમ છ માસિકમાં આટલી હદે હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચ થયા નહોતા. તેને જોતા આ તહેવારી સિઝનમાં મકાનોનું રેકોર્ડ વેચાણ થશે તેવી આશા બંધાઈ છે.નારેડકોના વાઈસ ચેરમેન નિરંજન હીરાનંદાણીએ કહ્યું કે એપ્રિલ-જૂનમાં પ્રોપર્ટી રજિસ્ટ્રેશનનો 10 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો. ઓગસ્ટમાં પણ રજિસ્ટ્રેશન 18% વધ્યું.

આગામી ત્રિમાસિકમાં તહેવારોને લીધે તેમાં તેજીના અણસાર છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ યશ્વિન બંગેરાએ કહ્યું કે 2020ના બીજા છ માસિકથી લઇને આ વર્ષના પ્રથમ છ માસિક સુધી મકાનોનું વેચાણ સતત વધી રહ્યું છે. આગામી મહિનાઓમાં પણ તે હજુ વધશે. ખરેખર દેશનું અર્થતંત્ર ફરી પ્રગતિના માર્ગે છે. પ્રથમ ત્રિમાસિકમાં આર્થિક વિકાસદર 13.5% રહ્યો હતો. આ રિકવરી દર્શાવે છે કે લોકોની આવક વધી રહી છે. તેની અસર હાઉસિંગ સેક્ટર પર દેખાઈ રહી છે.

મોટા આકારનાં ઘરોની ડિમાન્ડ વધી રહી છે
ઓછા ભાવવાળા નાના ઘરની સાથે સાથે મોટા આકારનાં મકાનોનું વેચાણ પણ વધી રહ્યું છે. એસ. રાહેજા રિયલ્ટીના ડિરેક્ટર રામ રાહેજાએ કહ્યું કે લોકો લાઇફસ્ટાઈલ અપગ્રેડ કરવા માગે છે. એટલા માટે 3-4 બેડરૂમવાળા એપાર્ટમેન્ટ્સની માગ વધુ આવી રહી છે. હવે એકસાથે બે ફ્લેટ માટે પણ ઈન્ક્વાયરી આવી રહી છે. એવા લોકો જે માતા-પિતાને સાથે રાખવા ઇચ્છે છે અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરવા માગે છે તેવા લોકો તરફથી આવી માગ કરાઈ રહી છે.

આગામી મહિનાઓમાં મકાનોનું વેચાણ વધવાનાં 4 મુખ્ય કારણ
1. મેથી અત્યાર સુધી રેપો રેટ ત્રણ વખત વધવા છતાં હોમ લોનના વ્યાજદરો પ્રી-કોવિડના લેવલથી નીચે યથાવત્ છે.
2. મકાનોના ભાવ લગભગ 2019ના સ્તરની નજીક છે, જેમાં વધારો થઇ શકે છે.
3. બજાર મહામારી મુક્ત બન્યું છે. નોકરીઓ, પગાર અને બિઝનેસ વધ્યાં છે.
4. 2022માં અત્યાર સુધી ઈક્વિટીએ ફક્ત 3.3%, ગોલ્ડે 3.8% રિટર્ન આપ્યું છે.

હાઉસિંગ લોન 13-15% સુધી વધવાનું અનુમાન
ક્રિસિલ રેટિંગ્સના સિનિયર ડિરેક્ટર કૃષ્ણન સીતારમણે જણાવ્યું કે મકાનોની માગ આ વર્ષે તેજીમાં રહેશે. કેમ કે મકાનોના ભાવ અને હોમ લોનના દર ધીમે ધીમે વધી રહ્યા છે. તેના લીધે હોમ લોનનો ઉપાડ 13-15% વધી શકે છે. પોષાય તેવાં મકાનો માટે લોનની માગ 18-20% વધવાની સંભાવના છે. બેન્કોનું અનુમાન છે કે હાઉસિંગ લોન લેનારાઓની સંખ્યા 20% સુધી વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...