• Gujarati News
  • Business
  • The Value Of The Country's Top Companies Increased By Rs 11 Lakh Crore, While That Of The World's Richest Fell By Rs 109 Lakh Crore

કમાણીમાં ભારત વિશ્વગુરુ:દેશની ટોચની કંપનીઓની વેલ્યૂ 11 લાખ કરોડ વધી, વિશ્વના ધનિકોની 109 લાખ કરોડ ઘટી

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના, યુક્રેન સંકટ, મોંઘવારી વચ્ચે બ્લૂમબર્ગ અને હુરુન ઇન્ડિયા રિપોર્ટ
  • અદાણી ગ્રૂપ સૌથી ઝડપી ગ્રોથ સાથે વેલ્યૂએશનમાં 88 ટકાની વૃદ્ધિ, RILનો ગ્રોથ 13.4 ટકા
  • વિશ્વની કુલ સંપત્તિનો 64 ટકા હિસ્સો ચાર દેશો પાસે જેમાં અમેરિકા,જાપાન,ચીન અને જર્મની
  • દેશની ટોચની 500 કંપનીઓની વેલ્યૂ બે ટકા વધી 232 લાખ કરોડની સપાટી કુદાવી, ટ્રેન્ડ મજબૂત

કોરોના મહામારી પૂર્ણ થતાની સાથે જ 2022માં અનેક આપત્તિઓનું સર્જન થયું છે જેમાં રશિયા-યુક્રેન યુધ્ધ, જિયો પોલિટિકલ ઇશ્યુ, સ્લોડાઉન, વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવા અને વધતા વ્યાજદર જેવી સ્થિતીમાં પણ ગુજરાતની ટોચની કંપની અદાણી જૂથે એપ્રિલ 2022 સુધીના છ મહિનામાં મૂલ્યની દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદો મેળવ્યો છે.જેમાં 88.1 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 17.6 લાખ કરોડ આંબી ગઇ હોવાનું એક અહેવાલમાં દર્શાવાયું છે. તેની સરખામણીમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મૂલ્ય 13.4 ટકા વધીને રૂ. 18.87 લાખ કરોડ સાથે તેણે બર્ગન્ડી પ્રાઈવેટ હુરુન ઈન્ડિયા 500 રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં મદદ મળી હતી.

જ્યારે વિશ્વના 500 સૌથી ધનિક લોકોની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 1.4 ટ્રિલિયન ડોલર એટલે કે રૂ.109 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ઘટાડામાં સરેરાશ 16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન માત્ર સોમવારે જ થયું હતું. તેનું કારણ ફુગાવાની ચિંતા વચ્ચે વ્યાજદરમાં સતત વધારાને કારણે શેરબજારોમાં તીવ્ર ઘટાડો થવાના કારણે હતું. મૂલ્યમાં 0.9 ટકાના ઘટાડા છતાં તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ રૂ. 12.97 લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે રહી હતી. ત્યારબાદ HDFC બેન્ક, ઇન્ફોસિસ અને ICICI બેન્ક રહી છે.

અમદાવાદ સ્થિત ગૌતમ અદાણીની આગેવાની હેઠળની કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જીનું મૂલ્યાંકન સૌથી ઝડપી 139 ટકા વધીને રૂ.4.50 લાખ કરોડ થયું છે. કંપનીએ માત્ર છ મહિના પહેલાં 16માં સ્થાનેથી છઠ્ઠા ક્રમે પહોંચી છે. અદાણી વિલ્મર લગભગ 190 ટકા વધીને રૂ. 66427 કરોડ અને અદાણી પાવરે 157.8 ટકાની વૃદ્ધિ સાથે રૂ.66,185 કરોડ નોંધાવ્યા હતા. અહેવાલમાં દર્શાવ્યા મુજબ અદાણી જૂથની નવ કંપનીઓએ મળીને તેમના મૂલ્યમાં 88.1 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 17.6 લાખ કરોડ અને ટોચની 500 કંપનીઓમાં 7.6 ટકા હિસ્સો ધરાવે છે.

ભારતમાં ટોચની 500 કંપનીઓનું મૂલ્ય 30 ઓક્ટોબર 2021ના રોજ રૂ. 221 લાખ કરોડથી 2 ટકા વધીને રૂ. 232 લાખ કરોડ થયું છે.નજીવી વૃદ્ધિ છતાં યાદીમાંની કંપનીઓ જે બિન-રાજ્યની માલિકીની કંપનીઓનું સંકલન કરે છે તેણે બીએસઇ સેન્સેક્સ તથા નાસ્ડેક કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું.

અનલિસ્ટેડ કંપનીઓમાં, નેશનલ સ્ટોક એક્સચેન્જે તેના મૂલ્યાંકનમાં 35.6 ટકાના વૃદ્ધિ સાથે રૂ. 2.28 લાખ કરોડની આગેવાની લીધી હતી અને બાયજુએ 24.7 ટકાના ઉછાળા સાથે રૂ. 1.68 લાખ કરોડનો ગ્રોથ હાંસલ કર્યો છે. વેલ્યુએશનમાં 313.9 ટકાની વૃદ્ધિ સાથે વેદાંત ફેશન્સ દ્વારા સૌથી વધુ ફાયદો થયો હતો, ત્યારબાદ અદાણી વિલ્મર અને બિલડેસ્કનો 172.9 ટકાનો વધારો થયો હતો, એમ તેણે જણાવ્યું હતું.

ભારતીય ઉદ્યોગસાહસિક ગૌતમ અદાણી આ મામલે મોખરે હતા. તેમની સંપત્તિ વિશ્વના કોઈપણ અબજોપતિ કરતાં વધુ વધી હતી. વિશ્વના સૌથી ઘનિક અમેરિકા,જાપાન,ચીન અને જર્મનીમાં રહે છે. તેમાં પણ સમગ્ર વિશ્વના અબજોપતિઓની કુલ સંપત્તિના લગભગ 64% ભાગ માત્ર ચાર દેશો પાસે છે.

આ કંપનીના મુલ્યાંકન ઘટ્યાં
જે કંપનીઓના મૂલ્યાંકનમાં ઘટાડો થયો હતો અને રેન્કિંગમાં ઘટાડો થયો હતો તેમાં યોગ એક્સપોનન્ટ રામદેવ સંચાલિત પતંજલિ આયુર્વેદનું મૂલ્ય 17.9 ટકા ઘટીને રૂ. 23,000 કરોડ રહ્યું હતું અને તે 34મા સ્થાનેથી 184માં સ્થાને પહોંચી છે. ICICI-HDFC બેન્કે મૂલ્યમાં ઘટાડાનું વલણ દર્શાવ્યું હતું જેમાં બીજા સૌથી મોટા ધિરાણકર્તાએ ઘટાડો 3.9% સુધી મર્યાદિત રાખ્યો હતો.

મુંબઇ 159 કંપની સાથે ટોચ પર
ટોપ-500 વેલ્યુએશન લિસ્ટમાં સ્થાન મેળવનાર મહારાષ્ટ્રમાં મુંબઇ ટોચના સ્થાને રહ્યું છે. 159 કંપનીઓએ 500 લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે ત્યારબાદ બેંગલુરૂની 59 અને ગુરુગ્રામની 38 કંપનીઓનો સમાવેશ થાય છે. 500 લિસ્ટમાં સ્થાન મેળવવા માટે કંપનીનું ઓછામાં ઓછું વેલ્યુએશન રૂ. 5800 કરોડ અથવા 760 મિલિયન
ડોલરનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...