રેફ્રિજરેશન અને કોલ્ડચેઈન ઈન્ડસ્ટ્રીના સોલ્યુશન્સ અંગેના દક્ષિણ એશિયાના સૌથી મોટા પ્રદર્શન અને કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયાની પાંચમી એડિશન યોજાઇ ગઇ જેમાં ગ્લોબલ કોલ્ડચેઈન માર્કેટ વર્ષ 2020માં 4.4 અબજ ડોલરનું હતું તે વૃધ્ધિ પામીને વર્ષ 2028 સુધીમાં 15.8 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દરથી આગળ ધપી રહ્યું છે. ભારતનું કોલ્ડચેઈન બજાર વર્ષ 2022માં રૂ.1.28 લાખ કરોડનું છે તે 14.3 ટકાના એકંદર સરેરાશ વૃધ્ધિ દર સાથે વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડથી વધુ થવાની ગણતરી છે.
ભારતમાં હાલમાં 36 મિલિયન મે.ટન ક્ષમતા ધરાવતા 8200થી વધુ કોલ્ડ સ્ટોરેજ છે. આ ક્ષમતા વિશ્વમાં સૌથી મોટી ગણાય છે. અહીં એ બાબતની નોંધ લેવી જોઈએ કે ભારતે હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે, કારણ કે ભારતમાં 69,000ની જરૂરિયાત સામે 10,000 પેક હાઉસીસ છે તથા 60,000 રિફર વાહનોની જરૂરિયાત સામે 10,000 રિફર વાહનો છે.
ફળ પકાવવા માટેની ચેમ્બર્સ માત્ર 1,000 છે, જ્યારે તેની કુલ જરૂરિયાત 9,000ની છે. રેફકોલ્ડનો ઉદ્દેશ આ ઊણપ પૂરી કરીને ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવાનો છે. રેફકોલ્ડ ઈન્ડીયાનું આયોજન ઈન્ડીયન સોસાયટી ઓફ હીટીંગ, રેફ્રિજરેશન એન્ડ એરકન્ડીશનીંગ એન્જીનિયર્સે (ISHRAE) કર્યું છે.
દેશમાં કૃષિ પેદાશોનો બગાડ અટકે તે જરૂરી
ISHRAEના નેશનલ પ્રેસિડેન્ટ ચંદ્રશેખરે જણાવ્યું કે રેફ્રીજરેશન અને કોલ્ડચેઈન લોકોના રોજેરોજ જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને હેલ્થકેર, કૃષિ, હોસ્પિટાલિટી, ફાર્માસ્યુટિકલ્સ અને અન્ય ઘણાં ક્ષેત્રોમાં તેનું મહત્વનું પ્રદાન છે. એક અંદાજ મુજબ ભારતમાં રૂ.92,000 કરોડનો 69 મિલિયન ટન જેટલા અનાજનો બગાડ થઈ રહ્યો છે જે અટકે તે જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.