દેશમાં છેલ્લા ત્રણ ક્વાર્ટરથી ફુગાવાને 6 ટકાના નિર્ધારિત લક્ષ્યાંક કરતાં નીચે રાખવામાં નિષ્ફળ રહેલી RBIએ સરકારમાં અનિયંત્રિત ફુગાવાના કારણો દર્શાવતા રિપોર્ટને જમા કરાવ્યો છે. પરંતુ સરકાર RBIના ફુગાવાને કાબૂમાં રાખવામાં નિષ્ફળતાને લગતો રિપોર્ટ જાહેર નહીં કરે તેવી સ્પષ્ટતા કરી હતી.
રાજ્ય કક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે RBI એક્ટ, 1934 હેઠળની કલમ 45ZN, અને રેગ્યુલેશન 7 હેઠળ RBIએ કેન્દ્ર સરકારમાં ફુગાવાને લઇને રિપોર્ટ રજૂ કર્યો છે. RBI એક્ટ, 1934 અને અન્ય જોગવાઇઓ હેઠળ આ રિપોર્ટને જનતા વચ્ચે જાહેર કરવાની કોઇ જોગવાઇ નથી. દેશમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર, 2022 દરમિયાન સરેરાશ ફુગાવો 6 ટકાના લક્ષ્યાંક કરતાં ઉપર રહ્યો હતો. દેશમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર દરમિયાન સરેરાશ ફુગાવો 6.3 ટકા, એપ્રિલ-જૂનમાં 7.3 ટકા તેમજ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ઘટીને 7 ટકા રહ્યો હતો.
વર્ષ 2016થી મોનેટરી પોલિસી ફ્રેમવર્ક અમલી બની હતી જેમાં RBIએ સરકાર સમક્ષ સ્પષ્ટતા કરવાની રહે છે. જાન્યુઆરી 2022થી CPI આધારિત રિટેલ ફુગાવો 6 ટકાથી ઉપર નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. મે મહિનાથી RBIએ અત્યાર સુધીમાં રેપોરેટમાં 2.25 BPSનો વધારો કર્યો છે. જે સાથે કુલ રેપો રેટ 6.25 ટકા સાથે ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે.
દેશની ફોરેક્સ રિઝર્વ ઘટીને $ 532.66 અબજ
દેશની ફોરેક્સ રિઝર્વ 31 માર્ચ, 2022ના રોજ $607.31 અબજ હતી જે $74.65 અબજ ઘટીને 30 સપ્ટેમ્બર, 2022ના રોજ 532.66 અબજ ડોલર નોંધાઇ છે. વૈશ્વિક માર્કેટના માહોલને કારણે ફોરેન કરન્સી એસેટ્સના રિવેલ્યુએશન તેમજ એક્સચેન્જ રેટ વોલેટિલિટીને ઘટાડવા માટે RBIના હસ્તક્ષેપને કારણે તેમાં ઘટાડો જોવા મળ્યો છે. સુકન્યા સમૃદ્વિ યોજનાથી કુલ 31,82,568 લોકો લાભાન્વિત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.