યુપીઆઈ સહિત કેશલેસ પેમેન્ટ્સ મોડનો માર્કેટ હિસ્સો 2026 સુધીમાં 65 ટકા થવાનો આશાવાદ છે. હાલ 40 ટકા છે. છેલ્લા બે વર્ષમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ)માં ઝડપી વૃદ્ધિ વચ્ચે ડિજિટલ પેમેન્ટ ઈન્ડસ્ટ્રી 2026 સુધીમાં 10 લાખ કરોડ ડોલરની થવાની સંભાવના છે. જે હાલ 3 લાખ કરોડ ડોલરની છે.
કન્સલ્ટન્સી ફર્મ બીસીજી અને થર્ડ પાર્ટી યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડર ફોનપેના રિપોર્ટ અનુસાર, યુપીઆઈ એડોપ્શન આગામી પાંચ વર્ષમાં કુલ વસ્તીના 75 ટકા થશે. જે 2020-21માં 35 ટકા હતું. કન્સલ્ટન્સીના એમડી પ્રતિક રુંગ્તાએ જણાવ્યુ હતુ કે, દેશના 40 ટકા વેપારીઓએ યુપીઆઈ સિસ્ટમ અપનાવી છે. જે વધી 65 ટકા થશે.
2026 સુધીમાં મર્ચન્ટ પેમેન્ટ્સમાં સાત ગણો ગ્રોથ (2.5-2.7 લાખ કરોડ ડોલર) થવાનો આશાવાદ છે. હાલ તેનું માર્કેટ 0.3-0.4 લાખ કરોડ ડોલર છે. કોમર્શિયલ સેગમેન્ટમાં ઝડપી અને સરળ ડિજિટલ પેમેન્ટ સતત વધી રહ્યું છે. વધુને વધુ વેપારીઓ ડિજિટલ પેમેન્ટ અપનાવવાની સાથે આગામી સમયમાં નાના વેપારીઓ માટે ધિરાણની સુવિધા પણ ડિજિટલ ટ્રાન્જેક્શન ટ્રેઈલ દ્વારા આપવામાં આવશે.
ડિસ્કાઉન્ટ, વાઉચરથી ડિજિટલ પેમેન્ટને વેગ
વિવિધ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન્સ દ્વારા પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ, વાઉચર્સ ઓફરના કારણે ડિજિટલ પેમેન્ટ કરતાં ગ્રાહકોની સંખ્યા વધી છે. ઈકોસિસ્ટમમાં સામેલ કંપનીઓ વિવિધ પ્રોત્સાહનો મારફત ગ્રાહકોને આકર્ષી રહી છે. જેના લીધે મર્ચન્ટ એક્વિઝિશન અને ડિજિટલ પેમેન્ટને વેગ મળ્યો છે. બેન્કો પણ ડિજિટલ ટ્રાન્જેક્શન વધારવા પર પ્રેશર કરી રહી છે. કેશલેસ ટ્રાન્જેક્શન સિસ્ટમ સ્થાપિત કરવા સર્વિસ ક્વોલિટીમાં સતત સુધારો થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.