એગ્રી ટ્રેન્ડ:દેશમાં રૂનું ઉત્પાદન વધી 360.13 લાખ ગાંસડી થશે

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનિયમિત વરસાદ તેમજ માવઠાથી નુકસાન છતાં દેશમાં ઉત્પાદન વધશે, વપરાશ જળવાશે

એગ્રી કોમોડિટીમાં રૂ-કપાસનો પાક ખેડૂતો-ટ્રેડરો, નિકસકારો માટે શુકનવંતો સાબિત થયો હતો. ખેડૂતોને સિઝનના અંતમાં સારા ભાવ મળ્યા હોવાથી વાવેતર વિસ્તારમાં નજીવો વધારો નોંધાયો હતો પરંતુ દેશના મોટા ભાગના રાજ્યોમાં અનિયમિત અને ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયુ હોવા છતાં રૂનું ઉત્પાદન વધી 360.13 લાખ ગાંસડી થશે તેવો અંદાજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ દર્શાવ્યો છે.

રૂના મોટા પાકના અહેવાલો છતાં સિઝનની શરૂઆતથી જ ભાવ ઉંચી સપાટીએ ચાલી રહ્યાં છે. ગતવર્ષે રૂનો પાક 353.00 લાખ ગાંસડી રહ્યો હતો. વૈશ્વિક સ્તરે રૂની માગના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઉંચકાયા હતા જેના કારણે સ્થાનિક બજારમાં રૂના ભાવ વધીને 60000ની સપાટી ઉપર ક્વોટ થઇ રહ્યાં છે. જ્યારે કપાસના ભાવ રૂ.1500 મણદીઠ બોલાવા લાગ્યા છે.

ઉંચા ભાવના કારણે આગામી સમયગાળામાં નિકાસમાં ઘટાડાની શક્યતા રહેલી છે. કોટન એસોસિેશન ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ દેશમાંથી ગતવર્ષે રૂની નિકાસ 78.00 લાખ ગાંસડી રહી હતી જે નવી સિઝનમાં ઘટીને માત્ર 48 લાખ ગાંસડી આસપાસ જ રહી જશે તેવો અંદાજ છે.

નિકાસ વેપાર માટે ડોલર સામે રૂપિયાની રેન્જ કેવી રહે છે તેના પર પણ બજારનો આધાર રહેલો છે. કોરોના મહામારીના કારણે દેશમાં મીલોનો વપરાશ ઘટ્યો હતો પરંતુ નવી સિઝનમાં કોટન-યાર્નના ઉંચા ભાવના કારણે રૂનો વપરાશ વધે તેવા સંકેતો નહીંવત્ છે. મીલોની માગ ગતવર્ષની તુલનાએ જળવાઇ 335 લાખ ગાંસડી આસપાસ રહે તેવું અનુમાન છે.

ગારમેન્ટ-યાર્ન પર જીએસટી વધતા માગ ઘટી શકે
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ-યાર્ન તથા તૈયાર વસ્ત્રો પર જીએસટીનો દર 5 ટકાથી વધીને 12 ટકા સુધી કરી દેવામાં આવ્યો છે જેના કારણે મેન્યુફેક્ચર્સ ઇન્ડસ્ટ્રીઝ પર મોટા પાયે અસર થશે. ગ્રાહકોની માગ ઘટી શકે છે. મીલોને અસર થવાની સાથે રોજગારીમાં પણ ઘટાડો થાય તો નવાઇ નહીં. ઉદ્યોગો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે કે કોવીડમાં સૌથી વધુ ફટકો ટેક્સટાઇલ-ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને થયો હતો. ઉદ્યોગ મંદીમાંથી બહાર આવી રહ્યો હોય ત્યારે જીએસટીનો વધારાનો બોજો લાદતા મોટા પાયે અસર થશે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા પણ નાણાં મંત્રી સિતારમણ પાસે જીએસટીમાં કરવામાં આવેલો વધારો પાછો ખેચવાની રજૂઆત કરી છે. જીએસટીનો વધારો બોજ ગ્રાહકો પર પડશે. ટૂંકા ગાળામાં તૈયાર વસ્ત્રોની કિંમતોમાં વધારો થશે.

ગુજરાતમાં રૂનું ઉત્પાદન 97 લાખ ગાંસડી થઇ શકે
ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર 27 લાખ હેક્ટર આસપાસ રહ્યો હતો પરંતુ અનિમિયત વરસાદના કારણે પાકને અસર થવા ઉપરાંત ગુણવત્તાને પણ અસર પહોંચી છે. જ્યારે સિઝનના અંતમાં ભારે વરસાદ અને તાજેતરમાં થયેલા માવઠાના કારણે પાકને નુકસાની પહોંચી છે. અગ્રણી ટ્રેડરો રૂના પાકનો અંદાજ 83-85 લાખ ગાંસડી જ મુકી રહ્યાં છે. નિકાસ માગ કેવી રહે છે તેના પર બજારનું ચિત્ર નક્કી થશે.

અન્ય સમાચારો પણ છે...