હેકર્સ સે ડર લગતા હૈ...:દેશના કોર્પોરેટ સેક્ટરને બિઝનેસ ગ્રોથ કરતા સાયબર ફ્રોડનો વધુ ભય

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશની 82% કંપનીઓના મતે વર્ષ 2023માં સાયબર સિક્યોરિટી બજેટ વધશે: PwC સરવે

કોર્પોરેટ સેક્ટરમાં ટેક્નોલોજીનો વ્યાપ ઝડપભેર વધ્યો છે તે એક સારી વાત છે પરંતુ તેની સામે નુકસાનની સંભાવનાઓ પણ વધી છે. આઇઓટી, એઆઇ ટેક્નોલોજીની સાથે સાયબર ફ્રોડનો ભય કોર્પોરેટ સેક્ટરને વધુ સતાવી રહ્યો છે. ડેટા ચોરી, પ્રોડક્ટની પેટર્ન ચોરી ઉપરાંત અનેક સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યાં છે. દેશમાં હાથ ધરાયેલા એક સરવે અનુસાર 82 ટકા બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ આગામી વર્ષોમાં સાયબર સિક્યોરિટી બજેટમાં વધારો થશે તેવી ધારણા વ્યક્ત કરી હતી.

PwCના રિપોર્ટ અનુસાર આ સરવે સંસ્થાઓને અસર કરતા દરેક જોખમોને દર્શાવે છે, જેમાં ભારતીય ઉતરદાતાઓએ સાયબર હુમલો, કોવિડ-19, સ્વાસ્થ્યની કટોકટી અને ભૌગોલિક રાજકીય સંઘર્ષને ટોચના ત્રણ જોખમો ગણાવ્યા છે.

સરવે અનુસાર, 89 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે તેમની સાયબર સિક્યોરિટી ટીમે બિઝનેસ માટે રહેલા સાયબર ખતરાને શોધીને તેનાથી સંસ્થાને થનારા નુકસાનને અટકાવ્યું હતું જ્યારે વૈશ્વિક સ્તરે માત્ર 70 ટકા કંપનીઓ સાયબર હુમલાને રોકવામાં સફળ રહી હતી. તદુપરાંત ભારતની કંપનીઓમાં સાયબર સિક્યોરિટી ટીમ દ્વારા સપ્લાય ચેઇન રિસ્ક મેનેજમેન્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. આગામી 12-18 મહિનાઓમાં સાયબર સિક્યોરિટીમાં રહેલા પડકારોને માત આપવા તેમજ સાયબર સિક્યોરિટીને વધુ મજબૂત બનાવવા અંગે ટોચના અધિકારીઓનું મંતવ્ય લેવામાં આવ્યું હતું.

આ સરવેમાં 65 દેશના 3,522 ઉતરદાતાઓને આવરી લેવાયા હતા. ગ્લોબલ ડિજિટલ ટ્રસ્ટ ઇનસાઇટ સરવેમાં ભારતના 103 એક્ઝિક્યુટિવ સામેલ થયા હતા. ખાસ કરીને 1 અબજ ડોલરની રેવેન્યુ ધરાવતી 40 ટકા સંસ્થાઓ તેમજ 5 અબજ ડોલરની વાર્ષિક આવક ધરાવતી 32 ટકા સંસ્થાઓના એક્ઝિક્યુટિવે ભાગ લીધો હતો. વૈશ્વિક સ્તરે સંસ્થાઓ વર્ષ 2023માં વધુ સાયબર ખતરાઓને લઇને ચિંતિત જણાયા હતા.

UPI સંબંધિત છેતરપિંડીના કેસ ચાર ગણા વધ્યા
દેશમાં રોકડની સરખામણીએ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ટ્રાન્ઝેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) તેમાંથી સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ છે. UPI ટ્રાન્ઝેક્શન ઓક્ટોબરમાં રેકોર્ડ 12.11 લાખ કરોડને સ્પર્શી ગયું હતું. પરંતુ તેની સાથે જ છેતરપિંડીના કિસ્સાઓ પણ સતત વધી રહ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP)ના અહેવાલ અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં UPI-સંબંધિત છેતરપિંડીની ફરિયાદો વધીને 84,145 થઈ ગઈ છે. તેની સરખામણીમાં ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં UPI સંબંધિત અપરાધોની 18,864 ફરિયાદો નોંધાઈ હતી. આ અર્થમાં, આ કેસમાં 346% એટલે કે લગભગ સાડા ચાર ગણો વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...