દેશમાં એપ્રિલ-જૂનમાં ગ્રોથ ખાનગી વપરાશ, ગ્રામ્ય વિસ્તારમાં માંગમાં રિકવરી અને મેન્યુફેક્ચરિંગ ગતિવિધિમાં વૃદ્ધિને આધારિત રહેશે. RBIના એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક અર્થતંત્ર ધીમા ગ્રોથ અને ઉચ્ચ ફુગાવાની વચ્ચે છે અને વૈશ્વિક ફાઇનાન્સિયલ માર્કેટમાં એક અસ્વસ્થ શાંતિ પ્રવર્તે છે જે બેન્કિંગ નિયામકો તરફથી વધુ પગલાં તરફના સંકેત આપે છે. એપ્રિલ અને મે 2023ના પહેલા છ મહિના દરમિયાન સ્થાનિક આર્થિક સ્થિતિનું મૂવમેન્ટ 2022-23ના છેલ્લા ક્વાર્ટરની માફક જળવાયેલું રહ્યું હતું.
એપ્રિલ 2023માં હેડલાઇન ફુગાવો નવેમ્બર 2021 બાદ પહેલીવાર 5 ટકા કરતા નીચે નોંધાયો હતો. કોર્પોરેટ સેક્ટરમાં આવકનું પણ મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરની આવકનું પ્રદર્શન મજબૂત નોંધાયું છે જેમાં ખાસ કરીને ક્રેડિટ ગ્રોથનો વિશેષ ફાળો રહેલો છે.
વર્ષ 2023-24ના પહેલા ક્વાર્ટર દરમિયાન ખાનગી વપરાશ, ખરીફ માર્કેટિંગ સીઝન 2022-23 અને રવી માર્કેટિંગ સિઝન 2023-24 દરમિયાન પ્રોત્સાહક પ્રદર્શન બાદ ગ્રામ્ય વિસ્તારોમાં ફરીતી માંગમાં રિકવરીનું ચિત્ર જોવા મળ્યું છે જેને કારણે પણ જીડીપી ગ્રોથને સપોર્ટ મળશે. આ લેખ RBIના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેબપાત્રાના નેતૃત્વ હેઠળ રહેલી ટીમ દ્વારા લખવામાં આવ્યો છે. RBIએ સ્પષ્ટતા કરી છે કે લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચારો એ લેખકો પોતાના છે અને તે RBIના પોતાના વિચારો નથી.
ગવર્નન્સ પર RBIએ PSUબેન્કો સાથે બેઠક કરી
RBIના ગવર્નર શક્તિકાંત દાસે જાહેર ક્ષેત્રની તમામ બેન્કોના ડાયરેક્ટર્સ સાથે ગવર્નન્સ અને નૈતિકતા અંગેના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. RBIના ડિપાર્ટમેન્ટ ઑફ સુપરવિઝન દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. દાસે પૂર્ણકાલિન અને સ્વતંત્ર એવા તમામ ડાયરેક્ટર્સને સબોંધિત કર્યા હતા અને ગવર્નન્સ, નૈતિકતા અને બેન્કોની ક્ષમતા તેમજ અન્ય પાસાઓ પર ચર્ચા કરી હતી. તદુપરાંત, ગવર્નર, ડેપ્યુટી ગવર્નર અને ડિપાર્ટમેન્ટ ઑફ રેગ્યુલેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સે પણ બેઠક દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સરકારે RBIની ભલામણ પર અનેક ધોરણો રજૂ કર્યા હતા અને જાહેર ક્ષેત્રની બેન્કોના બોર્ડને વધુ સ્વાયત્તતા પ્રદાન કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.