Paytmએ રડાવ્યા:સવારે લિસ્ટિંગની ઈવેન્ટમાં ફાઉન્ડર વિજય શેખર શર્મા રડી પડ્યા, પ્રતિ શેરે રૂ.586નું નુકસાન થતા રોકાણકારો સાંજે રડ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • લોકોએ વિજય શેખર શર્માનો રડતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો
  • અપેક્ષા કરતાં નીચે લિસ્ટિંગ થતાં લોકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો

લિસ્ટિંગ શેરીમનીમાં સંબોધન કરતા Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માની આંખમાં આંસુ આવી ગયાં હતા. ભારત ભાગ્ય વિધાતાના શબ્દોનું વિવરણ કરતાં તેઓ ભાવક થઈ ગયા હતા અને તેમણે રૂમાલ વડે આંસુ લૂછ્યાં હતાં. જોકે Paytmનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈસ કરતાં નીચી કિંમતે થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો. ​​ઉલ્લેખનીય છે કે Paytmની ઈસ્યુ પ્રાઈસ 2150 રૂપિયા નક્કી થઈ હતી. આજે શેર પ્રથમ દિવસે જ 27 ટકા તૂટીને 1564 રૂપિયાએ બંધ થયો હતો. એટલે કે રોકાણકારોને IPO પ્રાઈસની સરખામણીમાં 586 રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થયું છે.

રડવાનું કારણ જણાવ્યું
પોતાની આંખોમાંથી આંસુ લૂછતાં તેમણે ભાવુક થવાનું કારણ જણાવ્યું. તેમણે કહ્યું હતું કે જ્યારે રાષ્ટ્રગીત વાગે છે તો તેની એક લાઈન ભારત ભાગ્ય વિધાતાને સાંભળીને હું ભાવુક થઈ જઉં છું. આજે પણ મારી સાથે એ જ થયું. ભારત ભાગ્ય વિધાતા લાઈન ખબર નહીં, મારા જીવન સાથે એવી રીતે જોડાઈ છે કે જ્યારે હું એને સાંભળું છું ત્યારે મારી આંખમાંથી આંસુ આવી જાય છે.

લોકોએ વિજય શેખર શર્માનો રડતો વીડિયો પણ શેર કર્યો

આ ત્રણ કારણોસર પેટીએમના આઇપીઓનો ધબડકો થયો

  • આઇપીઓની સાઇઝ મોટી હતી અને ડિમાન્ડ નબળી. તેના કારણે દરેક રોકાણકારોને પ્રાઇમરી માર્કેટમાં જ શૅર અલોટમેન્ટ કરાયું. તેના લીધે સેકન્ડરી માર્કેટ માટે શૅર વધ્યા જ નહીં.
  • કંપનીના બિઝનેસ મૉડેલને લઈને આશંકાઓ થતી રહી છે. નોટબંધી બાદ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મોટો વધારો થયો. તેનો સૌથી મોટો ફાયદો પેટીએમને થયો. પણ કંપનીને નફો થયો નહીં.
  • ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં કાતિલ પ્રતિસ્પર્ધા છે. વૉલમાર્ટના સપોર્ટથી ચાલતી ફોનપે અને ગૂગલ પે ઉપરાંત આ બજારમાં સરકારની માલિકીની ભીમ એપ પણ છે. તેથી પેટીએમ માટે રસ્તો સહેલો નથી.

(ભાસ્કર એક્સપર્ટ : પ્રકાશ દીવાન, ડાયરેક્ટર, અલ્ટામાઉન્ટ કેપિટલ મેનેજમેન્ટ)

રોકાણકારો શું કરે?
રિટેલ રોકાણકારો માટે નુકસાન વેઠીને પેટીએમમાંથી બહાર નીકળવું બહેતર રહેશે. આ શૅર માટે રિકવરી મુશ્કેલ છે. તેમાં વર્ષો લાગી શકે છે. રોકાણકારોએ એવરેજીંગનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
આમ કરવું બીજી ભૂલ પુરવાર થઈ શકે છે.

સૌથી મોટો IPO
પેટીએમનો આઇપીઓ દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ છે. આ પહેલા કૉલ ઇન્ડિયાનો 15 હજાર કરોડ રૂપિયાનો અને રિલાયન્સ પાવરનો 11 હજાર કરોડથી વધુનો આઇપીઓ બજારમાં આવ્યો હતો. પહેલાના બન્ને આઇપીઓ એનર્જી સેક્ટરના હતા જ્યારે પેટીએમનો આઇપીઓ ટેકનોલોજી સેક્ટરની કંપનીનો છે.

યુટ્યૂબ, ટ્વિટર સહિતના માધ્યમો પર લોકોએ રોષ વ્યક્ત કર્યો
યુટયૂબ, ટ્વિટર સહિતનાં સોશિયલ મીડિયા પર લોકોએ Paytmના નીચા લિસ્ટિંગ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. લોકોએ આ અંગે કહ્યું, હવે રોકાણકારો રડી રહ્યા છે.

લિસ્ટિંગની ઈવેન્ટ લાઈવ ચાલી રહી હતી ત્યારે લોકો વીડિયોની નીચે કોમેન્ટ કરી રહ્યા હતા

રોકાણકારોને પ્રતિ શેર 350 રૂપિયાનું નુકસાન થયું
ડિજિટલ મોબાઈલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytmની પેરન્ટ કંપની વન 97 કમ્યુનિકેશનના શેરનું આજે સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર એ 1955 રૂપિયા પર, જ્યારે નેશનલ સ્ટેક એક્સચેન્જ પર 1950 રૂપિયા પર લિસ્ટ થઈ છે, એટલે કે IPO જે ભાવે આવ્યો હતો એની સરખામણીમાં એ 9 ટકા નીચે લિસ્ટ થયો છે. હાલ રોકાણકારોને પ્રતિ શેર 350 રૂપિયાનું નુકસાન થયું છે.

1805 રૂપિયા પર શેર કરી રહ્યો છે કારોબાર
જોકે પછી આ શેર 8 ટકા ઘટાડા સાથે 1805 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. તેણે 1781નો નીચલો સ્તર બનાવ્યો અને 1961 રૂપિયાનો હાઈ બનાવ્યો. એની માર્કેટ કેપ 1.16 લાખ કરોડ રૂપિયા રહી, જ્યારે લિસ્ટિંગ પહેલાં અનુમાન 1.48 લાખ કરોડ રૂપિયાનું હતું, જોકે મહત્ત્વની વાત એ છે કે આ શેર એની ઈસ્યુ પ્રાઈસને પણ ટચ ન કરી શક્યો. હાલના સમયમાં ઈસ્યુના સબ્સ્ક્રિપ્શન અને લિસ્ટિંગ, બંને મામલામાં સૌથી ખરાબ દેખાવ કરનાર આ શેર છે.

44 ટકાનો ઘટાડો આવી શકે છે
બ્રોકરેજ હાઉસ મૈક્વાયરીએ કહ્યું હતું કે Paytmના સ્ટોકમાં અહીંથી 44 ટકાનો ઘટાડો આવી શકે છે. આ શેર 1200 રૂપિયા સુધી જઈ શકે છે. એનો અર્થ એ થયો કે રોકાણકારોની આગળ પણ એમાં નુકસાન થવાની શક્યતા છે. તેણે કહ્યું હતું કે કંપનીને ફાયદામાં લાવવી એ એના માટે ખૂબ જ મોટો પડકાર છે, સાથે જ રેગ્યુલેશન અને કોમ્પિટિશન પણ એના માટે ચિંતાનો વિષય છે.

ખૂબ મોંઘું વેલ્યુએશન છે
Paytmનું વેલ્યુએશન ઘણું મોંઘું છે. તેણે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ઝડપથી ફિનટેક માટે બાય નાઉ, પે લેટર પર રેગ્યુલેશન લાવી શકે છે. આ બ્રોકરેજ હાઉસે વધુમાં કહ્યું હતું કે એની સ્થાપનાથી લઈને અત્યારસુધી Paytmએ 19 હજાર કરોડ રૂપિયાની રકમ એકત્રિત કરી છે, આ તમામ રકમ હાલ નુકસાનમાં છે.

Paytmનો 18300 કરોડ રૂપિયાનો IPO દેશનો અત્યારસુધીનો સૌથી મોટો IPO છે. કંપનીએ નવા ઈક્વિટી શેર બહાર પાડીને 8300 કરોડ રૂપિયા એકત્રિત કર્યા અને હાલના શેરહોલ્ડર્સ અને પ્રમોટરોને 10,000 કરોડ રૂપિયાના શેર વેચ્યા.

અન્ય સમાચારો પણ છે...