તાતા મોટર્સની સબસિડરી તાતા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ (TPEML) ફોર્ડના સાણંદ ખાતેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને 10 જાન્યુઆરી, 2023 સુધીમાં સંપૂર્ણપણે હસ્તગત કરશે તેવું કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે. અગાઉ TPEMLએ 7 ઓગસ્ટ, 2022ના રોજ ફોર્ડ ઇન્ડિયા પ્રા.લિ.ના સાણંદ સ્થિત પ્લાન્ટને ખરીદવા માટે યુનિટ ટ્રાન્સફર એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.આ ડીલ 10 જાન્યુઆરી સુધીમાં પૂરી કરવામાં આવશે. અગાઉ કંપનીએ ગત ઓગસ્ટમાં આ હસ્તાંતરણ અંગેની જાહેરાત કરી હતી.
આ ડીલ અંતર્ગત ભારતીય ઓટો કંપની તાતા મોટર્સ ફોર્ડ ઇન્ડિયાની એસેટ્સનું હસ્તાંતરણ કરશે, જેમાં જમીન અને બિલ્ડિંગ, મશીનરી અને ઇક્વિપમેન્ટ સાથે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સામેલ છે. તાતા મોટર્સે પોતાના નિવેદનમાં એ પણ જણાવ્યું કે આ એસેટ ટ્રાન્સફર ડીલમાં ફોર્ડ ઇન્ડિયાના સાણંદ પ્લાન્ટમાં કાર્યરત એલિજિબલ કર્મચારીઓનું ટ્રાન્સફર કરવાનું પણ સામેલ છે. આ માટે પહેલાં કેટલીક જરૂરી શરતો અને સરકારની મંજૂરી બાદ બંને કંપનીઓએ 10 જાન્યુઆરી સુધીમાં આ હસ્તાંતરણની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. FIPL મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટના દરેક એલિજિબલ કર્મચારીઓને TPEMLમાં જોબ ઓફર આપવામાં આવી છે જેમાં તેમને અત્યારની સર્વિસમાં મળતા તમામ લાભો TPEMLમાં જોડાયા બાદ પણ મળવાના ચાલુ રહેશે. FIPLના જે કર્મચારીઓએ આ ઓફરનો સ્વીકાર કર્યો છે તેઓ 10 જાન્યુઆરી, 2023થી TPEMLના કર્મચારીઓ બની જશે.
તાતા મોટર્સે જણાવ્યું હતું કે કંપનીના પેસેન્જર અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના કારોબારે છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન માર્કેટમાં મજબૂત પકડ જમાવી છે અને આગામી સમયમાં નવી પ્રોડક્સના લોન્ચિંગની યોજના તેમજ ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં રોકાણ મારફતે મજબૂત મોમેન્ટમ યથાવત્ રાખવાની યોજના ધરાવે છે. આ ડીલ અંતર્ગત ફોર્ડ પોતાના પાવર ટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંચાલન ચાલુ જ રાખશે. તેના માટે તે TPEML પાસેથી પાવરટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું બિલ્ડિંગ્સ અને જમીન ફરીથી લીઝ પર લેશે.
તાતા મોટર્સની સબસિડિયરી પાવર ટ્રેન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કામ કરતા ફોર્ડ ઇન્ડિયાના તમામ એલિજિબલ કર્મચારીઓને રોજગાર આપવા માટે સહમત થઇ છે.
અત્યારે સાણંદ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 3 લાખ યુનિટ છે. જે હવે આ ડીલ બાદ વધીને વાર્ષિક 4.2 લાખ યુનિટ્સ પર પહોંચી જશે. આ પ્લાન્ટમાં 3,043 લોકો પ્રત્યક્ષ અને લગભગ 20,000 લોકો પરોક્ષ રીતે રોજગાર મેળવે છે.
જ્યારે રતન તાતાએ ફોર્ડના માલિક સામે રિજેક્શનનો બદલો લીધો હતો
આ વાત છે 90ના દાયકાની. જ્યારે તાતા સન્સના ચેરમેન રહેલા રતન તાતાના નેતૃત્વ હેઠળ તાતા મોટર્સે પહેલી કાર તાતા ઇન્ડિકા લૉન્ચ કરી હતી. જોકે ત્યારે તાતાની કારનું વેચાણ ખૂબ જ ઓછું થયું હતું. તેમાં સતત ખોટ બાદ તાતા મોટર્સે પેસેન્જર કાર ડિવિઝનને વેચવાનો નિર્ણય લીધો હતો અને આ માટે USની કાર ઉત્પાદક કંપની ફોર્ડ મોટર્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ફોર્ડના ચેરમેન બિલ ફોર્ડે રતન તાતાની મજાક ઉડાવી હતી કે તમે કંઇ જ જાણતા નથી, તમે શા માટે પેસેન્જર કાર ડિવિઝન શું કર્યું? જો હું આ ડીલ કરું છું તો તે તમારા ઉપર મોટો ઉપકાર ગણાશે. આ અપમાન બાદ રતન તાતા શાંત રહ્યા અને કોઇની સાથે અપમાનની વાત ન કરી. ત્યારબાદ સમગ્ર ધ્યાન કંપનીના કાર ડિવિઝનને બુલંદી પર પહોંચાડવામાં લગાડ્યું હતું. તેમની મહેનત રંગ લાવી અને અંદાજે 9 વર્ષ બાદ 2008માં તાતા મોટર્સ સમગ્ર દુનિયાના માર્કેટમાં છવાઇ હતી અને કંપનીની કાર બેસ્ટ સેલિંગ કેટેગરીમાં ટોચ પર પહોંચી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.