ખાંડ ઉત્પાદનમાં ગળપણ વધ્યું:દેશમાં ખાંડનું ઉત્પાદન 24% વધીને 21 લાખ ટન આંબ્યું

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીના વધુ ઉત્પાદનને કારણે ઓક્ટોબર 1-નવેમ્બર 15 દરમિયાન દેશમાં ખાંડનું ઉત્પાદન 24 ટકા વધીને 20.9 લાખ ટન થયું છે. જ્યારે મિલોએ અત્યાર સુધીમાં 25 લાખ ટન ખાંડની નિકાસ માટે કરાર કર્યા હોવાનું ઇસ્માના અહેવાલમાં દર્શાવાયું છે. સુગર માર્કેટિંગ વર્ષ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધી ચાલે છે.

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA)એ જણાવ્યું કે ચાલુ 2021-22 સિઝનમાં 15 નવેમ્બર, 2021 સુધી ખાંડનું ઉત્પાદન 20.90 લાખ ટન થયું છે જે ગયા વર્ષે આ સમયગાળામાં 16.82 લાખ ટનનું થયું હતું. દક્ષિણ અને પશ્ચિમમાં ઘણી ખાંડ મિલોએ ચાલુ સિઝનની શરૂઆતમાં તેમની કામગીરી ઝડપથી શરૂ કરી હતી પરિણામે ઉત્પાદનમાં વધારો થયો છે.

ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં કમોસમી વરસાદને કારણે ચાલુ સિઝનમાં પિલાણની કામગીરીને અસર થઇ છે. ઉત્તર પ્રદેશમાં ઉત્પાદન 4 લાખ ટનથી ઘટીને 2.88 લાખ ટન થયું છે. જોકે,મહારાષ્ટ્રમાં ખાંડનું ઉત્પાદન 6 લાખ ટનથી વધીને 8.91 લાખ ટન, કર્ણાટકમાં વધીને 7.62 લાખ ટન થયું છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 5.66 લાખ ટન હતું.

પોર્ટની માહિતી અને બજારના અહેવાલો મુજબ, ISMAએ જણાવ્યું કે ખાંડની નિકાસ માટે અત્યાર સુધીમાં સરેરાશ 25 લાખ ટન નિકાસ કરાર કરવામાં આવ્યા છે. તેમાંથી ઓક્ટોબર 2021માં લગભગ 2.7 લાખ ટન નિકાસ થઇ ચૂકી છે,જે ગયા વર્ષના સમાન મહિનામાં 1.96 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી. 1 ઓક્ટોબર,2021 સુધીમાં 81.75 લાખ ટન ખાંડના પ્રારંભિક સ્ટોક સાથે અને અંદાજિત 305 લાખ ટન ખાંડના ઉત્પાદનની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...