ભારતે માર્કેટિંગ વર્ષ 2022-23 દરમિયાન કુલ 16.92 લાખ ટન ખાંડની નિકાસ કરી છે, જેમાંથી એકલા ચીન ખાતે 59,596 ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. ચીન ઉપરાંત ભારતે બાંગ્લાદેશમાં 1.47 લાખ ટન, શ્રીલંકામાં 82,462 ટનની (ઓક્ટોબર-જાન્યુઆરી) નિકાસ કરી છે તેવું ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશને (AISTA) જણાવ્યું હતું. ઓક્ટોબરથી સપ્ટેમ્બર દરમિયાન ખાંડનું માર્કેટિંગ વર્ષ ચાલે છે.
સરકારે માર્કેટિંગ વર્ષ 2022-23ના મે મહિના સુધીમાં 6 મિલિયન ટન સુધીની નિકાસને મંજૂરી આપી છે. મિલોએ 1 ઓક્ટોબર, 2022 થી 4 જાન્યુઆરી, 2023 સુધીમાં કુલ 16,92,751 ટન ખાંડની નિકાસ કરી છે. જ્યારે 3.47 લાખ ટન ખાંડ લોડિંગ હેઠળ છે, જ્યારે બાકીને 2.54 લાખ ટન ખાંડને રિફાઇનરીમાં મોકલવામાં આવી છે. જેની આગામી સમય દરમિયાન નિકાસ થાય તેવી સંભાવના છે.
અત્યાર સુધી થયેલી કુલ નિકાસમાં સૌથી વધુ નિકાસ સોમાલિયા ખાતે (1.70 લાખ ટન) કરવામાં આવી છે. ત્યારબાદ આ યાદીમાં UAE (1.69 લાખ ટન), દિજીબાટી (1.50 લાખ ટન) અને સુદાન (1.37 લાખ ટન) નિકાસ કરવામાં આવી હતી.
ભારતે ચાલુ માર્કેટિંગ વર્ષના 4 જાન્યુઆરી સુધીમાં મલેશિયા, ઇન્ડોનેશિયા તેમજ સાઉદી અરેબિયા ખાતે અનુક્રમે 1.36 લાખ ટન, 1.18 લાખ ટન તેમજ 1.08 લાખ ટનની નિકાસ કરી છે. માર્કેટિંગ વર્ષ 2021-22 દરમિયાન ભારતમાંથી કુલ 11.2 મિલિયન ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. માર્કેટિંગ વર્ષ 2022-23 દરમિયાન ખાંડનું કુલ અંદાજીત ઉત્પાદન 35.8 મિલિયન ટનની આસપાસ રહેવાની ધારણા AISTAએ વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.