શેરબજાર ગગડ્યું:સેન્સેક્સ 1170 અંક ઘટ્યો, નિફ્ટી 17416 પર બંધ, Paytmનો શેર વધુ 204 રૂપિયા ઘટ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, NTPC, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સમાં આજે 7 મહિના પછી મોટો ઘટાડો નોંધાયો. માર્કેટ 1,170 પોઈન્ટ ઘટીને 58,465 પર બંધ થયું. એપ્રિલ પછી એક જ દિવસમાં આ મોટો ઘટાડો નોંધાયો છે.

જો કે માર્કેટમાં છેલ્લાં 6 ટ્રેડિંગ દિવસમાં મોટો કડાકો નોંધાયો છે. 9 નવેમ્બરે 112 પોઈન્ટ્સ, 10નાં રોજ 80 પોઈન્ટ્સ, 11નાં રોજ 433 પોઈન્ટ્સ, 16 નવેમ્બરે 396 પોઈન્ટ્સ, 17નાં રોજ 314 પોઈન્ટ્સ અને 18 નવેમ્બરે 372 પોઈન્ટ્સનો ઘટાડો નોંધાયો. એટલે કે આ દિવસોમાં લગભગ 1700 પોઈન્ટ્સનો કડાકો નોંધાયો. જ્યારે સોમવારે સેન્સેક્સ 1,170 પોઈન્ટ તૂટ્યો.

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1170 અંક ઘટીને 58465 પર બંધ રહ્યો હતો. જ્યાર નિફ્ટી 348 અંક ઘટીને 17416 પર બંધ રહ્યો હતો. વન 97 કોમ્યુનિકેશન લિમિટેડ (Paytm)નો શેર 13.03 ટકા ઘટી 1360 પર બંધ રહ્યો હતો. એટલે કે શેર વધુ 204 રૂપિયા ઘટીને બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે શેર પ્રથમ દિવસે 27 ટકા તૂટીને 1564 રૂપિયા પર બંધ રહ્યો હતો.

Paytmની ઈસ્યુ પ્રાઈસ 2150 રૂપિયા હતી
Paytmની ઈસ્યુ પ્રાઈસ 2150 રૂપિયા નક્કી થઈ હતી. શેર પ્રથમ દિવસે જ 27 ટકા તૂટીને 1564 રૂપિયાએ બંધ થયો હતો. એટલે કે રોકાણકારોને IPO પ્રાઈસની સરખામણીમાં 586 રૂપિયા પ્રતિ શેરનું નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે લિસ્ટિંગ શેરીમનીમાં સંબોધન કરતા Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માની આંખમાં આંસુ આવી ગયાં હતા. જોકે Paytmનું લિસ્ટિંગ ઈસ્યુ પ્રાઈસ કરતાં નીચી કિંમતે થતાં લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે રોષ વ્યક્ત કર્યો હતો.

બજાજ ફાઈનાન્સ, રિલાયન્સ, NTPCના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ, NTPC, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 5.74 ટકા ઘટી 7061.65 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 4.42 ટકા ઘટી 2363.40 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 3.90 ટકા વધી 742.05 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 1.14 ટકા વધી 3263.45 પર બંધ રહ્યો હતો.

ગુજરાતના રોકાણકારોની સંખ્યા 1 કરોડ થવાને આરે શેરબજારમાં વધુને વધુ નવા રોકાણકારો ઉમેરાઈ રહ્યા છે. ત્યારે નજીકના દિવસોમાં રોકાણ કરતા ગુજરાતીઓની સંખ્યા 1 કરોડ થઈ જવાની શક્યતા છે. હાલ ગુજરાતના રોકાણકારોની સંખ્યા 99 લાખ છે. સૌથી વધુ 182 લાખ રોકાણકારો મહારાષ્ટ્રના છે. બીજા ક્રમે ગુજરાત છે.

આ ત્રણ કારણોસર શેરબજારમાં કડાકો
પેટીએમનું નબળું લિસ્ટિંગઃ મહામારી બાદ ઘણા નાના રોકાણકારો બજારમાં આવ્યા હતા. પણ પેટીએમના નબળા લિસ્ટિંગના કારણે રિટેલ ઇનફ્લો ઘટવાની આશંકા વધી.
FIIની વેચવાલીઃ મોટા વિદેશી બ્રોકરેજે ભારતનું આઉટલુક ડાઉનગ્રેડ કરીને ન્યૂટ્રલ અથવા અન્ડરપર્ફોમ રાખ્યું છે. તેથી FIIની વેચવાલી વધી. ​​​​​​​
કૃષિકાયદાની વાપસીઃ સુધારાથી દેશમાં વિદેશી રોકાણ આવતું હતું. કૃષિકાયદા પાછા ખેંચાતા ચૂંટણી સુધી કેન્દ્ર સુધારા નહીં કરે એવી આશંકા સર્જાઈ.

એવા શેરોમાં રોકાણ કરો જે હજુ સુધી ચાલ્યા નથી
એવા શેરોમાં રોકાણ કરો જે આગામી તેજીમાં સારું પર્ફોમ કરી શકે. એવા શેર જે એક-બે વર્ષમાં ચાલી શક્યા નથી. અને એમાં આગામી સમયમાં તેજીની સંભાવના છે. આઇટી, ફાર્મા, એફએમસીજી અને ટેલિકોમ જેવા ડિફેન્સીવ શેરોમાં રોકાણ કરી શકો છો. મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્સ, પાવર, રિન્યુએબલ ઇવી બેસ્ટ કંપની શેર બની શકે છે. - વિનોદ નાયર, હેડ ઑફ રિસર્ચ, જિયોજીત ફાઈનાન્સિયલ સર્વિવિસ

ગુરુવારે સેન્સેક્સ 372 અંક ઘટીને બંધ રહ્યો હતો
ગુરુવારે ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 372 અંક ઘટીને 59,636 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 134 અંક ઘટીને 17764 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર M&M, ટેક મહિન્દ્રા, HCL ટેક, લાર્સન, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. M&M 3.28 ટકા ઘટી 923.80 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 3.19 ટકા ઘટી 1566.30 પર બંધ રહ્યો હતો. જોકે SBI, પાવર ગ્રિડ કોર્પ, HDFC બેન્ક, રિલાયન્સ, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. SBI 1.16 ટકા વધી 503.95 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રિડ કોર્પ 0.63 ટકા વધી 192.35 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...