તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્કેટ:ફેબ્રુઆરીના સ્તર નજીક પહોચ્યું શેરબજાર, માર્ચના નીચલા લેવલેથી 48% વધારો, સર્વોચ્ચ સપાટીએથી 9% દુર

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • A ગ્રુપની માર્કેટ કેપ માર્ચમાં રૂ. 93.64 લાખ કરોડ હતી, જે વધીને 142 લાખ કરોડ થઈ
  • એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બરમાં સેન્સેક્સ ફરીથી તેની સર્વોચ્ચ સપાટીએ પહોચી જશે

ભારતીય શેરબજાર હવે તેના સર્વીચ્ચ સ્તરથી માત્ર 9% દૂર છે. આ તેવા સમયે બન્યું છે જ્યારે કોવિડ-19ના દરરોજ 50 હજારથી વધુ કેસ આવી રહ્યા છે. અનલોક તબક્કાવાર થઇ રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિઓ સંપૂર્ણ રીતે ખુલી નથી. ઘણા સેક્ટર હજુ પણ સંપૂર્ણપણે બંધ છે. શેરબજાર હવે માર્ચના નીચલા સ્તરથી 48% વધ્યું છે.

સેન્સેક્સ 38,407 પર પહોંચી ગયો છે
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના ડેટા દર્શાવે છે કે 1 ફેબ્રુઆરીના રોજ સેન્સેક્સ 39,735 પોઇન્ટ પર હતો. જ્યારે 1 ઓગસ્ટે તે 38,407 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જોકે દિવસ દરમિયાન સેન્સેક્સ 38,556ના નીચલા લેવલે પહોંચી ગયો હતો. આ વર્ષે 20 જાન્યુઆરીએ સેન્સેક્સે 42,273ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. આ રીતે, ફેબ્રુઆરી 1ના સ્તરથી સેન્સેક્સ માત્ર 1,100 પોઇન્ટ દૂર છે. આ ઉચ્ચ સ્તર કરતા 9% ઓછું છે.

નીચલા સ્તરથી 48% રિકવરી
આંકડા દર્શાવે છે કે સેન્સેક્સ 23 માર્ચની નીચી સપાટીથી અત્યાર સુધીમાં 48% સુધર્યો છે. 25,981ના લેવલની સામે સેન્સેક્સ હવે 38,500ની નજીક છે. રોકાણકારોની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. જો આપણે શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશનની વાત કરીએ, તો 1 ફેબ્રુઆરીના રોજ માર્કેટ કેપ રૂ. 153 લાખ કરોડ હતું. 11 ઓગસ્ટે રૂ. 152 લાખ કરોડ હતું. મતલબ કે માત્ર એક લાખ કરોડનો તફાવત છે.

માર્કેટ કેપ 51 લાખ કરોડ વધ્યું
23 માર્ચના લેવલેથી જોઈએ તો સેન્સેક્સમાં ભારે તેજી આવી છે અને તેના કારણે માર્કેટ કેપમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. 23 માર્ચે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 101 લાખ કરોડ હતું જે અત્યારે 11 ઓગસ્ટે 152 લાખ કરોડે પહોચી ગયું છે. એટલે કે માત્ર સાડાચાર મહિનામાં માર્કેટ કેપમાં 51 લાખ કરોડ વધ્યું છે.

A ગ્રુપની માર્કેટ કેપ ફેબ્રુઆરીના સ્તરે પહોચ્યું
A ગ્રુપની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ તેના જૂના સ્તરે પહોંચી ગયું છે. A ગ્રુપનું 1 ફેબ્રુઆરી સુધીમાં માર્કેટ કેપ રૂ. 142.85 લાખ કરોડ હતું. જે હવે રૂ. 142.19 લાખ કરોડ છે. આ જ સમયગાળા દરમિયાન B ગ્રુપની કંપનીઓની માર્કેટ કેપ રૂ. 7.70 લાખ કરોડથી વધીને રૂ. 8.38 લાખ કરોડ થયું છે. 23 માર્ચ સુધીમાં A ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 93.64 લાખ કરોડ અને B ગ્રુપનું માર્કેટ કેપ રૂ. 5.66 લાખ કરોડ હતું. આ રીતે માર્ચથી A ગ્રુપના શેરનું માર્કેટ કેપ 49 લાખ કરોડ વધ્યું છે.

રિલાયન્સ, TCS, HDFC બેન્કનું માર્કેટ કેપ વધ્યું
કંપનીઓની વાત કરીએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઇન્ફોસીસ, HDFC બેન્ક અને હિન્દુસ્તાન યુનિલિવર A ગ્રુપની ટોચની 10 કંપનીઓમાં શામેલ છે. તેમના શેરની સાથે સાથે, તેમના માર્કેટ કેપમાં પણ સારો વધારો થયો છે. RIL સિવાય, ફેબ્રુઆરીથી બાકીની ચાર કંપનીઓના શેરના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી. પરંતુ માર્કેટ કેપિટલાઈઝેશન ચોક્કસપણે વધ્યું છે. રિલાયન્સના શેરોએ આ સમયગાળા દરમિયાન 50%થી વધુ વળતર આપ્યું છે.

ફાર્મા સેક્ટરે 80% વળતર આપ્યું
સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સૌથી સારું સેક્ટર રહ્યું છે. 95 ટ્રેડિંગ સેશનમાં ફાર્માએ રોકાણકારોને 80% વળતર આપ્યું છે. આ સેક્ટર ગત સોમવારે 19,720 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. 23 માર્ચે તે 10,948 પર રહ્યો હતો. આ ક્ષેત્રે એટલું સારું પ્રદર્શન કર્યું છે કારણ કે કોરોનામાં આ સેક્ટરની સૌથી વધુ માંગ રહી છે. આ સેક્ટરના કેટલાક શેરોએ 5 ગણું વળતર આપ્યું છે જ્યારે અમુકે ડબલ વળતર આપ્યું છે. અત્યાર સુધીમાં 20 ફાર્મા કંપનીઓના શેર ઓગસ્ટમાં નવી ઉંચી સપાટીએ પહોંચી ગયા છે. છેલ્લા પાંચ વર્ષથી નબળું પ્રદર્શન કરતા ફાર્મા સેકટરને કોરોનાએ જીવનદાન આપ્યું છે.

સપ્ટેમ્બર સુધીમાં સર્વોચ્ચ સ્તરે પહોચી શકે છે સેન્સેક્સ
વિશ્લેષકો માને છે કે માર્કેટમાં કોવિડની અસર હવે ધીરે ધીરે ખતમ થઈ રહી છે. તેથી જ હવે બજાર આગળ વધી રહ્યું છે. આગામી કેટલાક સમયમાં અનલોક વધુ હળવું કરવામાં આવશે, અને અર્થતંત્રમાં સુધારો જોવાશે, સેન્સેક્સ તેના ઉપલા સ્તરને સ્પર્શી જશે. એવી અપેક્ષા છે કે સપ્ટેમ્બર સુધીમાં સેન્સેક્સ 42,000 સુધી જઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...