છટણીનો ભોગ બન્યા:ફંડની અછતના કારણે સ્ટાર્ટઅપ્સે દસ હજારથી વધુ છટણી કરી

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમ ઝડપથી વિકસી રહી છે. આ સ્ટાર્ટઅપને મોટા પ્રમાણમાં દેશી-વિદેશી ફંડિંગ મળ્યા બાદ ઉંચા પગારે મોટાપાયે કર્મચારીઓની ભરતી કરી છે. છેલ્લા એક-બે વર્ષમાં ખાસ કરીને ટેક્. સ્ટાર્ટઅપ વચ્ચે ટેલેન્ટ હાયરિંગ મામલે હરીફાઈનો માહોલ હતો. પરંતુ હવે આ ચમક ઝાંખી પડી છે. વિભિન્ન વૈશ્વિક અને સ્થાનિક કારણોના પગલે કંપનીઓ પાસે ફંડની અછત થવા લાગી છે.

કોસ્ટ કટિંગ અને રોકડ ખર્ચ પર લગામની કવાયતનો ભોગ ઉંચા પગારે લેવાયેલા કર્મચારીઓ બની રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યારસુધી આ સ્ટાર્ટઅપમાંથી 10 હજારથી વધુ કર્મચારીઓની છટણી થઈ છે. સૌથી વધુ છટણીનો ભોગ સેલ્સ અને માર્કેટિંગના કર્મચારીઓની થઈ રહી છે.

આ વર્ષે છટણી કરતાં સ્ટાર્ટઅપમાં અનએકેડમી, વેદાંતુ, મીશો, વ્હાઈટ હેટ જૂનિયર, બ્લિંકઈટ, ઓલા જેવા નામ સામેલ છે. કોરોના મહામારી દરમિયાન ઓનલાઈન, વર્ક ફ્રોમ હોમ કોન્સેપ્ટના લીધે ડિજિટલ સ્ટાર્ટઅપ્સે મોટાપાયે કર્મચારીઓની ભરતી કરી હતી. પરંતુ હવે ફરી કોલેજો, શાળાઓ, ઓફિસો શરૂ થઈ છે. જેના લીધે રિમોટ લર્નિંગ અને ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપની માગ ઘટી છે.

એજ્યુટેક્. સ્ટાર્ટઅપે 4000 કર્મચારીને છૂટા કર્યા
કોરોના મહામારીના દોરમાં ઓનલાઈન એજ્યુકેશનને વેગ મળ્યો હતો. જેના લીધે મોટાપાયે એજ્યુટેક્. આધારિત સ્ટાર્ટઅપ ઉભરી આવ્યા હતાં. પરંતુ હવે ફરી શાળા-કોલેજો, ટ્યુશન ઓફલાઈન શરૂ થતાં એજ્યુકેશન આધારિત સ્ટાર્ટઅપ્સે મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કર્યા છે. અનએકેડમી, વેદાંતુ, લીડો લર્નિંગે 4000 જેટલા કર્મચારીઓને છૂટા કર્યા છે. જે સ્ટાર્ટઅપ્સની કુલ છટણીના 38 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...