સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં વિક્રમી સ્તરે પહોંચતા રોકાણ વચ્ચે એક નવો ટ્રેન્ડ ઉભો થયો છે. એમ્ફીના અહેવાલ અનુસાર ડિસેમ્બર 2022માં 15.39 એસઆઇપી એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. આ આંકડો 10.9 લાખની છ મહિનાની સરેરાશ કરતાં 41% વધારે છે. જોકે,ડિસેમ્બરમાં ખોલવામાં આવેલા નવા એસઆઇપી ખાતાઓની સંખ્યા 23.24 લાખ હતી. પરંતુ આ છ મહિનાની સરેરાશ (20.20 લાખ) કરતાં માત્ર 15% વધુ છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી એસઆઇપીમાંથી ઉપાડ પણ વધ્યો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના મત અનુસાર,મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ગયા વર્ષે જુલાઈ-ડિસેમ્બરમાં એસઆઇપી એકાઉન્ટ્સમાંથી રૂ.40,000 કરોડ ઉપાડ્યા હતા. જે ગત અર્ધ વર્ષ કરતા 33% વધુ છે.
એસઆઇપી ખાતાં બંધ થવાનાં મુખ્ય કારણો
1 જ્યારે વ્યાજ દર વધે છે ત્યારે સામાન્ય રીતે મ્યુચ્યુઅલ ફંડમાંથી ઉપાડ વધે છે.
2 બેન્ક ડિપોઝિટ રેટમાં વધારાને કારણે હવે FD પર વધુ વળતર મળી રહ્યું છે.
3 બોન્ડ અથવા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં થતા રોકાણમાં પહેલા કરતા વધારે વળતર.
4 તહેવારોની મોસમના ખર્ચ માટે પ્રોફિટ બુકિંગ
5 એક વર્ષની નીચી સપાટીએ પહોંચતા રિટર્નની સ્વાભાવિક પ્રતિક્રિયા.
જાન્યુઆરી-ડિસેમ્બરમાં 1.21 કરોડ નવા એકાઉન્ટ ખૂલ્યાં
એમ્ફીના સીઈઓ એનએસ વેંકટેશના જણાવ્યા અનુસાર SIPના ઊંચા આધારને ધ્યાનમાં રાખીને ખાતા બંધ થવાની સંખ્યા મોટી નથી. ડિસેમ્બરમાં એક્સપાયર થઈ ગયેલા અથવા બંધ થઈ ગયેલા SIP એકાઉન્ટ્સની સંખ્યા ઉદ્યોગમાં કુલ SIP એકાઉન્ટના માત્ર 2.5% છે. જાન્યુઆરી-ડિસેમ્બર 2022 ની વચ્ચે, 1.21 કરોડ SIP ખાતાઓ નવા ખોલવામાં આવ્યા છે.
કેટલાક રોકાણકારોએ અપેક્ષિત રિટર્ન ન મળતાં નાણાં પરત ખેંચ્યા
રિટેલ રોકાણકારોના નિર્ણયમાં એક વર્ષનું રિટર્ન ભૂમિકા ભજવે છે. મોટી સંખ્યામાં નવા રોકાણકારો SIP શરૂ કરે છે. કેટલાક રોકાણકારો જો તેમને અપેક્ષિત રિટર્ન ન મળે તો તેઓ બહાર નીકળી જાય છે. એક વર્ષના રિટર્નની સરખામણી કોવિડ પછીની રેલી સાથે કરી શકાતી નથી. તેથી રોકાણકારોએ નાણા પરત ખેંચ્યા છે. > સ્વરૂપ મોહંતી, સીઇઓ, મિરાઇ એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઇન્ડિયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.